કુટુંબ નિયોજન નીતિમાં રાજ્યો દ્વારા મુકાતી ઢીલ યોગ્ય છે?

દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.
family planning in India

ચંદુ મહેરિયા

એક મહિલાએ તેના જીવનકાળમાં કેટલા બાળકોને જન્મ આપ્યો કે આપી શકે? તેને કુલ પ્રજનન દર, અંગ્રેજીમાં Total Fertility Rate(TFR) કહેવામાં આવે છે. ૧૯૭૧માં ભારતનો કુલ પ્રજનન દર ૫.૨ હતો, ૧૯૮૧માં ૪.૫, ૧૯૯૧માં ૩.૬ અને આજે ૨ ટકા છે. અનિયંત્રિત વસ્તી વધારામાં ઘટાડો થવાનું કારણ વસ્તી નિયંત્રણ નીતિ કે પરિવાર નિયોજન યોજનાઓ છે. ગરીબી, ખાદ્ય સુરક્ષા અને રોજગારના પડકારો સામે લડવા વસ્તી વધારાને રોકવો જરૂરી હતો.

‘અમે બે અમારા બે’ અને ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’ના પરિવાર નિયોજન અભિયાનને કારણે ૨૦૦૦ના વરસ સુધીમાં દેશનો કુલ પ્રજનન દર ૩.૩થી ઘટાડીને ૨ સુધી કરવામાં મદદ મળી છે. ૨૦૨૧માં દેશની વસ્તી આશરે ૧૩૫.૫ કરોડ હતી તે ૨૦૫૧માં ૧૫૯.૦૧ કરોડ થશે. એટલે વસ્તી તો વધશે પરંતુ કુલ પ્રજનન દર ઘટશે. આ વરસોમાં ભારતનો સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર ૦.૫ થશે. અર્થાત ભારતની વસ્તીમાં સ્થરીકરણ આવશે.

આજે દેશના કુલ પ્રજનન દર ૨ કરતાં ઘણા રાજ્યોનો પ્રજનન દર ઓછો છે. એટલે આ રાજ્યો તેમના ઘટતા પ્રજનન દરથી ચિંતિત છે. ભાજપશાસિત રાજસ્થાન સરકારે તાજેતરમાં વિધાનસભામાં રાજસ્થાન પંચાયતી રાજ (સુધારા) વિધેયક ૨૦૨૬ અને રાજસ્થાન નગરપાલિકા (સુધારા) વિધેયક ૨૦૨૬ પસાર કર્યું છે. રાજસ્થાનની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં છેલ્લા ત્રીસ કરતાં વધુ વરસોથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ઉમેદવારી કરી શકતી નહોતી.

આ પણ વાંચો: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?

આ બાદ્યતાનું કારણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરિવાર નિયોજન માટે આદર્શ બને અને લોકોમાં વસ્તી નિયંત્રણ માટેનો સંદેશ આપી શકાય તે હતો. પરંતુ હવે આ પ્રતિબંધ કાયદામાં સુધારો કરીને ઉઠાવે લીધો છે. રાજસ્થાન સરકારે વિધાનસભમાં કહ્યું છે કે આ પ્રતિબંધ વસ્તી નિયંત્રણ માટે અસરકારક નહોતો. તે નાગરિકો માટે ભેદભાવપૂર્ણ હતો. કેમકે તે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવતો હતો. રાજસ્થાનનો ૧૯૯૧-૯૪માં કુલ પ્રજનન દર ૩.૬ હતો. જે ૨૦૨૪-૨૫માં ૨.૦ છે રાજ્યની કુલ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે પણ પ્રજનન દર ઘટી રહ્યો છે એટલે હવે તેણે બે થી વધુ બાળકો ધરાવનાર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકશે તેમ કાયદેસર ઠરાવ્યું છે.

રાજસ્થાન પૂર્વે તેલંગાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે બાળકો કરતાં વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને ઉમેદવારી કરતાં રોકતા કાયદામાં ફેરફાર કર્યો છે અને આ પ્રતિબંધ દૂર કર્યો છે. ૨૦૨૩-૨૪માં બિહારનો ટોટલ ફર્ટીલિટી રેટ ૩.૦૦ અને યુ.પી. નો ૨.૪ હતો. બીજા રાજ્યોનો ટીએફઆર ૨ કે ૨ થી થોડો ઓછો હતો. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં માત્ર ઓછો પ્રજનન દર ધરાવતા રાજ્યો જ નહીં રાષ્ટ્રીય પ્રજનન દર કરતાં વધુ પ્રજનન દર ધરાવતા રાજ્યો પણ છે.

જે રાજ્યોએ પંચાયત-પાલિકામાં ઉમેદવારો માટે બે કરતાં વધુ બાળકોના નિયમમાં છૂટછાટ મૂકી છે તેમાં ભાજપાશાસિત રાજ્યો છે તો કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની રાજવટ ધરાવતા રાજ્યો પણ છે. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં રાજસ્થાનમાં વિપક્ષ કોંગ્રેસ વિરોધ કરે છે પરંતુ તેના જ પક્ષની તેલંગાણા સરકારે આવો જ કાયદાકીય સુધારો કર્યો છે તે વિશે મૌન સેવે છે. અર્થાત આ બાબતમાં તમામ રાજકીય પક્ષો વચ્ચે છૂપી સંમતિ પ્રવર્તતી હોય તેમ લાગે છે.

