સરોડાના 100થી વધુ દલિત ખેડૂતો કેમ આંદોલને ચડ્યાં છે?

ધોળકાના સરોડાના 100થી વધુ દલિત ખેડૂતો છેલ્લાં 10 વર્ષથી તેમના હક માટે સંઘર્ષ કરી રહ્યાં છે. શું છે તેમની માગણી, કેમ તેઓ મરણિયા બન્યાં છે.
saroda farmers land rights protest

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામના અનુસૂચિત જાતિના 100થી વધુ ખેડૂતો અને તેમના પરિવારજનો પોતાના બંધારણીય અને કાયદેસરના જમીન હક્કો માટે છેલ્લા બે દિવસથી ઉપવાસ છાવણીમાં બેઠા છે. વર્ષ 2006માં સરકારે જમીન ફાળવણીનો હુકમ કર્યો હતો અને વર્ષ 2017માં કાગળ પર કબજો પણ સોંપ્યો હતો.

પરંતુ, બે દાયકા વિતવા આવ્યા છતાં દલિત ખેડૂતોને કાયદેસરની સનદ, ખેતીલાયક જમીન અને વાસ્તવિક કબજો મળ્યો નથી. સરકારી અને વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી અને ઉદાસીનતા સામે સરોડાના દલિત પ્રતિનિધિઓ અને સામાજિક અધિકાર કાર્યકરોએ કલેક્ટર કચેરી ઘેરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સરકારી કાગળો પર જમીન, હકીકતે સવર્ણોના દબાણ

દલિત ખેડૂતોના કાયદેસરના હક્કો પર કઈ રીતે તંત્ર રમત કરે છે તેનું સરોડા એક મોટું ઉદાહરણ છે. સરકાર દ્વારા ખેડૂતોને જે જમીન ફાળવવામાં આવી હતી તેમાંથી 12 બ્લોકની જમીન તળાવ કે પથરાળ ખાડાવાળી છે, જ્યાં ખેતી કરવી અશક્ય છે. નિયમ મુજબ કલેક્ટર તંત્રે ખેતીલાયક સમતળ જમીન આપવી જોઈએ, પરંતુ દલિતોના નામે માત્ર કાગળ પર જમીન બોલે છે.

આ પણ વાંચો: ભાવનગરના વાળુકડમાં ફોન ન આપતા દલિત યુવક પર હુમલો

આટલું ઓછું હોય તેમ, અન્ય 6 બ્લોક પર સ્થાનિક ગેરકાયદેસર તત્વો દ્વારા સત્તાવાર રીતે દબાણ કરી લેવામાં આવ્યું છે. દલિત ખેડૂતો પોતાની જમીને જાય તો તેમને ધમકાવવામાં આવે છે. મંજુલાબેન કરસનભાઈ મહેરિયા, રમણભાઈ મોહનભાઈ મહેરિયા, મધીબેન મણિલાલ મહેરિયા, મોહનભાઈ મીઠાભાઈ મહેરિયા, રમણભાઈ રામાભાઈ મહેરિયા, ગણપતભાઈ આલજીભાઈ મહેરિયા, જીતેન્દ્રભાઈ પસાભાઈ મહેરિયા, ભાઈલાલભાઈ ટોયાભાઈ ઝાલા, બિપીનભાઈ નટુભાઈ ઝાલા, છગનભાઈ વાલજીભાઈ મહેરિયા અને મૂળજીભાઈ મોતીભાઈ મહેરિયા જેવા અનેક ખેડૂતો પોતાની જ જમીનનો કાયદેસરનો કબજો મેળવવા માટે વર્ષોથી તંત્રના દરવાજા ખટખટાવી રહ્યા છે.

