દલિત નેતાએ મેળાનું ઉદ્ઘાટન કરતા સરપંચના પુત્રે જીવલેણ હુમલો કર્યો

દલિત સમાજના નેતાએ ગામના મેળાનું ઉદ્ઘાટન કરતા સરપંચના પુત્ર અને તેના સમર્થકોએ જીવલેણ હુમલો કર્યો. દલિત નેતા અને તેમના પરિવારની હાલત ગંભીર.
Dalit SP leader attacked

કથિત વિશ્વગુરુ આપણા ભારત દેશમાં તમે કોઈપણ રાજકીય પક્ષમાં હો, પરંતુ જો તમે દલિત સમાજની વ્યક્તિ છો, તો સવર્ણ હિંદુઓ કદી પણ તમને નેતા તરીકે સ્વીકારશે નહીં. આવા અનેક ઉદાહરણો આપણે જોયા છે, જેમાં જાતિવાદી તત્વો દ્વારા દલિત નેતાઓને સ્ટેજ પરથી નીચે ઉતારી દેવાયા હોય અથવા તેમનું અપમાન કરાયું હોય.

આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મેનપુરીમાં બની છે. અહીંના લાખનમઉ ગામમાં આયોજિત રાધા-કૃષ્ણ મેળાના ઉદ્ઘાટન દરમિયાન સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા દલિત નેતા પ્રમોદ કુમાર પર ભરી સભામાં સ્ટેજ પર જ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પ્રમોદ કુમાર ઉપરાંત તેમના વયોવૃદ્ધ પિતા અને ભાઈ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હાયર સેન્ટર ખસેડવામાં આવ્યા છે.

મામલો શું હતો?

મળતી માહિતી મુજબ, 3 એપ્રિલ 2026ના રોજ લાખનમઉ ગામમાં પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાના આયોજકોએ સન્માનપૂર્વક દલિત સમાજના સક્રિય યુવા નેતા પ્રમોદ કુમારને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. પ્રમોદ કુમારે જ્યારે વિધિવત રીતે રિબીન કાપીને મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેનાથી ત્યાં હાજર ગામના મહિલા સરપંચ હરિદેવીનો પુત્ર તેજેન્દ્ર કુમાર સિંહ અને તેના સમર્થકો ઉશ્કેરાઈ ગયા હતા.

આ પણ વાંચો: લાખો કેસો પેન્ડિંગ છે ત્યારે UGC પર એક જ દિવસમાં નિર્ણય કેમ?

સ્ટેજ પર જ જીવલેણ હુમલો કર્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલો અત્યંત વ્યવસ્થિત રીતે અને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો હતો. પ્રમોદ કુમાર હજુ તો સ્ટેજ પર બેઠા જ હતા, ત્યાં તેજેન્દ્ર કુમાર સિંહ પોતાના 6 થી 7 હથિયારધારી સમર્થકો સાથે મંચ પર ધસી આવ્યો હતો. તેણે માઈક અને લોકોની હાજરીમાં જ પ્રમોદ કુમાર વિરુદ્ધ અભદ્ર જાતિસૂચક ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું.

જ્યારે પ્રમોદ કુમારે આ અપમાનનો વિરોધ કર્યો, ત્યારે તેજેન્દ્રએ પોતાની પાસે રહેલું હથિયાર પ્રમોદ કુમાર પર તાણી દીધું હતું. ત્યારબાદ હુમલાખોરોએ લાકડીઓ, દંડા અને બંદૂકના કુંદા વડે પ્રમોદ કુમારને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટેજ પર નાસભાગ મચી ગઈ હતી.

વૃદ્ધ પિતા અને ભાઈ પણ બન્યા શિકાર

પોતાના પુત્રને લોહીલુહાણ થતો જોઈ જ્યારે પ્રમોદના વયોવૃદ્ધ પિતા ફૂલ સિંહ અને ભાઈ સંતોષ કુમાર તેમને બચાવવા માટે સ્ટેજ પર દોડી ગયા, ત્યારે હુમલાખોરોએ તેમને પણ બક્ષ્યા ન હતા. આરોપીઓએ વૃદ્ધ ફૂલ સિંહના માથા પર લાકડીના ફટકા મારી તેમને લોહીલુહાણ કરી દીધા હતા. ભાઈ સંતોષને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો: માતા રમાબાઈ આંબેડકર: ત્યાગ, સમર્પણ અને સામાજિક ક્રાંતિની મૌન યોદ્ધા

સૌથી ચોંકાવનારો આરોપ પોલીસ તંત્ર પર લાગ્યો છે. પીડિત પક્ષના જણાવ્યા અનુસાર, મેળાની સુરક્ષા માટે ત્યાં પૂરતું પોલીસ બળ તૈનાત હતું. જ્યારે આ લોહિયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો, ત્યારે હાજર પોલીસકર્મીઓ માત્ર વચ્ચે પડવાનો દેખાવ કરતા રહ્યા હતા. તેમણે હુમલાખોરોને પકડવાની કે તેમની પાસેથી હથિયાર છીનવવાની કોઈ હિંમત દાખવી ન હતી.

પીડિત પરિવારના અન્ય એક સભ્ય સૌરભ કુમારે કરહલના સર્કલ ઓફિસર (CO) ને લેખિત રજૂઆત કરી છે કે બરનાહલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા છતાં પોલીસે એફઆઈઆર (FIR) નોંધવામાં આનાકાની કરી હતી અને ઘાયલોનું સમયસર મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું ન હતું.

આ પણ વાંચો: મેંદરડામાં બે દલિત પ્રમુખને ટર્મ પુરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

હુમલામાં ગંભીર ઈજાઓ પામેલા પ્રમોદ કુમાર અને ફૂલ સિંહની હાલત નાજુક જણાતા જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે સૈફઈ મેડિકલ કોલેજમાં રિફર કર્યા છે. દલિત સપા નેતા પરના આ હુમલાને પગલે વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. પીડિત પરિવારે આરોપીઓ વિરુદ્ધ SC/ST એક્ટ અને હત્યાના પ્રયાસ (કલમ 307) હેઠળ ગુનો નોંધી તત્કાલ ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસ તંત્ર પર દબાણ વધતા હવે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.

આ પણ વાંચો: નશામાં ધૂત શખ્સે રસ્તે જતા આદિવાસી વૃદ્ધની હત્યા કરી નાખી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x