દેશમાં એકબાજુ બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરના વિચારો દિન પ્રતિદિન વધુને વધુ પ્રાસંગિક બનતા જઈ રહ્યાં છે, શિક્ષિત યુવાનોમાં બાબાસાહેબની લોકપ્રિયતા સતત વધતી જઈ રહી છે ત્યારે બીજી તરફ જાતિવાદી તત્વો આજે પણ મહાનાયક બાબાસાહેબનું અપમાન કરવાની એક પણ તક છોડતા નથી. આવી જ એક ઘટનામાં કેટલાક જાતિવાદી તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખી તેને ખંડિત કરી દીધી હતી. જેના વિરોધમાં દલિત સમાજે 8 કલાક સુધી ધરણાં પ્રદર્શન કર્યું હતું.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના બલિયા જિલ્લાના ભીમપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગૌરા ગામમાં બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો હાથ ભાંગીને જાતિવાદી તત્વોએ ખંડિત કરી નાખી હતી. રવિવારે મોડી રાત્રે અસામાજિક તત્વોએ સુનિયોજિત રીતે ડૉ. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી દીધી હતી.

આ પણ વાંચો: દલિત સગીરાને દુકાનદારે ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
સોમવારે સવારે જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે બાબા સાહેબના અનુયાયીઓ અને દલિત નેતાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ન્યાય અને દોષિતોની ધરપકડની માંગ સાથે ગ્રામજનોએ ઘટનાસ્થળે જ સતત 8 કલાક સુધી ઉગ્ર ધરણાં પ્રદર્શન કર્યું હતું, જેના પગલે વહીવટીતંત્ર દોડતું થયું હતું.
પ્રતિમાનો બંધારણવાળો હાથ તોડી નાખવામાં આવ્યો
ગૌરા ગામમાં નહેર માર્ગ પર આવેલી દલિત વસ્તીની નજીક ડૉ. આંબેડકરની આ પ્રતિમા સ્થાપિત છે. રવિવારે રાત્રિના અંધકારનો લાભ લઈને કેટલાક અજ્ઞાત જ્ઞાતિવાદી ગુંડાઓએ પ્રતિમા પર હુમલો કર્યો હતો. તોડફોડ કરનારા તત્વોએ પ્રતિમાના એ હાથને નિશાન બનાવીને સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો, જેમાં ભારતીય બંધારણની પ્રત (પુસ્તક) પકડેલી હતી. સોમવારે વહેલી સવારે જ્યારે વસ્તીના લોકો ત્યાંથી પસાર થયા ત્યારે પ્રતિમાને આ સ્થિતિમાં જોઈ આખું ગામ સ્તબ્ધ થઈ ગયું હતું અને જોતજોતામાં દલિતોમાં રોષ વ્યાપી ગયો હતો.
8 કલાક સુધી હજારો દલિતોના ધરણાં પ્રદર્શન
ઘટનાની માહિતી મળતા જ આસપાસના વિસ્તારોમાંથી સેંકડો દલિત ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઘટનાસ્થળે એકત્રિત થવા લાગ્યા હતા. આંબેડકર યુવા સેવા સમિતિના કોષાધ્યક્ષ મુન્ના પ્રસાદના નેતૃત્વમાં લોકોએ પ્રતિમાની આસપાસ જ ધરણાં શરૂ કરી દીધા હતા. સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવતા અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોની સ્પષ્ટ માંગ હતી કે જ્યાં સુધી નવી પ્રતિમા લગાવવાની અને આરોપીઓની ધરપકડ કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે.

આ પણ વાંચો: શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો
પોલીસની ખાતરી બાદ મામલો શાંત પડ્યો
પરિસ્થિતિ વણસતી જોઈને નાયબ મામલતદાર રાજેશ યાદવ અને ભીમપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ રંજીત વિશ્વકર્મા પોલીસ ફોર્સ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ આક્રોશિત ભીડને સમજાવવાના અને મામલો શાંત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન સમિતિના કોષાધ્યક્ષ મુન્ના પ્રસાદે અજ્ઞાત તત્વો સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) બેલ્થરારોડના નામે નાયબ મામલતદારને આવેદનપત્ર સોંપી ત્વરિત કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી.
પ્રશાસનને ગ્રામજનોને શાંત કરવામાં અંદાજે 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. નાયબ તહસીલદારે ગ્રામજનોને સત્તાવાર ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ આ સ્થળે ડૉ. આંબેડકરની નવી પ્રતિમાનું નવેસરથી સ્થાપન કરવામાં આવશે અને અસામાજિક તત્વો સામે એટ્રોસિટી તેમજ તોડફોડનો ગુનો નોંધી તેમની વહેલી તકે ધરપકડ કરાશે. આ લેખિત અને મૌખિક ખાતરી મળ્યા બાદ જ ગ્રામજનોએ ધરણાં સમેટ્યા હતા. સ્ટેશન પ્રભારી રંજીત વિશ્વકર્માએ જણાવ્યું હતું કે હાલ પૂરતી ક્ષતિગ્રસ્ત પ્રતિમાને દુરસ્ત કરી દેવાઈ છે અને અજ્ઞાત હુમલાખોરો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘ખુરશીમાં કેમ બેઠો?’ કહી વાળંદે મૂકબધિર દલિત યુવકને ઢોર માર માર્યો











