RSS પોતે એક સર્વ સમાજ સમાવેશક સાંસ્કૃતિક સંગઠન હોવાના દાવાઓ કરે છે. પરંતુ આ દાવાઓ કેટલા પોકળ છે તેની સાબિતી આપતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનના ભીલવાડા(Bhilwara) જિલ્લાના આસીંદ તાલુકાના બરાના ગામમાં દલિત સમાજનું 400 વર્ષ જૂનું પ્રાચીન શ્રી ખાકુલ દેવજી મંદિર(temple of a Dalit priest) આવેલું છે. આ મંદિરનું સમગ્ર સંચાલન સદીઓથી દલિત સમાજના લોકો કરતા આવ્યા છે.
પરંતુ હવે આરએસએસના કાર્યકરોએ(RSS workers) ભાજપના સ્થાનિક ધારાસભ્યની મિલીભગતથી દલિતોનું આ મંદિર હડપી લીધું હોવાનો આરોપ લાગ્યો છે. આ મંદિરના દલિત પૂજારી વિષ્ણુ કુમાર બલાઈએ આ મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત(Mohan Bhagwat)ને એક સત્તાવાર પત્ર લખીને સંઘના સ્થાનિક સ્વયંસેવકો અને રાજ્ય પ્રશાસન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પત્રમાં દાવો કરાયો છે કે સનાતન પરંપરાથી ચાલી આવતા તેમના ખાનગી મંદિરને સત્તાધારી પક્ષના નેતા અને પ્રશાસનની મદદથી હડપી લેવામાં આવ્યું છે અને દલિત પૂજારી પરિવારને પૂજા અર્ચનાથી વંચિત કરી દેવાયો છે.

400 વર્ષ જૂનું મંદિર પડાવી લેવાનું ષડયંત્ર
પત્રની વિગતો અનુસાર, વિક્રમ સંવત 1681ના ભાદરવા સુદ તેરસના રોજ પૂજારી પરિવારના પૂર્વજ ઘીસાજી બલાઈ દ્વારા આ મંદિરની સ્થાપના એક ચબૂતરા તરીકે કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ દલિત પરિવાર જ પેઢી દર પેઢી મંદિરની સેવા-પૂજા અને દેખરેખ કરતો આવ્યો છે. તત્કાલીન મેવાડ રિયાસતના તામ્રપત્ર અને ભાટની પોથીમાં પણ આ મંદિર પૂજારી પરિવારની ખાનગી સંપત્તિ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ મંદિરના નિર્માણ કે સંચાલનમાં ગામમાંથી ક્યારેય કોઈ ચંદો ઉઘરાવવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું
પરંતુ વર્ષ 2023થી સંઘના તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક અને જાટ સમુદાયના દારૂના વેપારી સંપત જાટ નામના વ્યક્તિએ સ્થાનિક સ્તરે જાતિવાદી વિવાદ ઊભો કર્યો હતો. આ વિવાદના કારણે વર્ષ 2024 અને 2025માં યોજાનારો મંદિરનો પરંપરાગત વાર્ષિક મેળો પણ રોકી દેવાયો હતો.
સંઘ સાથે જોડાયેલા લોકોની દાદાગીરી
આરોપ છે કે 14 ઓગસ્ટ 2025ના રોજ સંપત જાટની આગેવાનીમાં કેટલાક અસામાજિક તત્વોએ મંદિર પરિસરમાં ઘૂસીને દલિત પૂજારીના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો, મારપીટ કરી જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. તેઓએ મંદિરમાં બળજબરીથી નવું દાનપાત્ર મૂકીને વહીવટ પોતાના હસ્તક લેવાની જાહેરાત કરી દીધી હતી. પૂજારી પરિવારે આ અંગે આસીંદ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી હતી, પરંતુ સ્થાનિક ભાજપ ધારાસભ્ય જબર સિંહ સાંખલાનું પીઠબળ હોવાને કારણે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. આરોપીઓએ હાઈકોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે મેળવી લીધો હતો.

આ પણ વાંચો: ‘આજે પણ ગામના મંદિરમાં પ્રવેશ નથી મળતો’, ‘પંચાયત’ ના અભિનેતાનું દર્દ છલકાયું
આટલું જ નહીં, સંઘના કાર્યકરોએ દલિતો વિરુદ્ધ ‘સકલ હિંદુ સમાજ’ના નામે મહાપંચાયત બોલાવી ઝેર ઓક્યું હતું, જેને સ્થાનિક જાતિવાદી મીડિયાએ પણ ખોટી રીતે પ્રમોટ કર્યું હતું. ત્યારબાદ આરએસએસ કાર્યકરોએ મંદિરમાં દલિત પૂજારી દ્વારા સ્થાપિત મૂળ દાનપાત્રને કટરથી કાપીને કૂવામાં ફેંકી દીધું હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સરકારી તંત્રની નકારાત્મક ભૂમિકા, રિસીવરની નિમણૂક
વિવાદની આડમાં રાજસ્થાનની ભાજપ સરકારે ધારાસભ્ય અને સ્થાનિક વહીવટી તંત્રની મદદથી આ ખાનગી મંદિર પર ‘રિસીવરી’ લાગુ કરી દીધી છે અને વહીવટ મામલતદારને સોંપી દીધો છે. પૂજારી વિષ્ણુ કુમારનો આરોપ છે કે હવે પ્રશાસન આ મંદિરને સંપૂર્ણપણે દેવસ્થાન વિભાગને સોંપવાની ન્યાયવિરુદ્ધ તૈયારી કરી રહ્યું છે. સ્થાનિક પોલીસ (CI શ્રદ્ધા પચૌરી) દ્વારા પણ પૂજારી પરિવારને જ ખોટા કેસોમાં ફસાવવાની અને હિસ્ટ્રીશીટ ખોલવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખ્યો
સંઘના નારા અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ
પૂજારી વિષ્ણુ કુમારે પત્રમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે તેમનો પરિવાર આ મંદિરમાં ભારે શ્રદ્ધા ધરાવે છે અને અયોધ્યા રામ મંદિર માટે પણ 5100 રૂપિયાની રાશિ મોકલી હતી. તેમણે સંઘના ‘એક કૂવો, એક શ્મશાન, એક મંદિર’ અને સામાજિક સમરસતાના નારા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, જે સ્વયંસેવકો ઉચ્ચ શિક્ષિત છે તેઓ જ પાયાના સ્તરે ભયંકર અસ્પૃશ્યતા અને ભેદભાવ આચરી રહ્યા છે. તેમણે મોહન ભાગવતને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવા, પ્રશાસન પરથી રાજકીય દબાણ હટાવવા અને મંદિર પરથી રિસીવરી નાબૂદ કરી ન્યાય અપાવવા આજીજી કરી છે.
આ પણ વાંચો: RSS આયોજિત શિવરાત્રીમાં દલિત બાળકોને અલગ જમવા બેસાડાયા!