સનદ વગરના માલિકો અને વહીવટી તંત્રની આળસ

સરકારે જમીન ફાળવ્યાના વર્ષો પછી પણ અનેક લાભાર્થીઓને આજદિન સુધી સનદ (માલિકી હક્કનું પ્રમાણપત્ર) આપવામાં આવી નથી. હીરાભાઈ રણછોડભાઈ મહેરિયા, સરોજબેન ભાનુભાઈ મહેરિયા, રમેશભાઈ રત્નાભાઈ મહેરિયા, રસિકભાઈ રત્નાભાઈ મહેરિયા, સુરેશભાઈ રત્નાભાઈ મહેરિયા, ભાનુબેન પરસોત્તમભાઈ પંડ્યા, ઇન્દુબેન ભાનુભાઈ પંડ્યા અને મંજુલાબેન રમેશભાઈ પંડ્યા સહિતના દલિત પરિવારો સનદ મેળવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપીને થાકી ગયા છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી

માલિકી હક્કની સનદ ન હોવાના કારણે ખેડૂતો ન તો ધિરાણ મેળવી શકે છે કે ન તો કોઈ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે. વહીવટી તંત્રે જમીનનો આકાર નક્કી કરીને કાયદેસર મહેસૂલ વસૂલ કરવાની પ્રક્રિયા પણ અટકાવી રાખી છે, જે દર્શાવે છે કે દલિતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાની યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રાખવામાં આવે છે.

કલેક્ટર કચેરીમાં પ્રતિનિધિમંડળની આકરી રજૂઆત

આજે સામાજિક કાર્યકર્તા કિરીટભાઈ રાઠોડ, કાંતિલાલ પરમાર તેમજ ગામના પ્રતિનિધિઓ મહેરિયા રમણભાઈ ગાંડાભાઈ, મહેરિયા રમણભાઈ બેચરભાઈ, રમણભાઈ કરસનભાઈ ઝાલા, રણછોડભાઈ મહેરિયા અને મહેરિયા દર્શનભાઈ સહિતના લોકોએ અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું હતું.

દલિત ખેડૂતોએ માંગ કરી છે કે 12 બ્લોકની ખાડાવાળી જમીન બદલીને ખેતીલાયક જમીન આપવામાં આવે, 6 બ્લોક પરથી ગેરકાયદેસર દબાણો તુરંત હટાવાય અને બાકી રહેલી સનદ તાત્કાલિક એનાયત કરવામાં આવે. આ ઉપરાંત સમગ્ર મામલે માત્ર કાગળ પર ઘોડા દોડાવવાને બદલે અધિકારીઓ સ્થળ તપાસ કરે અને કલેક્ટરની હાજરીમાં જનસુનાવણી યોજીને દરેક મુદ્દાનો સમયબદ્ધ ઉકેલ લાવવામાં આવે.

આ પણ વાંચો: બાલાઘાટમાં ઓરી અને કુપોષણથી 24 આદિવાસી બાળકોના મોત

2 મહિનામાં કામ ઉકેલવાની ખાતરી અપાઈ

અનુસૂચિત જાતિના ખેડૂતોના આક્રોશ અને શરૂ થયેલા ઉપવાસ આંદોલનને જોઈને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ તમામ રજૂઆતો સાંભળી હતી. તેમણે ખાતરી આપી હતી કે આગામી 2 મહિનાની અંદર આ અંગેની તમામ કાનૂની અને મહેસૂલી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. આ સાથે જ કલેક્ટરે ધોળકાના નાયબ કલેક્ટર (પ્રાંત)ને સરોડા ખાતે ચાલતી ઉપવાસી છાવણીની રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતો સાથે વાટાઘાટો કરવાના નિર્દેશ આપ્યા છે.

દલિત અધિકાર નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જમીનનો પ્રશ્ન એ માત્ર મિલકત કે જમીનના ટુકડાનો પ્રશ્ન નથી, પરંતુ દલિતોના આત્મસન્માન, જીવનનિર્વાહ અને સામાજિક ન્યાયનો પ્રશ્ન છે. જો તંત્ર દ્વારા આપવામાં આવેલી 2 મહિનાની સીમામાં દલિત ખેડૂતોને તેમની જમીનનો વાસ્તવિક કબજો અને સનદ નહીં મળે, તો સરોડાથી શરૂ થયેલી આ લડાઈ સમગ્ર રાજ્યભરમાં બહુજન આંદોલનનું રૂપ ધારણ કરશે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x