ગુજરાતમાં 21મી સદીમાં પણ આંતરજ્ઞાતીય લગ્ન કરવા સામે સામાજિક વિષ અને વર્ણવાદી સામંતશાહી કેવા ભયાનક સ્તરે ફેલાયેલી છે તેનો વરવો અને લોહિયાળ ચિતાર રાજકોટ શહેરની મધ્યમાં બનેલી ઓનર કિલિંગની આ ઘટનાથી સામે આવ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત અને વાહનોની સતત અવરજવરથી ધમધમતા ભક્તિનગર સર્કલ પાસે ગુરુવારે બપોરે સવા 2 વાગ્યે કમલેશ ઉર્ફે કાનો ઘાંઘળ અને તેના 2 મિત્રોએ ભેગા મળીને વિમલ વાણિયા નામના દલિત યુવકની જાહેરમાં ઘેરીને છરીના આડેધડ ઘા મારીને હત્યા કરી દીધી હતી. ધોળા દિવસે બનેલી આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
7 વર્ષનો પ્રેમ, આંતરજ્ઞાતીય લગ્ન અને સામાજિક દંભ
રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં રહેતા વિમલ વાણિયા અને શીતલ વચ્ચે આજથી આશરે 7 વર્ષ અગાઉ એક મિત્ર મારફતે પરિચય થયો હતો. વિમલના એક મિત્રને શીતલની સખી સાથે પ્રેમસંબંધ હતો, જેના કારણે બંને અવારનવાર મળતા હતા અને સમય જતા વિમલ અને શીતલ વચ્ચે પણ ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. વિમલનો જન્મ એક ગરીબ દલિત પરિવારમાં થયો હતો, જ્યારે શીતલ રબારી સમાજમાંથી આવતી હતી.

આ પણ વાંચો: મહેસાણામાં મંદિર બહાર ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે લાફા માર્યા
જ્યારે શીતલના પરિવારને આ આંતરજ્ઞાતીય સંબંધની જાણ થઈ, ત્યારથી જ તેમનામાં રહેલો જાતિવાદી આક્રોશ બહાર આવ્યો હતો. સવર્ણ અને સામંતવાદી માનસિકતા ધરાવતા શીતલના ભાઈ કમલેશ ઉર્ફે કાના ઘાંઘળને પોતાની બહેન એક દલિત યુવકના પ્રેમમાં હોય તે સહેજેય મંજૂર નહોતું. તેના કારણે તે વિમલને અવારનવાર રસ્તામાં આંતરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ તમામ સામાજિક અને કૌટુંબિક દબાણ, સતત મળતી ધમકીઓ અને જાતિવાદી ભેદભાવ છતાં વિમલ અને શીતલે પોતાના પ્રેમ અને સાચા સંબંધ માટે લડી લેવાનો નિર્ણય કર્યો હતો.
સંરક્ષણગૃહનો આશરો, બળજબરીથી લગ્ન છતાં અડીખમ પ્રેમ
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમસંબંધ ગાઢ બનતા વિમલ અને શીતલ પ્રથમ વાર ઘરેથી ભાગીને કડી તરફ રહેવા જતા રહ્યા હતા. જોકે, શીતલનો ભાઈ કમલેશ ત્યાં પણ પહોંચી ગયો હતો અને તેણે વિમલ સાથે મારામારી કરી, ગાળાગાળી કરીને શીતલને બળજબરીથી ઘરે લઈ આવ્યો હતો. પરિવારે શીતલની મરજી વિરુદ્ધ તાબડતોબ તેના બીજા એક યુવક સાથે બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા.
આ પણ વાંચો: સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત યુવકે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

પરંતુ શીતલે સામાજિક કુરિવાજો અને કૌટુંબિક દબાણ સામે ઝૂકવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તેને તે લગ્ન માન્ય નહોતા, જેથી તે ત્યાંથી નીકળીને નારી સંરક્ષણગૃહમાં આશરો લેવા મજબૂર બની હતી. એક વર્ષના સમયગાળા બાદ, તમામ કૌટુંબિક બંધનો તોડીને શીતલ ફરી પાછી વિમલ પાસે આવી ગઈ હતી અને બંનેએ કાયદેસર રીતે પ્રેમલગ્ન કરીને પોતાનો નવો સંસાર શરૂ કર્યો હતો.
