ઉત્તર પ્રદેશના કાસગંજના ચહકા ગુનાર ગામમાં મંગળવારે સાંજે ભારે અશાંતિ ફેલાઈ હતી. ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીના અવસરે દલિત સમાજ દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ હુમલો કરતા મામલો બિચક્યો હતો. બે પક્ષો વચ્ચે થયેલી હિંસક અથડામણ અને પથ્થરમારાને પગલે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
યાદવ સમાજના લોકોએ રસ્તો આંતરી તોફાન મચાવ્યું
ગામમાં 14મી એપ્રિલના ઉપલક્ષમાં શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. આ યાત્રા જ્યારે નક્કી કરેલા નિર્ધારિત માર્ગ પરથી ગુનાર તરફ આગળ વધી રહી હતી, ત્યારે યાદવ સમાજના કેટલાક લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. દલિત પક્ષનો ગંભીર આક્ષેપ છે કે સામેના પક્ષે શોભાયાત્રાને રોકવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર જાણીજોઈને ટ્રેક્ટર, ગાડા અને ખેતીના મોટા મશીનો (થ્રેશર) આડા મૂકી દીધા હતા જેથી શોભાયાત્રા આગળ વધી ન શકે.

આ પણ વાંચો: કેમ તમિલનાડુમાં રાજકીય પક્ષો બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપતા?
જ્યારે શોભાયાત્રાના આયોજકોએ રસ્તો ખુલ્લો કરવાની વિનંતી કરી, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ શોભાયાત્રા કાઢવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ ખેંચતાણમાં શાંતિપૂર્ણ વાતાવરણ અચાનક હિંસક અથડામણમાં ફેરવાઈ ગયું હતું.
પોલીસ પર પથ્થરમારા બાદ હિંસા ફાટી નીકળી
મામલાની ગંભીરતા સમજીને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડવા અને રસ્તો ખુલ્લો કરાવવા લાંબો સમય પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલું ટોળું કાબૂ બહાર ગયું હતું. વિવાદ એટલો વધ્યો હતો કે બંને જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. આ દરમિયાન ટોળાંને વિખેરવા ગયેલી પોલીસ ટુકડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને કારણે ગામની ગલીઓમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરી મૂકી હતી.
30 વર્ષ જૂના વિવાદે માથું ઉચક્યું
ચહકા ગુનાર ગામમાં આ પ્રકારનો વિવાદ કોઈ નવી વાત નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 વર્ષ પહેલા પણ આ જ ગામમાં યાદવ પક્ષ દ્વારા ડૉ.આંબેડકર શોભાયાત્રાના માર્ગને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ મોટી હિંસા થઈ હતી. ત્રણ દાયકા વીતી ગયા હોવા છતાં સામાજિક વૈમનસ્ય ઓછું થયું નથી તે વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જૂની અદાવતને કારણે જ આ વખતે ફરી 135મી જન્મ જયંતીના પવિત્ર અવસરને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યો હોવાનું મનાય છે.

આ પણ વાંચો: કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં
આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
હિંસાના સમાચાર વાયુવેગે ફેલાતા સહાવર સીઓ શાહિદા નસરીન અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વધારાની પોલીસ ફોર્સ સાથે ગામમાં ધસી આવ્યા હતા. હાલમાં ગામમાં શાંતિ જાળવવા માટે પીએસી (PAC) અને વિવિધ થાણાની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.
વહીવટી તંત્રની કાર્યવાહી હાલમાં પોલીસ બંને પક્ષોના આગેવાનો સાથે વાટાઘાટો કરી રહી છે જેથી શોભાયાત્રા તેના નિયત માર્ગે પૂર્ણ કરી શકાય. પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોની વિડિયો ફૂટેજના આધારે ઓળખ કરવામાં આવી રહી છે. ગામમાં અત્યારે ભારે તણાવની સ્થિતિ છે, પરંતુ સ્થિતિ પોલીસના અંકુશ હેઠળ છે. વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવી રાખે.
આ પણ વાંચો: વીરમગામના વનથળ ગામે 14મી એપ્રિલે ભવ્ય લાયબ્રેરી ખુલ્લી મુકાઈ












*અસામાજિક તત્વો અને જાતિભેદ સાથે જોડાયેલા લોકોનું DNA શું હોય શકે? ભારતનું બંધારણ સૌ કોઈને મંગલમય જીવનની ગેરંટી આપે છે ત્યારે અસામાજિક તત્વોને ઉશ્કેરવાનો ધંધો કોણ કરે છે? જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!