આ પણ વાંચો: કલમ 144 નો મનસ્વી ઉપયોગ મૂળભૂત અધિકારોનું હનન છે

દેશના અડધો ડઝન કરતાં વધુ રાજ્યોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ટુ ચાઈલ્ડ નોર્મમાં સુધારો કર્યો છે. પરંતુ એનડીએના પ્રમુખ ઘટક દળ તેલુગુ દેશમની આંધ્રપ્રદેશ સરકારે તો વસ્તી પ્રબંધન નીતિની ઘોષણા કરી છે. વધુ બાળકો પેદા કરનાર દંપતિને ખાસ પ્રોત્સાહન આપવાની નીતિ ઘડનાર આંધ્રપ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે.

આંધ્ર સરકારની જાહેરાત પ્રમાણે હવે રાજ્યમાં જે દંપતિને બીજું અને ત્રીજું બાળક જન્મશે તેને સરકાર રૂ.૨૫,૦૦૦ની પ્રોત્સાહન રાશિ આપશે. IVF (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન) થી બાળકો પેદા કરનારને ખર્ચમાં ખાસ રાહત આપવામાં આવશે. ત્રીજા બાળકને પાંચ વરસ સુધી દર માસે પોષણ સહાય રૂપે રૂ. ૧,૦૦૦ આપવાનું પણ નક્કી કર્યું છે. બીજા અને ત્રીજા બાળકને અઢાર વરસની ઉમર સુધી સરકારી શિક્ષણ સંસ્થામા નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ તમામ લાભ રાજ્યની વસ્તીમાં વૃધ્ધિ માટે આપવામાં આવશે.

આંધ્રપ્રદેશનો હાલનો પ્રજનન દર ૧.૫ છે. દક્ષિણ ભારતના તમામ પાંચ રાજ્યોનો પ્રજનન દર દેશના પ્રજનન દર ૨.૧ કરતાં ઘણો નીચો એટલે કે ૧.૫ જેટલો છે. પરંતુ આંધ્રપ્રદેશ જેવી વસ્તી વૃધ્ધિ માટે નાણાકીય પ્રોત્સાહનની નીતિ કોઈ રાજ્યે જાહેર કરી નથી. આ નીતિ માટેનો રાજ્યનો ઉદ્દેશ લોકસભામાં તેના પ્રતિનિધિત્વમાં થનારા સંભવિત ઘટાડાને અટકાવવાનો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશની લોકસભા બેઠકો ૨૫ હતી. મહિલા અનામતના અમલ પહેલાં લોકસભા બેઠકોનું નવેસરથી પરિસીમન કરવાનો કેન્દ્ર સરકારનો ઈરાદો છે.

આ પણ વાંચો: બંધારણના આમુખ વિશે ડૉ.આંબેડકર-નહેરુ શું માનતા હતા?

આંધ્ર પ્રદેશમાં જો ધીમા દરે વસ્તી વધારો થાય તો તેની લોકસભા બેઠકો તો ઘટે જ વસ્તીના આધારે નાણા પંચ નાણાકીય ફાળવણી માટેની જે ભલામણો કરે છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. આ ચિંતા વાજબી હોવા છતાં વસ્તી નિયંત્રણ નીતિને તડકે મુકવાની આંધ્ર સરકારની ઉતાવળ ન સમજાય તેવી તો છે જ અયોગ્ય પણ છે. દક્ષિણના રાજ્યો સહિત દેશના જે જે રાજ્યોનો ટીએફઆર નીચો છે તેમણે સાથે મળીને આ બાબતમાં કેન્દ્રમાં રજૂઆત કરવી જોઈએ તે ખરો માર્ગ છે.

પ્રજનન દરનો હાલનો ઘટાડો મહિલાઓના દ્રષ્ટિકોણથી તપાસતાં ખૂબ જ પ્રગતિશીલ અને સુધારક જણાય છે. મહિલા શિક્ષણમાં વધારો, મહિલાઓની નોકરી સહિત કુટુંબના નિર્ણયોમાં ભાગીદારી અને સમાજમાં વધતી મહિલા જાગ્રતિ અને સક્રિયતાના કારણે પ્રજનન દરમાં ઘટાડો થયો છે. જો રાજ્યસરકારો વસ્તી વૃધ્ધિના નિયમો અને નીતિઓને મહિલા અધિકારોની અવગણના કરીને અમલી બનાવશે તો તે સરવાળે રાજ્ય અને દેશને પાછળ ધકેલશે. સામાન્ય રીતે વધુ બાળકો ગરીબો અને અશિક્ષિતોને હોય છે. આમ પણ આર્થિક અભાવોમાં તેમને માટે કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય છે. ત્યારે નવા બાળકની જવાબદારી તેમના માટે બોજ બની શકે છે અને માનવ સંપત્તિની ગુણવતા ઘટે તેમ પન બનશે. સરકાર જે માસિક પોષણ સહાય, પ્રોત્સાહન રકમ અને બીજા લાભો આપવાની છે તે એક બાળકના શિક્ષણ, આરોગ્ય અને લાલનપાલનના ખર્ચની તુલનામા પર્યાપ્ત જણાતા નથી.

રાજ્ય સરકારોએ કેન્દ્રના પરામર્શમાં રહીને રાષ્ટ્રીય ધોરણે વસ્તી નિયંત્રણો હટાવવા બાબતે નિર્ણયો લેવાની જરૂર છે. આંધ્રપ્રદેશ અને બીજા રાજ્યોના પગલાંની પ્રતિકૂળ અને નકારાત્મક અસરોની પણ વ્યાપક ચર્ચા થવી જરૂરી છે. દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x