‘તને પતાવી દેવો છે’ કહીને પાછળથી પકડીને આડેધડ ઘા ઝીંક્યા
વિમલ વાણિયા સી.એન.સી. મશીન ઓપરેટર તરીકે કામ કરીને પોતાના પરિવારનું નિર્વાહ ચલાવતો હતો. ગુરુવારે બપોરે વિમલ તેના વાહનની આર.સી. બુક (સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન) લેવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. બપોરે સવા 2 વાગ્યાના અરસામાં વિમલ તેના મિત્ર તૃશાલ અગ્રાવત સાથે ભક્તિનગર સર્કલ પાસે આવેલા એક પાનના ગલ્લા પર ઊભો હતો.
તે જ સમયે બુલેટ અને સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર સવાર થઈને શીતલનો ભાઈ કમલેશ ઉર્ફે કાનો ઘાંઘળ તથા તેના 2 મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા. કમલેશે પાછળથી આવીને અચાનક વિમલની ડોક પકડી લીધી હતી અને તેને થોડે દૂર ઢસડી ગયો હતો. ત્યાં તેને ગાળો આપી કમલેશ બોલવા લાગ્યો હતો કે, “તેં મારી બહેન સાથે પ્રેમલગ્ન કર્યા છે, હવે તને જીવતો નથી છોડવો, તને પતાવી જ દેવો છે.” આટલું કહીને તેણે છરી કાઢી વિમલના શરીર પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં વિમલ જમીન પર ઢળી પડ્યો હતો અને ત્રણેય હુમલાખોરો વાહનો લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના બન્યાના ગણતરીની મિનિટોમાં જ વિમલે દમ તોડી દીધો હતો.
આ પણ વાંચો: નાથુરામ અને ગોપાલ ગોડસે RSSના સભ્ય હતાઃ સાત્યકી સાવરકર
11 મહિનાના નાદાન બાળકે પિતા છત્રછાયા ગુમાવી
વિમલ નાનો હતો ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. તેની માતા ભારતીબહેને મજૂરી કરીને તેને ઉછેર્યો હતો. આજે વિમલની ઘાતકી હત્યા બાદ 11 મહિનાનું તેનું બાળક પિતા વગરનું બની ગયું છે. વિમલના માતા ભારતીબહેનની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ડી. પરમાર સહિતના કાફલાએ બી.એન.એસ. હેઠળ હત્યા, જાહેર શાંતિનો ભંગ અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઘાતકી ઘટના ભક્તિનગર સર્કલના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગઈ છે.
માત્ર 11 મહિના પહેલાં જ માતૃત્વ ધારણ કરનાર વિમલના પત્ની શીતલે મીડિયા સામે પોતાની ભારે વેદના અને આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “હું ભાગી ત્યારે મારા ભાઈએ કહ્યું હતું કે તું જે દિવસે સામી મળીશ તે દિવસે તને મારી નાખીશ. જો આજે હું મારા પતિ સાથે હોત તો એણે મને અને મારા 11 મહિનાના બાળકને પણ મારી નાખ્યા હોત. સાત વર્ષ પછી પણ તેના મગજમાંથી જાતિવાદનો કીડો ન ગયો અને મારા પતિની હત્યા કરી નાખી. આ નાનું બાળક બાપ વગર ક્યાં જશે? મેં કોઈનું કશું બગાડ્યું નહોતું. મારા પતિની હત્યા કરનાર મારા ભાઈને ફાંસીની જ સજા મળવી જોઈએ.”
આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે આજના આધુનિક યુગમાં પણ દલિતો માટે સમાનતા અને બંધારણીય હકો માત્ર કાગળ પર રહી ગયા છે અને આંતરજ્ઞાતીય લગ્નો જેવા વ્યક્તિગત અધિકારો સામે જાતિવાદી માનસિકતા લોહિયાળ ખેલ ખેલવામાં સહેજેય ખચકાતી નથી.
આ પણ વાંચો: IIT બોમ્બેમાં જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીનો આપઘાત!











