ઉના કાંડના 10 વર્ષ: ન્યાય હજુ અધૂરો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો દાવો

ઉનાના મોટા સમઢીયાળામાં દલિત યુવાનો પર થયેલા હુમલાને 10 વર્ષ પૂર્ણ થવા છતાં પીડિતોને સંપૂર્ણ ન્યાય વચનોનો લાભ ન મળ્યાનો ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ દાવો કર્યો છે.
Una incident Justice still incomplete

અમદાવાદ: સમગ્ર દેશના અંતરાત્માને ઝંઝોળી નાખનારી ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામની દલિત અત્યાચારની ઘટનાને આગામી 11 જુલાઈ, 2026ના રોજ પૂરા દસ વર્ષ પૂર્ણ થયા છે. 11 જુલાઈ, 2016ના રોજ ચાર નિર્દોષ દલિત યુવાનો પર ગૌરક્ષાના નામે કરવામાં આવેલા અમાનવીય અને પાશવી હુમલા બાદ દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઐતિહાસિક ઘટનાના એક દાયકા બાદ પણ ભોગ બનનાર પરિવારોને હજુ સુધી સંપૂર્ણ કાનૂની ન્યાય મળ્યો નથી તેમજ તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેર જાહેરાતો અને વચનોનો સંપૂર્ણ અમલ થયો નથી, તેવો ગંભીર દાવો સામાજિક કાર્યકરોની બનેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે.

ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની તપાસ અને તારણો

ઘટનાના તુરંત બાદ, 16થી 18 જુલાઈ, 2016 દરમિયાન માનવ અધિકાર અગ્રણીઓની બનેલી એક વિશેષ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ મોટા સમઢીયાળા ગામ, ભોગ બનનાર પરિવારો, હોસ્પિટલો અને સ્થાનિક પોલીસ તંત્રની મુલાકાત લઈને વિસ્તૃત તપાસ અહેવાલ તૈયાર કર્યો હતો. આ કમિટીમાં કૌશિક પરમાર, ડૉ. નીતિન ગુર્જર, સુબોધ પરમાર, કિરીટ રાઠોડ, કાન્તીભાઈ પરમાર, જગદીશ પરમાર, કાન્તીભાઈ મકવાણા અને બળદેવભાઈ પરમાર જેવા સામાજિક અગ્રણીઓ સામેલ હતા.

આ  પણ વાંચો: દલિત યુવકની મિત્રએ જૂની અદાવતમાં ગળું કાપી હત્યા કરી

કમિટીના સત્તાવાર અહેવાલ મુજબ, મૃત ગાયોના ચામડા ઉતારવાનો વર્ષો જૂનો પરંપરાગત વ્યવસાય કરતા દલિત યુવાનો પર 35થી 40 જેટલા શખ્સોના ટોળાએ જીવતી ગાય કાપવાનો તદ્દન ખોટો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ આ યુવાનો પર લાકડીઓ, લોખંડની પાઈપો અને અન્ય ઘાતક હથિયારો વડે નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, માનવતા નેવે મૂકીને આ યુવાનોને અર્ધનગ્ન હાલતમાં વાહન સાથે બાંધી, જાહેરમાં ઢોર માર મારતા મારતા ઉના શહેરમાં ફેરવવામાં આવ્યા હતા, જેના વીડિયો વાયરલ થતાં વૈશ્વિક સ્તરે આક્રોશ વ્યાપ્યો હતો.

વહીવટી ક્ષતિઓ અને સામાજિક ભેદભાવ

કમિટીએ તપાસ દરમિયાન નોંધ્યું હતું કે સ્થાનિક પોલીસ દ્વારા નોંધવામાં આવેલી પ્રાથમિક ફરિયાદ (FIR) માં અનેક ગંભીર અને કાયદાકીય કલમોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. આથી કમિટીએ તપાસમાં વધારાની કલમો ઉમેરવા, તમામ દોષિતોની તત્કાલ ધરપકડ કરવા, આ કેસમાં શંકાસ્પદ પોલીસ અધિકારીઓની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ કરવા અને ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેતા અસામાજિક સંગઠનો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ ઉપરાંત, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ મોટા સમઢીયાળા ગામમાં દલિત સમાજની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે ગામમાં દલિતો અત્યંત દયનીય સ્થિતિ, ગરીબી અને આભડછેટનો સામનો કરી રહ્યા હતા. ગામમાં દલિતો માટે અલગ સ્મશાન હોવું, મૂળભૂત સુવિધાઓનો અભાવ અને વ્યાપક સામાજિક ભેદભાવ જેવી બાબતો પ્રશાસનની નિષ્ફળતા દર્શાવતી હતી.

આ  પણ વાંચો: છેલ્લા 25 વર્ષમાં દેશનું સંરક્ષણ બજેટ કેટલું વધ્યું?

10 વર્ષે પણ ન્યાયની પ્રતીક્ષા

કમિટીના જણાવ્યા અનુસાર, આ ચકચારી કેસમાં લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 43 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ફરજમાં બેદરકારી બદલ કેટલાક પોલીસ અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં, ઘટનાના એક દાયકા બાદ પણ કાનૂની ન્યાયની પ્રક્રિયા અધૂરી છે. પીડિત પરિવારોના પુનર્વસન, આજીવિકા અને સુરક્ષા અંગે સરકારે આપેલા આશ્વાસનો હજુ સુધી માત્ર કાગળ પર જ રહ્યા છે.

આ ઘટનાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં દલિત અધિકાર ચળવળને એક નવી દિશા મળી હતી, જેમાં ઐતિહાસિક ‘ઉના-અમદાવાદ આઝાદી કૂચ’ અને રાષ્ટ્રીય સંમેલનો મુખ્ય હતા. 10 વર્ષ પૂર્ણ થવાના આ અવસરે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે પીડિત પરિવારોને તાત્કાલિક પૂર્ણ ન્યાય, આર્થિક પુનર્વસન અને સુરક્ષા પૂરી પાડવામાં આવે જેથી આવી અમાનવીય ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.

આ  પણ વાંચો: ગાંધીનગરમાં આવતી કાલે ‘ગ્રંથ-પ્રત્યક્ષ’ સાહિત્ય ઉત્સવ યોજાશે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x