ગાંધીનગરમાં આચાર્યના પુત્રે સગીર સાથે કુકર્મ આચર્યું, POCSO-એટ્રોસિટી નોંધાઈ

ગાંધીનગરની રાજ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ-10ના સગીર વિદ્યાર્થી પર પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલે આચરેલા કુકર્મનો વીડિયો વાયરલ થતાં પોક્સો-એટ્રોસિટીનો ગુનો નોંધાયો.
Gandhinagar Raj School Principals son raped

રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર-25માં આવેલી જાણીતી ‘રાજ સ્કૂલ’ના પરિસરમાંથી શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકતી ઘટના સામે આવી છે. શાળાના પ્રિન્સિપાલ અશ્વિન પટેલના પુત્ર રાજ પટેલે સંસ્થાની હોસ્ટેલમાં જ ધોરણ-10ના એક સગીર વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપી રાજ પટેલ વિરુદ્ધ ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

મામલો શું હતો?

ગુજરાતના અન્ય વિસ્તારમાંથી એક ગરીબ પરિવારનો વિદ્યાર્થી ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ગાંધીનગર ભણવા આવ્યો હતો. તેણે સેક્ટર-25 સ્થિત રાજ સ્કૂલમાં ધોરણ-10માં પ્રવેશ મેળવ્યો હતો અને શાળાની હોસ્ટેલમાં જ રહેતો હતો. બોર્ડની પરીક્ષાની તૈયારીઓ દરમિયાન, શાળાના પ્રિન્સિપાલનો પુત્ર રાજ અશ્વિન પટેલ હોસ્ટેલમાં આવતો-જતો હતો. આરોપીએ સગીર વિદ્યાર્થીને એકાંતનો લાભ લઈને પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને તેની સાથે અશોભનીય શારીરિક અડપલાં શરૂ કર્યા હતા.

આ પણ વાંચો: દલિત યુવકના હાથ-પગ બાંધી ગામલોકોએ કૂવામાં ઊંધો લટકાવ્યો

શરૂઆતમાં ભોળપણના કારણે વિદ્યાર્થી આ કૃત્યનો પ્રતિકાર કરી શક્યો ન હતો, જેનો ગેરલાભ ઉઠાવીને આરોપીએ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. સગીરની મરજી વિરુદ્ધ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ અસહ્ય માનસિક અને શારીરિક અત્યાચાર વચ્ચે જ વિદ્યાર્થીએ ધોરણ-10ની બોર્ડની પરીક્ષાઓ આપી હતી અને પરીક્ષા પૂર્ણ થતાં જ તે પોતાના વતન પરત ફરી ગયો હતો.

વતન ગયા બાદ પણ પીછો ન છોડ્યો

હોસ્ટેલ છોડીને ઘરે ચાલ્યા ગયા પછી પણ આરોપી રાજ પટેલે પીડિત વિદ્યાર્થીનો પીછો છોડ્યો ન હતો. આરોપી સતત ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરને બ્લેકમેલ કરતો રહ્યો અને પોતાની હવસ સંતોષવા દબાણ કરતો રહ્યો. આ ગંભીર માનસિક તણાવના કારણે વિદ્યાર્થીનું ધોરણ-10નું પરિણામ નબળું આવ્યું અને તેની વર્તણૂકમાં મોટો બદલાવ આવ્યો હતો. દીકરાને સતત ગુમસુમ અને ભયભીત જોઈને પરિવારજનોએ પૂછપરછ કરતાં, સગીરે પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી જણાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિવારે ન્યાય મેળવવા માટે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

પોલીસ અને શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી

આ મામલે એસટીએસસી (ST/SC) સેલના તપાસ અધિકારી અને ડીવાયએસપી એસ.એમ. ચૌધરીએ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાતો શખ્સ રાજ અશ્વિન પટેલ જ છે. આ સમગ્ર ઘટના વર્ષ 2024ના સમયગાળા દરમિયાન ઘટી હતી. પોલીસે ગુનાના સ્થળ એવા હોસ્ટેલના રૂમનું પંચનામું કર્યું છે અને પ્રિન્સિપાલની વિગતવાર પૂછતાછ હાથ ધરી છે.

આ પણ વાંચો: બાઈક ધીમે ચલાવવાનું કહેતા દલિત યુવકને માર મારી થૂંક ચટાડ્યું

ફરિયાદ નોંધાતા જ આરોપી રાજ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જેને પકડવા માટે સેક્ટર-21 પોલીસ ઇન્સ્પેક્ટર લતાબેન દેસાઈના નેતૃત્વમાં ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને અન્ય સોર્સના આધારે આરોપીના સત્તાવાર લોકેશન મેળવવા પ્રયાસ કરી રહી છે.

અન્ય કોઈ બાળક ભોગ બન્યું છે કે નહીં તે દિશામાં તપાસ

બીજી તરફ, આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા પુરાવા સાથે સત્તાધારીઓ સમક્ષ અરજી કરવામાં આવી હતી, જેના આધારે પીડિતના વાલીને બોલાવી ગુનો દાખલ કરાયો છે. ગાંધીનગરના DEO ડો. બી. એન. પ્રજાપતિએ જણાવ્યું કે, આ મામલો બે મહિના અગાઉ વહીવટી સ્તરે ધ્યાને આવ્યો હતો, જેના પગલે સમાજ સુરક્ષા વિભાગને અહેવાલ સોંપવામાં આવ્યો હતો.

શાળા વહીવટીતંત્રને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ શાળા સામે કડક કાયદાકીય પગલાં લેવાશે. હાલમાં, શાળામાં બીજું કોઈ બાળક આવી વિકૃતિનો ભોગ બન્યું છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો: મણિપુરમાં સશસ્ત્ર હુમલામાં ત્રણ કુકી આદિવાસીઓના મોત, ઘરો સળગાવાયા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x