આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતીને આજે પણ આપણો સમાજ સ્વીકારતો નથી. દેશભરમાં આજે પણ આ જ સ્થિતિ છે. જો કે, છત્તીસગઢના ખૈરાગઢ જિલ્લા હેઠળ આવેલા દેવરી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમલગ્ન કરનાર એક શિક્ષિત અને વ્યવસાયે એડવોકેટ દંપતીને જ્ઞાતિના પંચો દ્વારા સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. પીડિત વકીલ દંપતીનો આરોપ છે કે જ્ઞાતિમાં ફરીથી સમાવવા અને સામાજિક સ્વીકૃતિ આપવાના નામે તેમની પાસેથી 35,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આખા સમાજને એક મોટો ભોજન સમારંભ યોજીને મિજબાની પણ આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આટલો બધો આર્થિક અને માનસિક દંડ સહન કર્યા પછી પણ આજે સુધી તેમને સમાજમાં સ્વીકારવામાં આવ્યા નથી. પંચોના આ અમાનવીય અન્યાય સામે આખરે થાકીને આ કાનૂની દંપતીએ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ની સમક્ષ લેખિત અરજી આપીને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
સપ્ટેમ્બર 2025 માં કર્યા હતા અંતરજ્ઞાતીય લગ્ન
પ્રાપ્ત થયેલી વિગતવાર માહિતી અનુસાર, એડવોકેટ નેમીચંદ વર્માએ SP ને આપેલી પોતાની લેખિત ફરિયાદમાં સમગ્ર ઘટનાક્રમ જણાવતા આક્ષેપ કર્યો છે કે સપ્ટેમ્બર 2025 માં તેમણે પોતાની મરજી અને સંમતિથી પ્રમિલા સોનકર સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા. તેઓ બંને કાયદાના સ્નાતક હોવાથી તેમણે બંધારણીય હક્કો મુજબ જીવનસાથીની પસંદગી કરી હતી. પરંતુ લગ્ન સંપન્ન થતાં જ જ્ઞાતિના કેટલાક પ્રભાવશાળી અને કટ્ટર માનસિકતા ધરાવતા લોકોએ તેમનો સંપૂર્ણપણે સામાજિક બહિષ્કાર કરી દીધો હતો. ત્યારબાદ આ મામલે જ્ઞાતિના પંચોની એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં દંપતી પર 35,000 રૂપિયાનો કથિત અને ગેરકાયદેસર દંડ ફટકારવામાં આવ્યો હતો.
સામાજિક દબાણ, પરિવારના સન્માન અને પંચોના ડરના કારણે પરિવારે આ મોટી રકમ જમા કરાવી દીધી હતી. પરંતુ પંચો આટલેથી અટક્યા ન હતા. તેમણે સમગ્ર જ્ઞાતિ માટે સામાજિક ભોજન સમારંભ યોજવા અને સમાજના આરાધ્ય વીરાંગના અવંતીબાઈ લોધીની પ્રતિમા સામે પૂજા અર્ચના કરવા માટે પણ દંપતી અને તેમના પરિવારને ફરજ પાડી હતી.

આ પણ વાંચોઃ દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ કહી સામાજિક બહિષ્કાર કરાયો
દંડ અને મિજબાની આપ્યા પછી પણ બહિષ્કાર યથાવત
પીડિત વકીલ નેમીચંદનો આક્ષેપ છે કે રૂ. 35,000 નો દંડ અને આખા સમાજને મિજબાની આપ્યા બાદ તેમના પરિવારના અન્ય સભ્યોને તો સમાજમાં પાછા લઈ લેવામાં આવ્યા હતા, પરંતુ તેમને અને તેમની પત્ની પ્રમિલાને આજે પણ જ્ઞાતિમાંથી બહાર જ રાખવામાં આવ્યા છે. જ્ઞાતિના પંચો દ્વારા સમાજના તમામ લોકોને સખત સૂચના આપવામાં આવી છે કે આ વકીલ દંપતી સાથે કોઈએ પણ કોઈ પ્રકારનો વ્યવહાર કે સંબંધ રાખવો નહીં. તેમના ઘરે જવું નહીં, તેમની સાથે વાતચીત કરવી નહીં અને જ્ઞાતિના કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં તેમને આમંત્રણ આપવું નહીં. સતત થઈ રહેલા આ સામાજિક બહિષ્કારના કારણે આ શિક્ષિત દંપતી ભારે માનસિક પ્રતાડના અને સામાજિક અપમાનનો સામનો કરી રહ્યું છે, જે તેમના સન્માનપૂર્વક જીવવાના મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે.
ગામના અન્ય લોકો પણ બન્યા છે કુરિવાજનો ભોગ
આ અન્યાય સામે લડવા માટે નેમીચંદે ગામના અગ્રણીઓ અને વડીલો સમક્ષ પણ મદદની ગુહાર લગાવી હતી. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે દેવરી ગામમાં તેઓ એકમાત્ર ભોગ બનનાર નથી, પરંતુ ભૂતકાળમાં પણ ઘણા નિર્દોષ લોકો આ પ્રકારના સામાજિક બહિષ્કાર અને ગેરકાયદેસર દંડનો ભોગ બની ચૂક્યા છે. અગાઉ પણ આવા કિસ્સાઓમાં પોલીસ સુધી ફરિયાદો પહોંચી હતી, પરંતુ યોગ્ય અને આકરી કાનૂની કાર્યવાહી ન થવાના કારણે સામાજિક પંચો અને દબંગોના હોસલા વધુ બુલંદ બની ગયા છે અને તેઓ કાયદાથી ઉપર હોવાનો અહંકાર ધરાવે છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ભૂતડીમાં સવર્ણ હિંદુઓએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો

ઓડિયો રેકોર્ડિંગ બનશે મુખ્ય પુરાવો, FIR ની માંગ
પોતાના દાવાને મજબૂત બનાવવા માટે પીડિત વકીલે દાવો કર્યો છે કે તેમની પાસે જ્ઞાતિના એક સક્રિય સભ્ય સાથે થયેલી વાતચીતનું એક મહત્વપૂર્ણ ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. આ ઓડિયોમાં સામાજિક બહિષ્કાર, રૂ. 35,000 નો દંડ વસૂલવા અને રકમ સ્વીકારવા અંગેની તમામ વિગતો સ્પષ્ટપણે રેકોર્ડ થયેલી છે. જરૂર પડ્યે તેઓ આ પુરાવો પોલીસને સોંપવા તૈયાર છે.
દંપતીએ પોલીસ અધિક્ષક સમક્ષ માંગ કરી છે કે આ કેસમાં કાયદાનું પાલન કરાવવામાં આવે અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ આક્ષેપિતો સામે તાત્કાલિક FIR નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ ઓડિયોની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવે, તેમની પાસેથી બળજબરીથી પડાવી લીધેલા 35,000 રૂપિયા પાછા અપાવવામાં આવે અને સમાજના નામે ચાલતી આવી ગેરકાયદેસર તાલિબાની પ્રથાઓ સામે કાયમી ધોરણે કડક પગલાં લેવામાં આવે.
આ પણ વાંચોઃ દસાડાના મેતાસરમાં દલિત પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો











