વર્તમાન સમયમાં સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુજન સમાજ એટલે કે OBC, SC અને ST વર્ગના યુવાનો પોતાના બંધારણીય અધિકારો મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આ એવો મુદ્દો છે, તેના વિશે સવર્ણ જાતિવાદી તત્વો બોલવાનું ટાળે છે. પરંતુ હાલમાં જ એક એવું પુસ્તક પ્રકાશિત થયું છે, જે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં OBC, SC, ST યુવાનો સાથે થતા ભેદભાવ અને અન્યાય બાબતે શબ્દોની ચાલાકી કર્યા વિના ખૂલીને વાત કરે છે. વાત છે શરૂઆત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ‘કર્ણનું આરોપનામું’ ની. જેમાં લેખક પ્રો. જયેશ વરિયા આંકડાકીય વિગતો અને તથ્યોના આધારે આ ક્ષેત્રે ચાલતી સિસ્ટમ પર ગંભીર સવાલો ઉઠાવે છે. સરકારી ભરતી પ્રક્રિયાઓથી લઈને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સુધી વંચિત વર્ગોના પ્રતિનિધિત્વને કઈ રીતે પદ્ધતિસર મર્યાદિત કરવામાં આવે છે તે અંગે આ પુસ્તકમાં મજબૂત વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ઈન્ટરવ્યૂ, NFS અને રોસ્ટર પ્રણાલીમાં ગેરરીતિઓ
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનામત વર્ગના યુવાનો પોતાની મહેનતના બળે લેખિત પરીક્ષામાં ઉત્કૃષ્ટ ગુણ મેળવે છે, પરંતુ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન તેમને અપેક્ષિત ગુણ ન આપીને પાછળ ધકેલી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત, ‘Not Found Suitable’ (NFS) ના નામે યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં યોગ્યતા ધરાવતા નથી તેવું બહાનું બતાવીને જગ્યાઓ ખાલી રાખી દેવાની નીતિ પણ ભારે વિવાદના કેન્દ્રમાં રહી છે.

આ પણ વાંચોઃ ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?
રોસ્ટર પ્રણાલીનું યોગ્ય અને પારદર્શી રીતે અમલીકરણ ન થવું તેમજ અનામત નીતિનો તદ્દન ભંગ થવો એ માત્ર વહીવટી ખામી નથી પરંતુ એક ચોક્કસ નીતિગત ઉદાસીનતા દર્શાવે છે. GPSC જેવી અગત્યની સંસ્થાકીય ભરતીઓમાં તેમજ દેશભરની યુનિવર્સિટીઓની શૈક્ષણિક જગ્યાઓમાં આ પ્રકારની અનિયમિતતાઓ કેવી રીતે અનામત વર્ગના યુવાનોના ભવિષ્ય પર મોટું પ્રશ્નાર્થચિહ્ન સર્જે છે તેની આમાં વાત છે.
આઉટસોર્સિંગ અને લેટરલ એન્ટ્રી પર પ્રહારો
પુસ્તકમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા નીતિગત ફેરફારો દ્વારા અનામતના મૂળભૂત માળખાને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે તેનો સ્પષ્ટ આક્ષેપ કરાયો છે. વર્ગ 3 અને વર્ગ 4 ની સરકારી નોકરીઓમાં વધતા જતા આઉટસોર્સિંગના કારણે બંધારણીય અનામત નીતિ આપોઆપ નિષ્ક્રિય બની જાય છે. જ્યારે આઉટસોર્સિંગથી ભરતી થાય છે ત્યારે તેમાં રોસ્ટર કે અનામતના નિયમો લાગુ પડતા નથી, જેનાથી ગરીબ અને પછાત વર્ગના યુવાનો માટે સરકારી ક્ષેત્રના દરવાજા બંધ થઈ જાય છે.
