ભાજપના નેતાઓ દલિતોના મત લેવા માટે ડો.આંબેડકર અને દલિતોનું સન્માન કરતા હોવાનો દેખાડો કરે છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી હોય છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના નારાયણપુર છંગા ગામમાં ગુરુવારે રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર અજય પ્રતાપ સિંહના જન્મદિવસની ઉજવણી દરમિયાન દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વોએ ગામમાં સ્થાપિત બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નાખી હતી. આ કૃત્યનો વિરોધ કરવા ગયેલા દલિત સમાજના લોકો પર લાકડીઓ, ડંડા અને હથિયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ સહિત ડઝનબંધ લોકો લોહીલુહાણ થયા છે.

ભાજપ નેતાના જન્મદિવસની પાર્ટીમાં તોફાન
ઘટનાની વિગતો મુજબ, 16 એપ્રિલના રોજ ગામમાં રહેતા ભાજપ નેતા અજય પ્રતાપ સિંહનો જન્મદિવસ હતો. અજય પ્રતાપ 2022માં ભાજપની ટિકિટ પર ઠાકુરદ્વારા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને હાલ 2027ની ચૂંટણી માટે ફરીથી દાવેદારી કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે ગામમાં એક ભવ્ય મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ગામના ચોક્કસ સમાજના લોકો ઉપરાંત બહારથી 150 જેટલા યુવકો ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર પર સવાર થઈને આવ્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગરમાં રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં બહુજનો ઉમટી પડ્યાં
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં મોડી રાત સુધી દારૂની મહેફિલ ચાલી હતી. દારૂના નશામાં ધૂત અજય પ્રતાપ અને તેમના સમર્થકોએ રાત્રે અચાનક ગામમાં આવેલા આંબેડકર પાર્કને નિશાન બનાવ્યું હતું. આ ટોળાએ સૌ પ્રથમ ગામની વીજળી ડૂલ કરી દીધી હતી જેથી અંધારાનો લાભ લઈ શકાય. ત્યારબાદ તેઓ પાર્કમાં ઘૂસી ગયા હતા અને બાબા સાહેબની પ્રતિમાની તોડફોડ શરૂ કરી હતી.
ડૉ.આંબેડકરની પ્રતિમા સામે ઉભા રહી પેશાબ કર્યો!
પીડિત પક્ષના મલખાન સિંહે પોલીસ ફરિયાદમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, નશામાં ધૂત ભાજપ નેતા અને તેમના સાથીઓએ માત્ર પ્રતિમાને ખંડિત જ નહોતી કરી, પરંતુ પ્રતિમાની સામે ઉભા રહીને પેશાબ જેવું અશ્લીલ કૃત્ય કરીને સમગ્ર દલિત સમાજની આસ્થાનું ઘોર અપમાન કર્યું હતું. જ્યારે ગામના દલિત પરિવારોને આ વાતની જાણ થઈ અને તેઓએ વિરોધ કરવાની કોશિશ કરી, ત્યારે અજય પ્રતાપ અને તેમના સમર્થકોએ પૂર્વઆયોજિત રીતે હુમલો બોલી દીધો હતો.

આ પણ વાંચો: ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે
હુમલાખોરોએ જાતિસૂચક શબ્દો બોલીને દલિતોને અપમાનિત કર્યા હતા. ગામની યુવતી માનસીએ રડતા-રડતા પત્રકારોને જણાવ્યું કે, “અમે અમારા ઘરોમાં હતા ત્યારે અજય પ્રતાપ અને 100-150 લોકોનું ટોળું લાકડીઓ લઈને આવ્યું. તેઓએ અમને ઘરોમાંથી બહાર ખેંચ્યા અને ઢોર માર માર્યો. અજય પ્રતાપે મારા માથામાં લાકડીનો જોરદાર ફટકો માર્યો જેનાથી લોહી વહેવા લાગ્યું. મારી બહેનને પણ અજયના ભાઈએ નિર્દયતાથી મારી હતી.”
