કચ્છ બ્લાસ્ટના 4 મૃતકોના પરિવારોને રૂ. 1.09 કરોડ વળતર ચૂકવાયું

કચ્છની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા 4 કામદારોના આશ્રિતોને માનવ અધિકાર આયોગની કડક કાર્યવાહી બાદ રૂ.1,09 કરોડ વળતર ચૂકવાયું.
Kutch blast case

અમદાવાદ: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ના સીધા હસ્તક્ષેપ બાદ ગુજરાતના કચ્છ જિલ્લામાં બનેલી એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાના પીડિત પરિવારોને આર્થિક ન્યાય મળ્યો છે. કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા ખાતે આવેલી કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં જાન ગુમાવનારા ચાર શ્રમિકોના આશ્રિત પરિવારોને કંપની વહીવટીતંત્ર દ્વારા કુલ રૂ. 1.09 કરોડનું વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી નવી દિલ્હી સ્થિત આયોગ ખાતે ચાલી રહી હતી.

ઘટના અને સુરક્ષા ધારાનો ભંગ

આ કમનસીબ દુર્ઘટના 14 જાન્યુઆરી, 2024 ના રોજ ઘટી હતી, જ્યારે કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ત્યાં ફરજ બજાવી રહેલા ચાર કામદારોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ મામલે અમદાવાદના જાણીતા માનવ અધિકાર કાર્યકર કાંતિલાલ યુ. પરમાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ એક સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો હતો કે ફેક્ટરી મેનેજમેન્ટે ઔદ્યોગિક સુરક્ષાના નિયમો અને શ્રમ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. કંપનીની આ ગંભીર બેદરકારીને કારણે જ 4 નિર્દોષ કામદારોએ જીવ ગુમાવવો પડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ જગન્નાથ મંદિરની રૂ.60 કરોડની જમીન ટ્રસ્ટીઓએ વેચી મારી!

આયોગનો આદેશ અને વહીવટી પગલાં

માનવ અધિકાર કાર્યકર દ્વારા આયોગ સમક્ષ બંધારણના અનુચ્છેદ 21 (ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર) ના ભંગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં NHRC એ તાત્કાલિક ધોરણે કચ્છ જિલ્લા કલેક્ટર અને રાજ્યના શ્રમ કમિશનરને નોટિસ પાઠવી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ કાનૂની દબાણના પરિણામે, શ્રમ વિભાગ અને સ્થાનિક પ્રશાસને કંપની પાસે વળતરની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી, જેના ભાગરૂપે ચારેય પરિવારોના બેંક ખાતામાં નિયત રકમ જમા કરાવવામાં આવી છે.

આ પણ વાંચો: ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજનામાં હવે વર્ષે માત્ર 4 જ સિલિન્ડર મળશે

કાયદાકીય કાર્યવાહી ચાલુ

માત્ર આર્થિક વળતર જ નહીં, પરંતુ બેદરકાર સંચાલકો સામે કડક કાનૂની ગાળિયો પણ કસવામાં આવ્યો છે. રાજ્યના લેબર વિભાગ દ્વારા શ્રમ કાયદાના ભંગ બદલ ફેક્ટરીના માલિકો અને જવાબદાર મેનેજરો વિરુદ્ધ સંબંધિત અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસ હાલ કોર્ટમાં વિચારાધીન છે.

આ અંગે માનવ અધિકાર કાર્યકર કાંતિલાલ પરમારે જણાવ્યું હતું કે, આ આદેશ માત્ર વળતર પૂરતો સીમિત નથી પરંતુ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા સામાન્ય શ્રમિકોના જીવન અને ગૌરવના અધિકારની મોટી જીત છે, અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાનૂની લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો: દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x