વડોદરા સંકલ્પ ભૂમિને વિશ્વસ્તરીય સ્મારક બનાવો, 23 કરોડના પેકેજની માંગ

વડોદરા સંકલ્પ ભૂમિના સર્વાંગી સૌંદર્યીકરણ અને અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પાસે રૂ. 23 કરોડના વિશેષ પેકેજની માંગ કરાઈ છે.
Sankalp Bhoomi Vadodara

વડોદરા: વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ (કમાટી બાગ) પરિસરમાં આવેલી અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો તેમજ સામાજિક ન્યાયના સંદેશ સાથે જોડાયેલી ઐતિહાસિક ‘સંકલ્પ ભૂમિ’ના સર્વાંગી સૌંદર્યીકરણની માંગ બુલંદ બની છે. આ ઐતિહાસિક સ્થળ પર લાંબા સમયથી અનેક મહત્વના વિકાસ કાર્યો અધૂરાં હોવાના કારણે મુલાકાતીઓ, અભ્યાસુઓ અને અનુયાયીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતને ધ્યાને રાખીને સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમારે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા (VMC) ને પત્ર લખીને સંકલ્પ ભૂમિનું તાત્કાલિક બ્યુટીફીકેશન કરવાની અને તેને વિશ્વસ્તરીય સ્મારક તરીકે વિકસાવવાની માંગ કરી છે.

અધૂરાં કાર્યો અને જર્જરિત સ્થિતિ

પ્રાપ્ત વિગતો અનુસાર, સંકલ્પ ભૂમિના મુખ્ય સ્થળે હજુ સુધી ફ્લોરિંગ અને ઓટલાનું જરૂરી સિવિલ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિસરમાં માટી પુરાણ કરી તેના પર પથ્થર ગોઠવવાની કામગીરી પણ બાકી છે, જ્યારે સંકુલની અનેક મુખ્ય દીવાલો પર પ્લાસ્ટર સુધીનું કામ અધૂરું છોડી દેવાયું છે. સંકુલની ડાબી બાજુએ વીજ થાંભલાના ખુલ્લા વાયરો જોખમી સ્થિતિમાં છે, જ્યારે જમણી બાજુનો વિશાળ ખુલ્લો વિસ્તાર હજુ સુધી તંત્ર દ્વારા વિકસાવવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: જ્યાં હાઈવે નીકળશે, ત્યાં CM મોહન યાદવના પરિવારે 168 એકર જમીન ખરીદી

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મુખ્ય સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની બિલકુલ નજીક જ માટીના મોટા ઢગલા અને કચરો પડેલા છે. સંકુલની દીવાલની સમાંતર આવેલી ખાડાવાળી જગ્યાઓમાં હજુ સુધી માટી પુરાણ ન કરાતાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ પ્રકારની બેદરકારીના કારણે આ ઐતિહાસિક અને પવિત્ર સ્થળની સુંદરતા તેમજ ગૌરવને ભારે ઠેસ પહોંચી રહી છે.

રૂ. 23 કરોડના વિશેષ પેકેજની મુખ્ય માંગણીઓ

માનવ અધિકાર કાર્યકર્તાએ માંગ કરી છે કે આગામી 23 સપ્ટેમ્બર, 2026ના રોજ સંકલ્પ ભૂમિના સર્વાંગી ગૌરવ અને વિકાસ માટે સરકારે રૂ. 23 કરોડનું વિશેષ નાણાકીય પેકેજ જાહેર કરવું જોઈએ. આ પેકેજ અંતર્ગત સ્મારકને આધુનિક અને આકર્ષક સ્મૃતિસ્થળ તરીકે પુનઃવિકસિત કરવા માટે સંકુલની બંને બાજુના ખુલ્લા વિસ્તારોનું આધુનિક લેન્ડસ્કેપિંગ કરી હરિયાળી અને બગીચો વિકસાવવાની માંગ કરાઈ છે. આ સાથે પરિસરમાંથી માટીના ઢગલા અને ગંદકી દૂર કરી આધુનિક પથ્થરો તેમજ લાદીઓથી સંપૂર્ણ ફ્લોરિંગ કરવું જરૂરી છે.

આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘સંકલ્પ દિવસ’ની દબદબાભેર ઉજવણી કરાઈ

સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જાહેર સભાઓ યોજી શકાય તે માટે એક અદ્યતન હોલનું નિર્માણ થાય અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન, સંઘર્ષ અને બંધારણ નિર્માણના ઐતિહાસિક યોગદાનને દર્શાવતું ડિજિટલ મ્યુઝિયમ સ્થાપવામાં આવે તે પણ અનિવાર્ય છે.

આ ઉપરાંત, હાલમાં ચાલી રહેલા પેગોડા સહિતના તમામ અધૂરા સ્થાપત્યના કામો ઝડપથી પૂરા કરવા, મુલાકાતીઓની સંખ્યા જોતાં હાલના માત્ર એક જ શૌચાલયના સ્થાને વધુ શૌચાલય અને યુરિનલ બ્લોક ઊભા કરવા તેમજ બહારથી આવતા પ્રવાસીઓની સુવિધા માટે વડોદરાના મુખ્ય માર્ગો અને હાઈવે પર સંકલ્પ ભૂમિના કાયમી દિશા સૂચક સાઈનબોર્ડ અને નેમપ્લેટ લગાવવાની રજૂઆત કરવામાં આવી છે.

સંકલ્પ ભૂમિ એ માત્ર એક સામાન્ય સ્મારક નથી, પરંતુ તે ભારતીય બંધારણના સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક ન્યાયના મૂલ્યોનું જીવંત પ્રેરણાસ્થાન છે. આથી, રાજ્ય સરકાર આ આસ્થા અને ગૌરવના કેન્દ્રને વૈશ્વિક નકશા પર સ્થાન અપાવવા તાત્કાલિક વહીવટી મંજૂરી આપી બજેટ ફાળવે તે જરૂરી છે.

આ પણ વાંચો: કહેવાતી ‘સંસ્કારી નગરી’એ જ્યારે ડો.આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા..

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x