અમરેલીના બરવાળા બાવીશીમાં દલિત યુવતીને જીવતી સળગાવવા પ્રયાસ

અમરેલીના બરવાળા બાવીશી ગામે આહિર જાતિના જાતિવાદી દુકાનદારે બાકી રૂપિયા મુદ્દે દલિત યુવતી પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેવાની કોશિશ કરી.
amreli-barwala-bavishi-dalit-woman-petrol-attack

ગુજરાતમાં દલિતો અને શોષિત વર્ગ પર થતા અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમરેલી જિલ્લાના વડીયા તાલુકા હેઠળ આવતા બરવાળા બાવીશી ગામે સામાજિક વર્ચસ્વ અને જાતિવાદી અહંકારનો એક અત્યંત ખૌફનાક બનાવ સામે આવ્યો છે. માત્ર 2400 રૂપિયાના કરિયાણાના બાકી નાણાંની ઉઘરાણીના નામે આહિર સમાજના બે જાતિવાદી તત્વોએ એક 30 વર્ષીય દલિત યુવતી પર ચપ્પલ વડે હુમલો કરી, તેના પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે.

મામલો શું હતો

બરવાળા બાવીશી ગામના દલિતવાસ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય ઈલાબેન નરેશભાઈ ચાવડા નામના દલિત મહિલાએ ગામમાં દુકાન ધરાવતા દાદુભાઈ આહિરની દુકાનેથી 2400 રૂપિયાનું કરિયાણું ઉધાર લીધું હતું. આ ગરીબ દલિત પરિવાર પોતાની આજીવિકા રળીને બાકી નાણાં ચૂકવવાની ગણતરીમાં હતો, પરંતુ દુકાનદારને આટલી રાહ જોવી મંજૂર નહોતી.

બાકી રકમની વસૂલાત માટે દાદુભાઈ આહિરે અગાઉ પણ દલિત મહિલાના દિયર અને અન્ય એક સભ્ય જયસુખભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી તેમની સાથે મારઝૂડ કરી હતી. ગરીબ અને દલિત હોવાના કારણે પરિવાર સતત ડર અને ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ અમરેલીના મોટા આંકડીયામાં જમીન મુદ્દે પટેલોએ દલિતો પર હુમલો કર્યો

દુકાનમાં બોલાવી ચપ્પલ વડે હુમલો અને પેટ્રોલ છાંટ્યું

ઘટનાના દિવસે જ્યારે ઈલાબેન ગામની બજારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે દાદુભાઈ આહિરે તેમને પોતાની દુકાન અંદર બોલાવ્યા હતા. દાદુભાઈએ નાણાં અંગે ઉઘરાણી શરૂ કરતા ઈલાબેને વિનમ્રતાપૂર્વક કહ્યું કે તેમના પતિ મજૂરી કરીને જલદીથી આ રકમ ચૂકવી દેશે. આટલું સાંભળતાં જ જાતિવાદી અહંકારથી પીડાતા દાદુભાઈ આહિરનો પિત્તો ગયો હતો. તેમણે દલિત મહિલાને ગાળો આપી, પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને મોં અને શરીર પર આડેધડ મારીને ઈજા પહોંચાડી હતી.

આટલેથી આ રાક્ષસી કૃત્ય પૂરું ન થયું. દુકાનમાં હાજર અન્ય એક શખ્સ ભરત આહિરે યુવતીને ભાગી ન જાય તે માટે તેના બંને હાથ મજબૂતીથી પકડી રાખ્યા હતા. ત્યારબાદ દાદુભાઈ આહિરે દુકાનમાંથી પેટ્રોલનું ડબલું લાવીને ઈલાબેનના આખા શરીર પર પેટ્રોલ છાંટી દીધું હતું.

