જાતિવાદી તત્વોને બહુજન સમાજના મહાપુરુષો પર કેટલી દાઝ છે તે સાબિત કરવાની જરૂર નથી. દર વર્ષે 14મી એપ્રિલ પહેલા ડો.બાબાસાહેબ આંબેડકરની અનેક પ્રતિમાઓ જાતિવાદી તત્વો ખંડિત કરે છે, તેનું અપમાન કરે છે. હવે તેમાં ડો.આંબેડકરના પણ ગુરુ એવા મહાત્મા જ્યોતિબા ફૂલે અને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેનું નામ પણ જોડાઈ ગયું છે. જાતિવાદી તત્વો હવે બાબાસાહેબ સાથે ફૂલે દંપતીની પ્રતિમાને પણ એટલી જ નફરત કરવા લાગ્યા છે અને તેનું તાજું ઉદાહરણ મધ્યપ્રદેશના બાલાઘાટમાંથી સામે આવ્યું છે.
બાલાઘાટ જિલ્લાના લાંજી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કંસુલી ગામમાં કોઈ અસામાજિક તત્વોએ રાત્રિના અંધકારમાં બહુજન મહાપુરુષોની પ્રતિમાઓને નિશાન બનાવી હતી. આ ઘટના બુધવાર અને ગુરુવારની મધ્યરાત્રિ દરમિયાન બની હોવાનું અનુમાન છે. આ હુમલામાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર, ક્રાંતિસૂર્ય મહાત્મા જ્યોતિબા ફૂલે અને દેશના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમાઓને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે. મહાપુરુષો પ્રત્યેની આવી ઘૃણાસ્પદ હરકતને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ પેદા થઈ છે.

આ પણ વાંચો: ‘તમેય સ્માર્ટ ફોન વાપરવા માંડ્યા?’ કહી દલિત યુવકને જાતિવાદીઓએ માર માર્યો
નાનું બાળક આરોપીને પ્રતિમા તોડતા જોઈ ગયું
આ આખી ઘટના એક નાના બાળકે જોઈ હતી. ગામલોકોના જણાવ્યા અનુસાર, ગામના એક બાળકે પ્રતિમા સ્થળ પાસે એક અજાણ્યા શખ્સને શંકાસ્પદ હાલતમાં જોયો હતો. તે વ્યક્તિએ સફેદ રંગનો શર્ટ અને હાફ લોઅર પહેર્યું હતું તેમજ મોઢા પર સફેદ રંગનો ગમછો લપેટ્યો હતો. બાળકે તે શખ્સને પ્રતિમાઓ તોડતો જોઈ તુરંત ગામલોકોને જાણ કરી હતી. જોકે, ગ્રામજનો એકઠા થાય તે પહેલા જ અંધારાનો લાભ લઈને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકની જુબાનીના આધારે પોલીસ હવે તે અજાણ્યા શખ્સની શોધખોળ કરી રહી છે.
ત્રણેય પ્રતિમાઓને તોડીને અલગ અલગ ફેંકી દીધી
ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ જોયું કે હુમલાખોરે બહુજન સમાજની આસ્થા પર ઊંડો પ્રહાર કર્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ચબૂતરા પર જ તોડી પાડવામાં આવી હતી, જ્યારે મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમાઓને અત્યંત અપમાનજનક રીતે ચબૂતરા પરથી ઉખેડીને દૂર ફેંકી દેવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ જ ચબૂતરા પર સ્થાપિત ગૌતમ બુદ્ધની પ્રતિમા સુરક્ષિત છે, જે સૂચવે છે કે હુમલાખોરે ચોક્કસ હેતુ સાથે આ કૃત્ય આચર્યું હતું. પ્રતિમાઓની આવી દુર્દશા જોઈને અનુયાયીઓની લાગણી દુભાઈ છે.
આ પણ વાંચો: અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની શોભાયાત્રા રોકી પથ્થરમારો કર્યો

ભૂતકાળમાં જાતિવાદી તત્વોએ પ્રતિમાઓનો વિરોધ કર્યો હતો
આ મામલે સ્થાનિક રહેવાસી પ્રતિમા નાગદેવે દ્વારા લાંજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે પોતાની લેખિત ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે ભૂતકાળમાં પ્રતિમા સ્થાપિત કરવાના સ્થળને લઈને કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. આ વિવાદને કારણે જ કોઈએ જાણીજોઈને આ હીન કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંજી પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કર્યા છે અને તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ અધિકારીઓ હાલમાં કોઈ પણ નિવેદન આપવાથી બચી રહ્યા છે અને મામલો શાંત પાડવા પ્રયાસ કરી રહ્યા છે.
દલિત સમાજમાં ભારે આક્રોશ, આંદોલનની ચીમકી
આ ઘટનાના સમાચાર વાયુવેગે જિલ્લામાં ફેલાઈ જતાં બહુજન સંગઠનો અને મહાપુરુષોના અનુયાયીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓનું કહેવું છે કે મહાપુરુષોની પ્રતિમાઓનું અપમાન એ સમગ્ર સમાજનું અપમાન છે. તેમણે માંગ કરી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમની પાછળ રહેલા માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ કરવામાં આવે. જો પોલીસ આ બાબતે ઢીલી નીતિ અપનાવશે અથવા કાર્યવાહીમાં વિલંબ થશે, તો ગ્રામજનો અને સંગઠનો દ્વારા જિલ્લા સ્તરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં દૂતાવાસ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ












