અમદાવાદ: ગુજરાત પ્રદેશમાં વસવાટ કરતા અને સરકારી રેકોર્ડ મુજબ ઓફિસિયલી બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારા બૌદ્ધ સમાજ માટે રવિવારનો દિવસ મહત્વનો રહ્યો. તા. 29-03-2026ના રોજ અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે ‘મહા ગુજરાત બૌદ્ધ સંઘ’ દ્વારા એક રાજ્યસ્તરીય કોન્ફરન્સનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ મહા ગુજરાત બૌદ્ધ સંઘના પોતાના બંધારણ સમાન ‘વિનયપિટક’ એટલે કે સામાજિક આચારસંહિતામાં સમયની જરૂરિયાત મુજબ જરૂરી ફેરફારો અને ત્રીજો બંધારણીય સુધારો કરવાનો હતો.
65થી વધુ બૌદ્ધ ધમ્મ પ્રતિનિધિઓ હાજર રહ્યાં
મહા ગુજરાત બૌદ્ધ સંઘના નીતિ-નિયમો અને પ્રોટોકોલને અનુસરીને યોજાયેલી આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકોએથી આશરે 65થી પણ વધુ અધિકૃત બૌદ્ધ ધમ્મ પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રતિનિધિઓમાં બૌદ્ધ મિશનરીઓ, બુદ્ધ વિહારોના ટ્રસ્ટીઓ અને સામાજિક અગ્રણીઓનો સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય છે કે મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા દર વર્ષે આ પ્રકારે રાજ્યસ્તરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ચર્ચાઓ પૂરતો સીમિત ન રહેતા, સમાજમાં વ્યાપ્ત દૂષણો દૂર કરવા અને નવી પેઢી માટે શ્રેષ્ઠ સામાજિક માળખું તૈયાર કરવાનો હોય છે.

આ પણ વાંચો: ચીનના શાઓલીન મંદિરમાં સેંકડો રોબોટે બૌદ્ધ સાધુઓ સાથે કુંગ ફુ પ્રેક્ટિસ કરી
બૌદ્ધો માટે મહત્વના સૂચનો કરાયા
આ સંસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગુજરાતમાં વસતા એવા જ બૌદ્ધો માટે કાર્ય કરે છે જેઓ ઓફિસિયલી એટલે કે સરકારી ગેઝેટ અથવા રેકોર્ડમાં બૌદ્ધ તરીકે નોંધાયેલા છે. આ કોન્ફરન્સ દ્વારા રાજ્યસ્તરે બૌદ્ધોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જ્યાં તેઓ પોતાના સામાજિક નીતિ-નિયમોમાં સુધારા-વધારા કરવા અંગે મુક્તપણે સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે લોકશાહી ઢબે ચાલે છે, જેમાં દરેક સભ્યના મતને પૂરતું મહત્વ આપવામાં આવે છે.
16 મહત્વપૂર્ણ સૂચનો અને નવા ‘વિનયપિટક’નો સ્વીકાર કરાયો
કોન્ફરન્સના મુખ્ય એજન્ડા મુજબ, ઉપસ્થિત સભ્યો સમક્ષ સામાજિક સુધારા અંગેની દરખાસ્તો મૂકવામાં આવી હતી. ગહન ચર્ચા-વિચારણાના અંતે કુલ 16 જેટલા અત્યંત મહત્વના સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા. મહા ગુજરાત બૌદ્ધ સંઘના ‘વિનયપિટક’ અનુસાર, ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓના સર્વાનુમતે આ સૂચનોને મંજૂરી આપી ‘નવા સુધારા સહિતનું વિનયપિટક’ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ત્રીજો બંધારણીય આચારસંહિતા સુધારો હવે આગામી સમયમાં ગુજરાતના બૌદ્ધ સમાજ માટે માર્ગદર્શક દસ્તાવેજ બની રહેશે. આ સુધારાઓમાં સામાજિક રીત-રિવાજો, લગ્ન અને મરણ જેવી ધાર્મિક વિધિઓમાં એકરૂપતા લાવવા તેમજ બૌદ્ધ સંસ્કારોના પ્રચાર-પ્રસાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બૌદ્ધ પ્રતિનિધિઓ 5 મંત્રીઓને મળ્યાં

મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મીઓ ઉપસ્થિત રહ્યાં
આ ઐતિહાસિક કોન્ફરન્સમાં ગુજરાતના દૂર-દૂરના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલ નાના-મોટા અનામી બૌદ્ધ કાર્યકરો, વિવિધ બૌદ્ધ સંસ્થાઓના સક્રિય સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને બુદ્ધ વિહારોના સંચાલકોની હાજરીએ આ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો. ખાસ કરીને ઉપસ્થિત બૌદ્ધ ઉપાસક અને ઉપાસિકાઓના શિસ્તબદ્ધ સહકારને કારણે આટલું મોટું સંવિધાનિક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
કાર્યક્રમના અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ સુધારેલું બંધારણ સમાજના ઉત્થાનમાં મહત્વનું સાબિત થશે. ઉપસ્થિત તમામ મહાનુભાવોને તેમના અમૂલ્ય સાથ, સહયોગ અને સહકાર બદલ સંઘ દ્વારા ‘લાખ લાખ સાધુવાદ’ પાઠવવામાં આવ્યા હતા. આ રીતે, અમદાવાદના આંગણે આયોજિત આ કોન્ફરન્સ બૌદ્ધ સમાજની એકતા અને વૈચારિક ક્રાંતિનું પ્રતીક બની રહી હતી.
વિશેષ માહિતીઃ સિંહલ બોધિધર્મનજી, મહાગુજરાત બૌદ્ધ સંઘ.
આ પણ વાંચો: બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો












