બેંગકોક: થાઈલેન્ડના મુકદાહન શહેરમાં ગુરુવારે એક સગીર બાળકે પૂરપાટ ઝડપે પિકઅપ ટ્રક ચલાવીને પદયાત્રા પર નીકળેલા બૌદ્ધ ભિક્ષુઓના સંઘ પર ફેરવી દીધી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 બૌદ્ધ ભિક્ષુકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 ભિક્ષુકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, વાહન ચલાવનાર બાળકની ઉંમર માત્ર 11 વર્ષની હોવાના કારણે અને તે કાયદાકીય રીતે સગીર હોવાને લીધે પોલીસે હજુ સુધી તેની સામે સત્તાવાર રીતે કોઈ ગુનાહિત ફોજદારી કેસ દાખલ કર્યો નથી.

ઘટના શું હતી?
સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મળતી સત્તાવાર પ્રાથમિક માહિતી મુજબ, 11 વર્ષનો આ સગીર બાળક પોતાના માતા-પિતાની જાણ કે પરવાનગી વિના ઘરની બહાર પિકઅપ ટ્રક લઈને નીકળ્યો હતો. અંદાજે 10 કિલોમીટર સુધી મુખ્ય હાઈવે રોડ પર વાહન ચલાવ્યા બાદ, અચાનક તેણે સ્પીડમાં આવી રહેલી પિકઅપ ટ્રક પરથી પોતાનું સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દીધું હતું. ત્યારબાદ બેકાબૂ બનેલી ભારે ટ્રક સીધી રોડની સાઈડમાં ચાલીને પદયાત્રા પર જઈ રહેલા બૌદ્ધ ભિક્ષુકોના સંઘમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ પણ વાંચો: બિહારમાં ડે.કલેક્ટર વન-કન્યાએ બંધારણની સાક્ષીએ બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કર્યા
આ ભયાનક માર્ગ અકસ્માત સ્થાનિક સમય અનુસાર સવારે અંદાજે 11:00 વાગ્યે થયો હતો. તે સમયે તમામ ભિક્ષુકો અત્યંત શિસ્તબદ્ધ રીતે સડકના કિનારે એક જ લાઇનમાં પગપાળા ચાલી રહ્યા હતા. સ્થાનિક રેસ્ક્યુ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરાયેલા અને ઇન્ટરનેટ પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પિકઅપ ટ્રક કોઈ પણ જાતની બ્રેક માર્યા વિના અત્યંત ઝડપે આવીને ભિક્ષુકોના સરઘસને પાછળથી જોરદાર ટક્કર મારે છે. આ ટક્કર એટલી ઘાતક હતી કે 5 ભિક્ષુકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 5 ભિક્ષુકોએ સારવાર દરમિયાન નજીકની હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
બૌદ્ધ ભિક્ષુઓ પદયાત્રા પર નીકળ્યાં હતાં
મુક્દાહનના ગવર્નર વોરાયન બુન્નારાતના જણાવ્યા અનુસાર, ગુરુવારે કુલ 35 બૌદ્ધ ભિક્ષુકો અને 5 સામાન્ય શ્રદ્ધાળુઓ સહિત 40 લોકોનું જૂથ એક પ્રખ્યાત બૌદ્ધ મંદિરથી બીજા બૌદ્ધ મંદિર સુધીની વાર્ષિક પગપાળા તીર્થયાત્રા પર નીકળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડમાં અંદાજે 93% થી વધુ વસ્તી બૌદ્ધ ધર્મ પાળે છે, જેના કારણે આવી જાહેર ધાર્મિક યાત્રાઓ અને સરઘસો સામાન્ય રીતે રોડ પર નીકળતા હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બૌદ્ધ સંઘના બંધારણમાં ત્રીજો ઐતિહાસિક સુધારો કરાયો
આ યાત્રા શરૂ થયાના થોડા જ સમયમાં આ અકસ્માત નડ્યો હતો. હાલ મુકદાહન હોસ્પિટલમાં ઘાયલોની કટોકટીની સારવાર ચાલી રહી છે અને હોસ્પિટલ તંત્રે લોહીની અછતને પહોંચી વળવા માટે સ્થાનિક નાગરિકોને તાત્કાલિક ધોરણે રક્તદાન કરવાની અપીલ પણ કરી છે.
પોલીસ તપાસ અને બાળકની કાયદાકીય સ્થિતિ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતના દિવસે આ 11 વર્ષનો બાળક તબિયત નરમ હોવાના કારણે શાળાએ ગયો નહોતો અને ઘરે એકલો જ હાજર હતો. માતા-પિતાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તેણે છાનામાના ગાડીની ચાવી મેળવી લીધી હતી અને પિકઅપ ટ્રક જાહેર રસ્તા પર ઉતારી દીધી હતી. જ્યારે તેના માતા-પિતા ઘરે પરત ફર્યા અને ગેરેજમાંથી પિકઅપ ટ્રક ગાયબ જોઈ, ત્યારે તેમણે તુરંત સ્થાનિક પોલીસ મથકને વાહન ચોરીની આશંકાએ સત્તાવાર જાણ કરી હતી, પરંતુ તે પહેલા હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ ચૂકી હતી.
આ પણ વાંચો: સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષ હોવાની PIL હાઈકોર્ટે ફગાવી
પ્રાદેશિક પોલીસ વડા મેજર જનરલ પેરોજ થાઈફુત્સાએ પત્રકારોને જણાવ્યું કે, અકસ્માત સર્જનાર બાળક હાલ તીવ્ર માનસિક આઘાતમાં હોવાથી તેનું સત્તાવાર નિવેદન નોંધી શકાયું નથી. આથી તેના સગીર હોવાના લીધે કાયદાકીય જોગવાઈઓ હેઠળ હજુ સુધી તેના પર કોઈ ઔપચારિક ગુનાહિત આરોપો નક્કી કરવામાં આવ્યા નથી. પોલીસે હાલ અકસ્માતગ્રસ્ત પિકઅપ વાહનને કાયદાકીય રીતે જપ્ત કરી વધુ વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યું છે.
थाईलैंड के मुकदाहान में एक अत्यंत दुखद और हृदयविदारक दुर्घटना, 9 बौद्ध भिक्षुओं की मौत।
एक अनियंत्रित ट्रक सीधे बौद्ध भिक्षुओं के एक जुलूस में जा घुसी।
11 साल के एक बच्चे ने अपने माता-पिता की जानकारी के बिना उनकी पिकअप ट्रक ले ली थी।
नाबालिग बच्चे ने गाड़ी चलाते समय अचानक… pic.twitter.com/NAUZXDjcGx
— Dixit Soni (@DixitGujarat) July 3, 2026
થાઈલેન્ડમાં દર વર્ષે 18000 લોકોના મોત થાય છે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના સત્તાવાર અહેવાલો મુજબ, થાઈલેન્ડ વિશ્વના સૌથી વધુ જીવલેણ માર્ગ અકસ્માતો ધરાવતા દેશોની યાદીમાં મોખરે સામેલ છે, જ્યાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં સરેરાશ 18,000 જેટલા નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. જો કે, આ ચોક્કસ કિસ્સામાં અકસ્માત પાછળ બાળકની બિનઅનુભવી ડ્રાઇવિંગ ક્ષમતા જવાબદાર હતી કે વાહનની કોઈ યાંત્રિક ખામી, તેનો ચોક્કસ ખુલાસો પોલીસની ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા બાદ જ કાનૂની રીતે સામે આવશે.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?











