જૂનાગઢના કેવડાવાડી રેલવે સ્ટેશન પાસે આવેલી સરકારી ડૉ. બાબાસાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુવિધાઓમાં ચેડાં થી રહ્યાં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અત્યંત નબળી ગુણવત્તાનું વાસી ભોજન પીરસવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે છાત્રોએ છાત્રાલય કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ પૂર્વે કલેક્ટર કચેરી નજીક આવેલી આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં પણ આવી જ લાલિયાવાડી સામે વિરોધ નોંધાયો હતો, પરંતુ તંત્રની ઘોર નિષ્ક્રિયતાને કારણે સ્થિતિ જેમની તેમ રહી હતી.
દાળ-ભાત અને ફ્રિજમાં ઈયળો નીકળી
બપોરના સમયે જ્યારે હોસ્ટેલના વિદ્યાર્થીઓ જમવા બેઠા ત્યારે દાળ-ભાતમાંથી ઈયળો અને જીવડાં નીકળ્યા હતા. એટલું જ નહીં, તેમણે કોઠાર રૂમ અને ફ્રિજ તપાસતાં ત્યાં રાખેલા ટામેટાં, મરચાં અને શાકભાજીમાં પણ ધનેડાં તથા ઈયળોનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિના પહેલાં જ નવો કોન્ટ્રાક્ટર આવ્યો છે ત્યારથી ભોજનની ગુણવત્તા સાવ તળિયે બેસી ગઈ છે. ગુણવત્તા અને જથ્થાના નામે લોલમલોલ ચલાવતા આ કોન્ટ્રાક્ટર દ્વારા વાસી શાકભાજી પીરસીને દલિત વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે સીધા ચેડાં કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદની દલિત ઈન્ફ્લુએન્સરને જાતિસૂચક ગાળો આપી ટ્રોલ કરાઈ
હોસ્ટેલનું જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે દુર્ઘટના નોતરશે
વાસી ભોજન ઉપરાંત હોસ્ટેલની બિલ્ડીંગની સ્થિતિ પણ અત્યંત ભયજનક અને દયનીય બની ચૂકી છે. ચોમાસા દરમિયાન રૂમની છતમાંથી સતત પાણી ટપકે છે, દીવાલોના પ્લાસ્ટર અને પોપડાં ઉખડી ગયા છે, અને બાથરૂમના દરવાજામાં હૂક પણ નથી. વીજળીના પંખા, બેડ અને સફાઈની પૂરતી સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. જો આ જર્જરિત બિલ્ડિંગ ધડાકાભેર ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની રહેશે?
આ પણ વાંચો: મોદી સરકારની દલિત વિરોધી નીતિ છેક UN સુધી પહોંચી
તંત્રના આંખ આડા કાનની નીતિ
હોસ્ટેલના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 2 વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ જવાબદાર અધિકારીઓ કાનમાં આંગળા નાખીને બેઠા છે. હોસ્ટેલમાં પાછલા દરવાજેથી કયા અધિકારીઓને હપ્તા અને કમિશન પહોંચે છે તે તપાસનો વિષય છે. તેમણે ભારે આક્રોશ સાથે ઉમેર્યું હતું કે, આ વિદ્યાર્થીઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસદારો છે, પરંતુ તંત્ર તેમની સાથે નક્સલવાદીઓ જેવો અમાનવીય વ્યવહાર કરી રહ્યું છે.

કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માંગ
વિદ્યાર્થીઓએ એકસૂરે માગણી કરી છે કે શાસનની ભ્રષ્ટ કોન્ટ્રાક્ટ પદ્ધતિને તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે અને ટેન્ડર નિયમો મુજબ કાયમી તથા ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવામાં આવે. બીજી તરફ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના ઇન્ચાર્જ નાયબ નિયામક ચેતન પરમારે જણાવ્યું હતું કે તૈયાર ભોજનની નીતિ મુજબ તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. બેદરકાર કોન્ટ્રાક્ટરને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવશે અને ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત હોસ્ટેલના રિનોવેશન માટે બજેટ મંજૂર થઈ ગયું હોવાનું કહીને ટૂંક સમયમાં સમસ્યા ઉકેલવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સંત રવિદાસ પ્રત્યે ભાજપને કેમ અચાનક પ્રેમ ઉભરાયો છે?