જૂની અદાવતનું પરિણામ
આ સમગ્ર હિંસા પાછળ 14 એપ્રિલની બાબા સાહેબ આંબેડકર જયંતીની અદાવત હોવાનું બહાર આવ્યું છે. 14 એપ્રિલે ગામના દલિત સમાજે જયંતી નિમિત્તે એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ રાજપાલ સિંહ ચૌહાણને બોલાવવામાં આવ્યા હતા. અજય પ્રતાપ સિંહ આ વાતથી અત્યંત ક્રોધિત હતા કે ગામમાં પોતે નેતા હોવા છતાં દલિતોએ તેમને કેમ ન બોલાવ્યા અને બહારથી બીજા નેતાને કેમ આમંત્રિત કર્યા. તે સમયે પણ તેમણે ધમકી આપી હતી કે આનું પરિણામ તમારે ભોગવવું પડશે. જન્મદિવસની પાર્ટીના બહાને તેમણે આ જૂની ખુન્નસ કાઢી હોવાનું ગ્રામજનો માની રહ્યા છે.
આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી
ફાયરિંગને કારણે ગામમાં ભય ફેલાયો
હુમલાખોરો માત્ર લાકડીઓ સુધી મર્યાદિત રહ્યા નહોતા. દલિત પરિવારોમાં ભય ફેલાવવા માટે હવામાં 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ છત પર ચડીને દલિતોના ઘરો પર પથરાવ કર્યો હતો. આ હિંસામાં કુસુમ, મલખાન સિંહ, માનસી, ગ્રંથ સિંહ, રૂબી, પ્રકાશવીર, પવનીશ વીર અને રામ સિંહ જેવા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં પવનીશ અને રામ સિંહની સ્થિતિ અત્યંત નાજુક જણાતા તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
ઘટનાની ગંભીરતા જોતા ઠાકુરદ્વારા પોલીસે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. પીડિત મલખાન સિંહની ફરિયાદ પર પોલીસે ભાજપ નેતા અજય પ્રતાપ સિંહ, તેમના ભાઈ અભય પ્રતાપ સિંહ, તેજ પ્રકાશ, નિપેન્દ્ર, હિતાન્શુ, તુષાર, સૂર્ય પ્રતાપ, નરેન્દ્ર, રાજીવ, મહેશ, હર્ષિત અને કૌશલ એમ 12 લોકોને નામજોગ આરોપી બનાવ્યા છે. આ ઉપરાંત 150 અન્ય અજ્ઞાત હુમલાખોરો સામે પણ FIR નોંધવામાં આવી છે.
પોલીસે આ મામલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો તેમજ SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રતિમાને નુકસાન પહોંચાડનારા અને હિંસા કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘તમારો વરઘોડો રોકે તો અમને કંકોતરી આપજો, ધામધૂમથી લગ્ન કરાવીશું’
રાજકીય અને સામાજિક પ્રત્યાઘાતો પડ્યાં
આ ઘટનાના પડઘા રાજકીય વર્તુળોમાં પણ પડ્યા છે. આઝાદ સમાજ પાર્ટીના પ્રદેશ સચિવ એડવોકેટ રાજકુમાર યાદવે નારાયણપુર છંગા ગામની મુલાકાત લીધી હતી અને દલિતો પર થયેલા અત્યાચારની ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ ચિમકી આપી છે કે જો પોલીસ સત્તાધારી પક્ષના દબાણમાં આવીને આરોપીઓની ધરપકડ નહીં કરે, તો આઝાદ સમાજ પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરશે.
હાલ નારાયણપુર છંગા ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, પરંતુ દલિત પરિવારોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ નેતાની આ હરકતે પક્ષની છબી પર પણ સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે યોગી સરકાર પોતાના જ પક્ષના નેતા સામે કેવા પગલાં ભરે છે.
આ પણ વાંચો: ડો.આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી, 200 દલિતો સામે ફરિયાદ











