‘બોલો લો! હવે દલિતો પણ બગીમાં જાન લઈને નીકળવા લાગ્યા?’

દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને પરણવા નીકળતા ગામના જાતિવાદી શખ્સે અપમાનજનક નિવેદન કરતા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
Dalits buggies

લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સાથે જ મનુવાદીઓના મનમાં પડેલી જાતિવાદી ગંદકી પણ ઉછળી ઉછળીને બહાર આવી રહી છે. આવી જ એક ઘટનામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજાની જાન બગીમાં બેસીને પરણવા નીકળતા અપમાનજનક નિવેદન કર્યું હતું. જેમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા હોબાળો મચી ગયો હતો.

મામલો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો છે. અહીંના લાઈ ખેડા ગામમાં એક દલિત પરિવારની જાનના વરઘોડા દરમિયાન કેટલાક જાતિવાદી તત્વો દ્વારા જાતિવાદી નિવેદન કરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું. “શું હવે દલિતો પણ બગીમાં બેસીને વરઘોડો કાઢશે?” એવા અપમાનજનક શબ્દોએ વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું અને મામલો હિંસક અથડામણ સુધી પહોંચ્યો હતો.

જાતિવાદી માનસિકતાએ વિવાદ છેડ્યો

આ આખી ઘટના 20 એપ્રિલના રોજ બની હતી. બરેલી જિલ્લાના એક દલિત પરિવારની જાન લાઈ ખેડા ગામમાં આવી હતી. વરરાજા જ્યારે બગી પર સવાર થઈને ગામની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગામના જ વગદાર ગણાતા રાજપાલ યાદવના ઘર પાસે જાન પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વરરાજાને બગીમાં સવાર જોઈને રાજપાલ યાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે જ્ઞાતિસૂચક નિવેદન કરતા જાનૈયાઓનું અપમાન કર્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન બહુજન સાંસ્કૃતિક મેળો યોજાશે

રાજપાલ યાદવે કથિત રીતે મોટેથી કહ્યું હતું કે, “હવે આ દલિતો પણ બગીમાં ચઢીને વરઘોડો કાઢશે?” આ નિવેદન સાંભળતા જ વરપક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.

બે પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી

રાજપાલ યાદવના નિવેદન બાદ તેના પક્ષના અન્ય લોકો, જેમાં સુમિત, અમિત અને સુરેન્દ્ર જેવા શખ્સો સામેલ હતા, તેઓ પણ લાકડીઓ અને અન્ય હથિયારો સાથે આક્રમક થઈ ગયા હતા. આરોપ છે કે જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આ ટોળાએ દલિત પરિવાર અને જાનૈયાઓ પર હુમલો કર્યો હતો. બંને પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ અને છૂટાહાથની મારામારી થઈ હતી, જેના કારણે લગ્નના હર્ષોલ્લાસના વાતાવરણમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો. પોલીસની કડક સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની લગ્નવિધિ સંપન્ન કરાવવામાં આવી હતી, પરંતુ ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસે કડક કાર્યવાહી કરી

આ મામલે શુક્રવારે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શાહજહાંપુરના પોલીસ અધિક્ષક (SP) સૌરભ દીક્ષિતે મીડિયાને જણાવ્યું હતું કે, પીડિત પક્ષની ફરિયાદના આધારે રાજપાલ યાદવ, સુમિત, અમિત, સુરેન્દ્ર, અવધેશ યાદવ અને અન્ય પાંચ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: સાધુએ પાંચ વર્ષ સુધી મહિલાને સાથે રાખીને શોષણ કર્યું

પોલીસે આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની સંબંધિત કલમો તેમજ એટ્રોસિટી એક્ટની કડક જોગવાઈઓનો ઉમેરો કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય સૂત્રધાર રાજપાલ યાદવ અને તેના પુત્ર સુમિતની અટકાયત કરી લીધી છે અને તેમની કડક પૂછપરછ ચાલી રહી છે.

રસ્તો આપવા બાબતે માથાકૂટ થતા વિવાદ વધ્યો

પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એક પાસું એવું પણ સામે આવ્યું છે કે તે દિવસે રાજપાલ યાદવના ઘરે પણ કોઈ પ્રસંગ હતો અને બંને પક્ષોની જાન સાંકડી ગલીમાં એકસાથે આવી ગઈ હતી. રસ્તો આપવા જેવી નજીવી બાબતે શરૂ થયેલી તકરારે જાતિવાદી વળાંક લીધો હતો. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે બંધારણીય અધિકારોનું હનન કરનાર અને જાતિવાદી ટિપ્પણી કરનાર કોઈપણ તત્વને છોડવામાં આવશે નહીં. હાલ ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે અને અન્ય ફરાર આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Narsinhbhai
Narsinhbhai
18 days ago

*ભારતની જાતિવાદી શેતાનિક માનસિકતા સાત સમુંદર પાર પણ આટલી જ ફુલીફાલી છે જ્યાં જોવો ત્યાં ગંદકી ગંદકી છે! દેશના જાતિવાદીઓ પાસે હવે સમાનતાનો કોઈ બીજો રસ્તો બચ્યો નથી એટલે દલિતોની સામે ધુઆપુઆ અને ઝનૂની આક્રમકતા દાખવે છે! એમાં કોઈ બેમત નથી!
“જાતિ છોડો સમાજ જોડો!

1
0
Would love your thoughts, please comment.x
()
x