‘આજે તો તને સળગાવી દેવી છે’ કહી ધમકી આપી

ઈલાબેનના શરીર પર પેટ્રોલ છાંટ્યા બાદ આરોપીઓએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, “આજે તો તને જીવતી જ સળગાવી દેવી છે.” દલિત મહિલા પર તે સમયે મોત ભમવા લાગ્યું હતું. આરોપીઓ માચિસ સળગાવે તે પહેલાં જ, ઈલાબેને પોતાના જીવનનો આખરી દાવ લગાવીને ભરત આહિરની પકડમાંથી ગમે તેમ કરીને પોતાનો હાથ છોડાવ્યો હતો. તેઓ ચીસાચીસ કરતા દુકાનની બહાર ભાગ્યા હતા અને બજારમાં દોડીને માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. ગામ વચ્ચે દલિત મહિલા પર આ રીતે પેટ્રોલ છાંટીને જીવતી સળગાવવાનો પ્રયાસ થતાં જ સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ભારે ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચોઃ અમરેલીના દલિત યુવાનની હત્યાના બે દિવસ બાદ પણ ન્યાયની પ્રતીક્ષા

વડીયા પોલીસની કાર્યવાહી અને સામાજિક સવાલો

મૃત્યુના મુખમાંથી ઉગરેલી દલિત યુવતીએ આખી ઘટના અંગે વડીયા પોલીસ સ્ટેશનમાં જઈને આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને આરોપી દાદુ આહિર અને ભરત આહિર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પરંતુ સવાલ એ ઊભો થાય છે કે માત્ર 2400 રૂપિયા જેવી સામાન્ય રકમ માટે એક દલિત યુવતી પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની હિંમત આવા તત્વોમાં ક્યાંથી આવે છે? આ માત્ર એક નાણાકીય લેણદેણનો મામલો નથી, પરંતુ દલિતોને પોતાના ગુલામ સમજતી અને કાયદાનો કોઈ ડર ન રાખતી મનુવાદી માનસિકતાનું વરવું પ્રદર્શન છે. જો મહિલા સમયસૂચકતા વાપરીને ભાગી ન હોત, તો આજે એક દલિત દીકરીને જીવતી સળગાવી દેવાઈ હોત. તંત્ર દ્વારા આરોપીઓ સામે SC-ST એક્ટ સહિતની કડકમાં કડક કલમો હેઠળ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

નરેશ વાળા સહિતના એક્ટિવિસ્ટો મહિલાની વ્હારે આવ્યા

આ ઘટનાની જાણ થતા જ અમરેલી જિલ્લાના સામાજિક કાર્યકર નરેશભાઈ વાળા સહિતના લોકો પીડિત યુવતીની વ્હારે આવ્યા હતા. તેમણે દવાખાને પહોંચી મહિલાના ખબરઅંતર પૂછીને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. એ પછી પણ પોલીસે લાંબા સમય સુધી ફરિયાદ નોંધવાની તસ્દી લીધી નહોતી. આખરે મામલો ઉગ્ર બનતો જોઈને પોલીસે ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચોઃ અમરેલી સિવિલમાં દેવીપૂજક મહિલાનું મોત, સમાજ 13 દિવસથી ધરણા પર

સવર્ણોની દાદાગીરી! ફરિયાદ સામે કલેક્ટર-એસપીને આવેદન આપ્યું

આ પંથકમાં સવર્ણોની કઈ હદે દાદાગીરી છે તે આ કેસમાં જોઈ શકાય છે. દલિત મહિલાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવવા જેવા જઘન્ય ગુનામાં પણ જાતિવાદી તત્વોએ એટ્રોસિટીની ખોટી ફરિયાદનું બહાનું આગળ ધરીને કલેક્ટર, એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદના વિરોધમાં આહિર લોકો કલેક્ટર અને SP કચેરીએ પહોંચ્યા હતા દુકાનદાર દાદુભાઈ ગોવિંદભાઈ ઢેર અને અન્ય આરોપીઓ પર લગાવવામાં આવેલા એટ્રોસિટી એક્ટ અને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવવાના પ્રયાસના આરોપોને તેમણે ‘ખોટી ફરિયાદ’ અને ‘ષડયંત્ર’ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે દલિત મહિલા અને તેનો પરિવાર દુકાને આવીને ખોટા વિવાદ ઊભા કરે છે, સોશિયલ મીડિયા દ્વારા સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કરે છે અને આત્મવિલોપનની ધમકીઓ આપીને સામેથી ગુના દાખલ કરાવે છે. બરવાળા બાવીશી, અમરાપુર અને આંકડિયા ગામના આશરે 1500 થી 2000 જેટલા લોકો ભેગા થઈને કલેક્ટર અને એસપી કચેરીએ સ્પેશિયલ ટીમ (SIT) બનાવી તપાસ કરવાની માગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટર દ્વારા આ મામલે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં કેન્ટીનમાં ભોજન એઠું મૂકવા બદલ દલિત યુવકની હત્યા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x