બીજી તરફ, વર્ગ 1 અને વર્ગ 2 ની સર્વોચ્ચ સંસ્થાકીય જગ્યાઓ પર ‘લેટરલ એન્ટ્રી’ દ્વારા સીધી ભરતી કરવાની પદ્ધતિથી પછાત વર્ગના યુવાનોની પ્રમોશન અને પ્રતિનિધિત્વની શક્યતાઓ જ ખતમ થઈ જાય છે. આ ઉપરાંત, પેપરલીક ઘટનાઓ અને શિક્ષણનું થઈ રહેલું અતિશય વેપારીકરણ પણ ગરીબ તથા પછાત વર્ગના ઉમેદવારો માટે મોટો આર્થિક અને સામાજિક અવરોધ બનીને ઉભર્યું છે. EWS નીતિનો અમલ અને વર્ગીકરણના નામે આરક્ષિત જાતિઓ વચ્ચે આંતરિક વિભાજન ઊભું કરવાની નીતિઓ પણ વંચિત સમાજના હકો પર તરાપ સમાન માનવામાં આવે છે. આ બધી બાબતોને આવરી લેવાઈ છે.

ન્યાયતંત્ર અને મીડિયામાં પ્રતિનિધિત્વનો અભાવ
પ્રો. જયેશ વરિયા લખે છે, દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં કોલેજિયમ પ્રણાલીના કારણે બહુજન સમાજના જજ બનવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને અસમાન રહી છે. ન્યાયતંત્ર જેવા દેશના સર્વોચ્ચ અને નિર્ણાયક અંગમાં તમામ સમાજોનું યોગ્ય પ્રતિનિધિત્વ હોવું એ સામાજિક ન્યાય માટે અત્યંત અનિવાર્ય છે. જો ન્યાયતંત્રમાં જ વંચિત સમાજનો અવાજ નહીં હોય તો કાયદાકીય લડાઈઓ લડવી અતિ મુશ્કેલ બની જાય છે.
તેવી જ રીતે, દેશનું મુખ્યધારાનું મીડિયા પણ બહુજન યુવાનો, ખેડૂતો અને શ્રમિક વર્ગના વાસ્તવિક પ્રશ્નોને યોગ્ય વાચા આપવાને બદલે સત્તા અને અમુક ચોક્કસ વર્ગોના હિતોનું રક્ષણ કરતું હોવાનો પુસ્તકમાં આક્ષેપ છે. વસ્તીગણતરી 2027 માં OBC વસ્તીની અલગ ગણતરી ન કરવી કે તેમને આંકડાકીય પ્રક્રિયામાંથી બાકાત રાખવા જેવા નિર્ણયો સામાજિક ન્યાય અને યોગ્ય ભાગીદારીના સિદ્ધાંત સામે મોટો પડકાર ઉભો કરે છે. બહુજન યુવાનો માટે શિક્ષણ અને રોજગાર એ માત્ર તેમની રોજીરોટીનું સાધન નથી પરંતુ સમાજમાં સમાનતા અને સ્વમાનથી જીવવાનો વિષય છે. ટૂંકમાં, આ એક એવું પુસ્તક છે, જે એસસી, એસટી, ઓબીસી સમાજ સાથે થઈ રહેલા ભેદભાવ અને અન્યાયને કોઈની પણ શરમ રાખ્યા વિના બહુજન સમાજ સામે મૂકે છે.
આ પણ વાંચોઃ શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો
તા. 1 અને 2 ઑગષ્ટ 2026 – શનિ રવિમાં આ પુસ્તક ઓર્ડર કરનારને 25% ડિસ્કાઉન્ટ એટલે કે 150 રૂ. માં મળશે. અને સાથે સાથે માધવસિંહ સોલંકીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર ભેટ સ્વરૂપે મળશે. આ બે દિવસ પૂરતું 25 થી વધુ નકલ પર 50 % ડિસ્કાઉન્ટ અને આ પુસ્તક સાથે માધવસિંહ સોલંકીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર મફત મળશે.
3 ઑગષ્ટ 2026 થી પુસ્તક 200 રૂ. પ્રતિ નકલ અને 25 થી વધુ નકલ પર 40% ડિસ્કાઉન્ટ મળશે. ખાસ ધ્યાન આપજો કે, બે દિવસ બાદ માધવસિંહ સોલંકીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર ભેટ મળી શકશે નહીં. તેના માટે અલગથી રૂ. ચૂકવવાના રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક સંપર્ક કરો.
શરૂઆત બુકસ્ટોરઃ 8141191311, 8141191312
પુસ્તક ઓર્ડર કરવા માટેની લીંક
https://sharuaatbookstore.com/product/karnnu-aropnamu-obc-st-sc-yuvano-sathe-thato-jatankvad/











