પોલીસ પર દેશના સામાન્ય માણસને શા માટે જરાય ભરોસો નથી તેની સાબિતી આપતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બિહારના કૈમૂર જિલ્લાના ભભુઆ નગરમાં દલિત અત્યાચારની એક ગંભીર ઘટના સામે આવી છે. ભભુઆ નગરના વોર્ડ નંબર 14માં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ચંદ્રપ્રભા પર સર્ચ વોરંટ વિના એક દલિત પરિવારના ઘરમાં બળજબરીથી ઘૂસીને 8 મહિનાની ગર્ભવતી મહિલાની નિર્દયતાથી માર મારવાનો આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, મહિલા પોલીસ સ્ટેશનની ટીમ વોર્ડ નંબર 14માં રહેતા સૂરજ રામ નામના આરોપીની ધરપકડ કરવા ગઈ હતી, જેની સામે તેની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સૂરજ ઘરે હાજર ન હતો. આક્ષેપ છે કે સૂરજ ન મળતા પોલીસે આસપાસના અન્ય ઘરોની બળજબરીથી તલાશી લેવાનું શરૂ કર્યું હતું.

ગર્ભવતી મહિલા પર હુમલો કરી સામાનમાં તોડફોડ
પોલીસની ટીમ જ્યારે સ્થાનિક રહેવાસી ભોલા રામના ઘરમાં ઘૂસવા લાગી, ત્યારે તેની પત્ની ગુડિયા દેવીએ પોલીસને ટોકી હતી અને સૂરજ રામના ઘરે જ તપાસ કરવા કહ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓ અને પીડિત મહિલા ગુડિયા દેવીના જણાવ્યા અનુસાર, આટલી વાત પર મહિલા મહિલા પોલીસ અધિકારી ચંદ્રપ્રભા ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ગુડિયા દેવીને બેરહેમીથી પીટી નાખ્યા હતા.
આ પણ વાંચો: બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ: 8 મહિલાઓના મોત
એટલું જ નહીં, પોલીસે ઘરમાં બળજબરીથી ઘૂસીને તમામ સામાન વેરવિખેર કરી દીધો હતો. આ મારામારીને કારણે 8 મહિનાની ગર્ભવતી ગુડિયા દેવીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ પીડિત પરિવારે ભભુઆ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને ન્યાયની ગુહાર લગાવી છે અને આરોપી પોલીસકર્મી સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક દલિત વસ્તીની મહિલાઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
BSP નેતાએ પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ કરી
બીજી તરફ, બહુજન સમાજ પાર્ટી (BSP) એ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. બીએસપી નેતા સંતોષ કુમારે મહિલા પોલીસને ‘દલિત વિરોધી’ ગણાવી કૈમૂર એસપી પાસે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. બીએસપી નેતાએ દારોગાના જૂના વિવાદોને પણ ઉજાગર કર્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, આશરે 3 મહિના પહેલા 24 ફેબ્રુઆરીએ આ જ મહિલા પોલીસે પોતાના રૂમનું ઇન્વર્ટર રીપેર કરવા ઇલેક્ટ્રિક મિકેનિક સંતોષ રામને બોલાવ્યો હતો. 26 ફેબ્રુઆરીએ જ્યારે મિકેનિક પોતાની મજૂરીના પૈસા માંગવા ગયો, ત્યારે પૈસા આપવાને બદલે આ મહિલા પોલીસે તેને સાવરણી અને લાત-મૂક્કાથી માર માર્યો હતો અને તેના પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો હતો. તે સમયે પણ સફાઈ કામદારોએ ભભુઆ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય
મહિલા પોલીસે શું કહ્યું
સામે પક્ષે, આરોપી મહિલા દારોગા ચંદ્રપ્રભાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે. તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, તેઓ માત્ર પોલીસ સ્ટેશનમાં આવેલી એક અરજીના અનુસંધાને આરોપી સૂરજ રામને પકડવા ગયા હતા. તેમનો દાવો છે કે જ્યારે તેઓ ત્યાં તપાસ કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને તેમનો સરકારી મોબાઈલ પણ છીનવી લીધો હતો.
હાલમાં, એક તરફ પોલીસકર્મી પર પદનો દુરૂપયોગ કરી ગર્ભવતી મહિલા સાથે મારપીટ કરવાનો ગંભીર આરોપ છે, જ્યારે બીજી તરફ પોલીસ પોતે પીડિત હોવાનો દાવો કરી રહી છે. મામલો હવે કૈમૂર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમક્ષ છે અને તપાસ બાદ સત્ય સામે આવશે.
આ પણ વાંચો: દલિત યુવકે સવર્ણ યુવતી સાથે કોર્ટ મેરેજ કરતા ટ્રેન સામે ફેંકી હત્યા











