દિલ્હીના ઐતિહાસિક પ્રદર્શન સ્થળ જંતર-મંતર પર આજે કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. આ આંદોલનનું નેતૃત્વ કરવા માટે પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પોતે જંતર-મંતર ખાતે પહોંચ્યા છે. દેશભરમાં વિવિધ શૈક્ષણિક અને ભરતી પરીક્ષાઓની વિશ્વસનીયતા પર સતત ઊઠી રહેલા સવાલોના વિરોધમાં આ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. પ્રદર્શન સ્થળે હજારોની સંખ્યામાં સમર્થકો અને વિદ્યાર્થીઓ એકત્રિત થયા છે અને વાતાવરણ ‘શિક્ષણ મંત્રી રાજીનામું આપો’ ના નારાઓથી ગુંજી રહ્યું છે.
જય ભીમના નારા સાથે જંતરમંતર પર પહોંચ્યાં
પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે શનિવારે સવારે આશરે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. એરપોર્ટ પરથી બહાર આવવામાં તેમને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો, જોકે આ વિલંબ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે અભિજીત દીપકે પોતાના હાથમાં બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું પુસ્તક રાખ્યું હતું અને ‘જય ભીમ’ ના નારા સાથે તેઓ જંતર-મંતર ખાતે આંદોલનમાં જોડાયા હતા. તેમણે ડૉ. આંબેડકરના પુસ્તકને પોતાના આ શૈક્ષણિક આંદોલન અને વૈચારિક લડાઈનું પ્રતીક ગણાવ્યું છે.

આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી
સીજેપી દ્વારા કરવામાં આવી રહેલું આ પ્રદર્શન મુખ્યત્વે તાજેતરમાં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG પેપર લીક વિવાદના વિરોધમાં છે. આ ઉપરાંત, CBSE, CUET અને SSC GD જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સામે પણ પાર્ટીએ મોરચો માંડ્યો છે.
કોક્રોચ જનતા પાર્ટીનો આરોપ છે કે પરીક્ષાઓમાં સતત સામે આવી રહેલી આ ખામીઓ અને ભ્રષ્ટાચારે દેશના લાખો વિદ્યાર્થીઓ તથા ઉમેદવારોના ભવિષ્યને અંધકારમાં ધકેલી દીધું છે. આથી, સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થામાં વહીવટી જવાબદારી નક્કી થવી જોઈએ અને વર્તમાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને તત્કાલ પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
આ પણ વાંચો: શિક્ષણનો વ્યાપ વધ્યો, પણ શું અસમાનતા ઘટી?

આ આંદોલનને લઈને લેટેસ્ટ અપડેટ અનુસાર, જંતર-મંતર પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રદર્શનને કારણે આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.
अभिजीत दीपके जंतर मंतर पहुँच चुके हैं
धर्मेंद्र प्रधान का इस्तीफ़ा ले कर रहेंगे #cjpprotest pic.twitter.com/QV4cTjplt5
— Cockroach is Back (@Cockroachisback) June 6, 2026
વિદ્યાર્થી સંગઠનો અને વિરોધ પક્ષોના કેટલાક પ્રતિનિધિઓ પણ આ પ્રદર્શનને સમર્થન આપવા માટે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. સીજેપી નેતૃત્વનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર પરીક્ષા પ્રક્રિયામાં વ્યાપક સુધારાની ખાતરી નહીં આપે અને શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ આંદોલન દેશવ્યાપી સ્તરે તેજ કરવામાં આવશે.
આ પણ વાંચો: જાતિવાદીઓએ ધમકી આપતા પોલીસ પહેરા હેઠળ નીકળી દલિત દીકરીની જાન












