દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત શર્મા (Shuryakant Sharma) વિરુદ્ધ હવે કાયદાના વિદ્યાર્થીઓએ ખુલ્લો મોરચો માંડી દીધો છે. હૈદરાબાદ સ્થિત દેશની ટોચની લો યુનિવર્સિટી ‘NALSAR યુનિવર્સિટી ઓફ લો’ ના વિદ્યાર્થીઓએ આગામી પદવીદાન સમારોહમાં દેશના મુખ્ય ન્યાયાધીશના હાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી લેવાનો સખત શબ્દોમાં ઈનકાર કરી દીધો છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્રને વિધિવત પત્ર લખીને ચીફ ગેસ્ટ તરીકે સીજેઆઈ સૂર્યકાંત શર્માના નામના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે.
જો સીજેઆઈને બોલાવવામાં આવશે તો વિદ્યાર્થીઓએ ડિગ્રીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. આ પહેલાં 2 August 2026 ના રોજ મુંબઈની વિખ્યાત ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ’ (TISS) નો 86 મો દીક્ષાંત સમારોહ પણ સુરક્ષા કારણો અને વિરોધની આશંકાને પગલે રદ્દ કરવો પડ્યો હતો, જ્યાં સીજેઆઈ સૂર્યકાંત જ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા.

વિરોધના મૂળમાં રહેલા મુખ્ય વિવાદો
હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીના કાયદાના વિદ્યાર્થીઓ દેશના મુખ્ય ન્યાયાધીશના તાજેતરના કેટલાક નિર્ણયો, વલણ અને તેમની વિવાદિત નિવેદનોથી ભારે નારાજ અને આક્રોશિત છે. દિલ્હીના જંતર-મંતર પર “ચલો સંસદ” માર્ચ દરમિયાન NEET આંદોલનકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો પર થયેલી કથિત પોલીસ હિંસા અંગેની સુનાવણી દરમિયાન સીજેઆઈનું વલણ અત્યંત નકારાત્મક રહ્યું હતું.
આ પણ વાંચો: OBC-SC-ST યુવાનોની જાગૃતિને કારણે ‘અનામત હટાવો’નું સૂરસૂરિયું!
22 જુલાઈ ના રોજ જ્યારે વકીલે પોલીસ બર્બરતાના વીડિયો પુરાવા અદાલત સમક્ષ રજૂ કરવાની વિનંતી કરી, ત્યારે સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું હતું કે, “અમારો સમય બગાડશો નહીં અને તમારો સમય પણ ન બગાડો. અમને વીડિયો જોવામાં કોઈ રસ નથી, અમારી પાસે તે જોવાનો સમય નથી.”
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીથી દેશભરમાં ભારે વિવાદ ઊભો થયો હતો. તેમણે કથિત રીતે કહ્યું હતું કે દેશમાં કેટલાક બેરોજગાર યુવાનો ‘કોકરોચ’ (વંદાઓ) ની જેમ ભટકી રહ્યા છે અને સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને અન્ય લોકો પર પ્રહારો કરી રહ્યા છે.

આ નિવેદનના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર યુવાનો દ્વારા 35 days સુધી સતત આંદોલન ચલાવવામાં આવ્યું હતું. સાથોસાથ 20 July ના રોજ જંતર-મંતર પર થયેલા લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકો સહિત 170 થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવા છતાં, સુપ્રીમ કોર્ટે ‘ડી.કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય’ કેસમાં નક્કી કરેલી કાનૂની માર્ગદર્શિકાના ભંગ પર સુઓમોટો લેવાનો ઈનકાર કર્યો હોવાનો પણ આરોપ છે.
આ પણ વાંચો: 13 વર્ષની દલિત સગીરા પર 5 કિશોરોએ ગેંગરેપ ગુજાર્યો
વિદ્યાર્થીઓએ પત્રમાં શું કહ્યું?
23 જુલાઈ ના રોજ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર, રજિસ્ટ્રાર અને ફેકલ્ટીને સોંપવામાં આવેલા પત્રમાં વિદ્યાર્થીઓએ પોતાના સૈદ્ધાંતિક વિચારો અત્યંત સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા. 2026 ની પાસઆઉટ બેચના 70 થી વધુ વિદ્યાર્થીઓએ શરૂઆતમાં આ માંગ-પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બે દિવસમાં 2027 થી 2031 ની બેચના વધુ 380 વિદ્યાર્થીઓએ પણ આ ઝુંબેશને પોતાનું સમર્થન આપ્યું હતું. આમ, કુલ મળીને 450 થી વધુ કાયદાના વિદ્યાર્થીઓ આ વિરોધમાં જોડાયા છે.
આ પણ વાંચો: શું કોકરોચ આંદોલન નવું અન્ના કે જેપી આંદોલન બની શકશે?
વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું છે કે, “દીક્ષાંત સમારોહ એ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી, પરંતુ એક એવો પવિત્ર પ્રસંગ છે જ્યાં યુનિવર્સિટીના બંધારણીય મૂલ્યો, ન્યાય સુધીની ગરીબોની પહોંચ અને માનવાધિકારો પ્રત્યેની પ્રતિબદ્ધતા છતી થવી જોઈએ. જે વ્યક્તિનું જાહેર વલણ વિરોધ કરી રહેલા દેશના નાગરિકો પર થતી પોલીસ બર્બરતાના ગંભીર આક્ષેપોને નકારી કાઢવાનું અને પીડિતો પ્રત્યે સંવેદનહીન રહ્યું હોય, તેમના હસ્તે ડિગ્રી મેળવવી એ અમે વર્ગખંડમાં શીખેલા કાયદાકીય અને બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે.” વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્ર પાસે માંગ કરી છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા કે નિમંત્રણ મોકલતા પહેલા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવે.
NALSAR તંત્ર હવે શું કરશે
નોંધનીય છે કે 24 નવેમ્બર 2025 ના રોજ ભારતના 53 માં CJI તરીકે પદભાર સંભાળનારા જસ્ટિસ સૂર્યકાંત શર્માનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી 2027 સુધીનો છે. હાલ સુધી NALSAR યુનિવર્સિટી તંત્રે દીક્ષાંત સમારોહની સત્તાવાર તારીખ નક્કી કરી નથી કે સીજેઆઈની હાજરી અંગે કોઈ આખરી નિવેદન આપ્યું નથી.
પરંતુ મુંબઈ TISS નો કાર્યક્રમ રદ્દ થયા બાદ હવે હૈદરાબાદની NALSAR માં ઊભો થયેલો આ વ્યાપક વિરોધ દર્શાવે છે કે દેશના કાયદાના ભાવી મિશાલચીઓ ન્યાયતંત્રની સંવેદનહીનતા સામે અવાજ ઉઠાવવામાં અને પોતાના બંધારણીય સિદ્ધાંતો પર મક્કમ રહેવામાં જરાય પાછળ હટે તેમ નથી.
આ પણ વાંચો: NEET વંચિતોનો ડોક્ટર બનવાનો અધિકાર છીનવે છે, રદ કરો: વેટ્રીમારન











