ગુજરાતમાં 49 ટકા વિદ્યાર્થીઓ ધો. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રિપોર્ટે ભણશે ગુજરાતની પોલ ખોલી નાખી. રાજ્યમાં 49 ટકા બાળકો ધો. 12 સુધી પણ ભણી શકતા નથી. વાંચો રિપોર્ટ.
Gujarat education drop out

ગુજરાત મોડલ અને રાજ્યના શિક્ષણ વિભાગના દાવાઓ વચ્ચે વિપક્ષ કોંગ્રેસે શિક્ષણના સ્તર અને ડ્રોપ આઉટ રેટને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) પ્રોસેસ રિપોર્ટના આંકડાઓને ટાંકીને કોંગ્રેસે દાવો કર્યો છે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે અને રાજ્યમાં 49 ટકા જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી.

SDG રિપોર્ટના આધારે આક્ષેપ

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રોસેસ રિપોર્ટે ગુજરાતના શિક્ષણની વાસ્તવિકતા જાહેર કરી દીધી છે. આ સત્તાવાર રિપોર્ટના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં માત્ર 50.82 ટકા બાળકો જ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવામાં સફળ રહે છે, જ્યારે બાકીના 49 ટકા બાળકો અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દે છે. આ આંકડાકીય સ્થિતિ સાથે શિક્ષણના મામલે ગુજરાત દેશમાં 23 મા સ્થાન પર ધકેલાઈ ગયું છે.

આ પણ વાંચો: CJP ના અભિજિત દીપકે ‘જય ભીમ’ના નારા સાથે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું

પ્રવેશ અને હાજરીના ચિંતાજનક આંકડા

રિપોર્ટની વિગતો આપતા કોંગ્રેસ પ્રવક્તાએ ઉમેર્યું કે, હાયર સેકન્ડરી (ઉચ્ચતર માધ્યમિક) સ્કૂલમાં એડમિશન લીધા બાદ માત્ર 47.3 ટકા બાળકો જ નિયમિત અભ્યાસ માટે આવે છે. આનો અર્થ એ થાય છે કે અંદાજે 52 ટકા જેટલા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી સ્કૂલના સ્તરે પ્રવેશ મેળવતા જ નથી અથવા શિક્ષણ પ્રક્રિયાથી દૂર થઈ જાય છે.

કોલેજ કક્ષાના ઉચ્ચ શિક્ષણની સ્થિતિ વધુ ખરાબ હોવાનો દાવો કરતા તેમણે જણાવ્યું કે, ફોર્મલ કોલેજ કક્ષાના અભ્યાસમાં એડમિશન બાદ માત્ર 26.2 ટકા વિદ્યાર્થીઓ જ હાજર થાય છે. એટલે કે અંદાજે 73 ટકા વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાએ એડમિશન મેળવતા જ નથી, જે રાજ્યના યુવાનોના ભવિષ્ય અને રોજગારીની તકો સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ખડો કરે છે.

આ પણ વાંચો: એન્જિનિયરીંગ, MBBS સહિત શિક્ષણ ફ્રી કરીશું: ચંદ્રશેખર આઝાદ

પ્રાથમિક શિક્ષણથી જ નબળો પાયો

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ડ્રોપ આઉટની આ સમસ્યા પ્રાથમિક સ્તરથી જ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં પ્રાઈમરી એજ્યુકેશનમાં માત્ર 77.9 ટકા બાળકો એડમિશન લઈ રહ્યા છે, જ્યારે અપર પ્રાઇમરી (ઉચ્ચ પ્રાથમિક) સ્તરે આ આંકડો ઘટીને 67.5 ટકા પર પહોંચી જાય છે.

આ ઉપરાંત, રિપોર્ટમાં શિક્ષણની ગુણવત્તા પર પણ આંગળી ચિંધવામાં આવી છે. ધોરણ 3, 6 અને 9 ના વિદ્યાર્થીઓ ભાષા અને ગણિત જેવા પાયાના વિષયોમાં દેશના અન્ય રાજ્યોના બાળકોની સરખામણીએ પાછળ હોવાનું નોંધાયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રમોશનલ પ્રચારની સરખામણીએ જમીની સ્તરે ગુજરાતનું શિક્ષણ તદ્દન ખાડે ગયું છે.

આ પણ વાંચો: બોટાદના યુવકની થાઈલેન્ડમાં બુદ્ધિઝમના ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x