મહેસાણા: ભારતમાં જ્યાં પણ મનુવાદને પોષતા ભાજપનું સાશન છે ત્યાં દલિતોના વરઘોડા રોકવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી જ એક ઘટના કેન્દ્રીય ગૃહમંત્રી અને પીએમ મોદીના વતન મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક દલિત વરરાજાને જાતિવાદી ઠાકોરોએ ઘોડી પર બેસીને જાન લઈને નીકળવા બદલ ઘોડી પરથી નીચે ઉતારી દીધા હતા અને જાતિસૂચક અપશબ્દો કહી હોબાળો મચાવ્યો હતો. આ મામલે હવે પાંચ દિવસ બાદ વરરાજાના પરિવારે આરોપીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.
મામલો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામનો છે. અહીં ગત તારીખ 10 મે 2026 ના રોજ ગામમાં નીકળેલા એક દલિત યુવકના વરઘોડાને અટકાવી, તેને જાતિસૂચક અપશબ્દો બોલી ઘોડી પરથી નીચે ઉતારી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માઢી ગામના રહેવાસી ભાવિકભાઈ મોતીભાઈ સેનમાના નાના ભાઈ મયંકભાઈના લગ્ન હોવાથી ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજા મયંકભાઈ ઘોડી પર સવાર થઈને પરંપરાગત રીતે ગામના ચોકમાં પહોંચ્યા હતા. સવારે અંદાજે 10:00 વાગ્યાના સુમારે, જ્યારે વરઘોડો ડેરી પાસેના ચોકમાં પહોંચ્યો હતો, ત્યારે ગામના જ બે શખ્સો યુવરાજસિંહ મંગાજી ચૌહાણ અને નિકુલસિંહ કલાજી ચૌહાણ ત્યાં ધસી આવ્યા હતા.
આ પણ વાંચો: મહાકુંભની મોનાલીસાના પતિ વિરુદ્ધ POCSO અને એટ્રોસિટીની FIR નોંધાઈ
“વરઘોડો તો દરબારો જ કાઢી શકે, તમે નહીં..”
બંને આરોપીઓએ વરઘોડો અટકાવી જાતિસૂચક અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. તેમણે ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે, “તમે દલિતો વરઘોડો ન કાઢી શકો, વરઘોડો તો માત્ર દરબારો જ કાઢી શકે.” એટલું જ નહીં, આરોપીઓએ ધમકી આપી હતી કે જો વરરાજા ઘોડી પરથી નીચે નહીં ઉતરે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ દરમિયાન જ્યારે વરરાજાના મોટા ભાઈ ભાવિકભાઈએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી અને આરોપીઓએ તેમને લાફો મારી દીધો હતો.
પ્રસંગ જાળવવા જાન અમદાવાદ રવાના થઈ
બનાવના સમયે માહોલ તંગ બની જતાં અને લગ્ન પ્રસંગમાં કોઈ મોટું વિઘ્ન ન આવે તે હેતુથી પીડિત પરિવારે તે સમયે મૌન ધારણ કર્યું હતું. આરોપીઓની ધમકી અને હુમલાથી ડરી ગયેલો પરિવાર વરઘોડો ત્યાં જ ટૂંકાવીને અમદાવાદ જાન લઈને રવાના થઈ ગયો હતો. લગ્ન વિધિ સંપન્ન કર્યા બાદ, પરિવાર પરત ફર્યો અને આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય
નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ મદદ કરી
આ ઘટનાની જાણ થતાં જ નવસર્જન સંસ્થાના કાર્યકરો શાંતાબેન, ભરતભાઈ, નરેશભાઈ બેંકર અને અન્ય આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. કડી પોલીસ સ્ટેશનના નિવૃત્ત જમાદાર ભગાભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરિવારે હિંમત એકઠી કરી લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351(3), 54 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હજુ સુધી એકેય આરોપીની ધરપકડ નહીં
આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને DySP કંસારા સાહેબ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સામાજિક કાર્યકરોએ આરોપીઓની ત્વરિત ધરપકડ કરવા અને પીડિત પરિવારને કાનૂની રક્ષણ પૂરું પાડવા રજૂઆત કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ગામમાં ફરી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. પીડિત પરિવારની માંગ છે કે બંધારણ દ્વારા આપવામાં આવેલા સમાનતાના અધિકારનું હનન કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સમાજમાં એક દાખલો બેસે.
આ પણ વાંચો: દલિત પરિવાર મંદિર માટે દાન ન આપતા સવર્ણોએ લોહીલુહાણ કરી નાખ્યો











