ગાંધીનગર ખાતે ‘ગ્રન્થ-પ્રત્યક્ષ’ના વિશેષ ઉપક્રમ હેઠળ દલિત કવિ અને સંશોધક નીલેશ કાથડની ચર્ચિત આત્મકથા ‘વલોરી’ તથા જાણીતા વિચારક અરુંધતી રોયના નવા પુસ્તક ‘Mother Mary comes to Me’ પર એક વિશેષ સમીક્ષાત્મક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગરના સર્જક મિત્રો, વરિષ્ઠ ભાવકો અને સનદી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉલ્કા પરમારે વક્તાઓ અને લેખકના સંક્ષિપ્ત પરિચય સાથે કર્યું હતું. આખી ચર્ચા દરમિયાન સામાજિક ભેદભાવ, આભડછેટ અને દલિત અસ્મિતાનો મુદ્દો કેન્દ્રસ્થાને છવાયેલો રહ્યો હતો.
ચંદુ મહેરિયાએ ‘વલોરી’ વિશે શું કહ્યું
મુખ્ય સમીક્ષક અને વરિષ્ઠ દલિત સાહિત્યકાર ચંદુ મહેરિયાએ આત્મકથાની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, આત્મકથા ‘વલોરી’ કુલ 60 પ્રકરણોમાં આલેખાઈ છે. લેખક નીલેશ કાથડ 12મું ધોરણ પાસ કર્યા પછી ઉના ખાતે બેન્કની નોકરીમાં જોડાયા હતા અને સ્ટેટ બેંકમાંથી છેલ્લે ઉના ખાતેથી જ ચીફ મેનેજર પદેથી નિવૃત્ત થયા હતા. આ નોકરીની શરૂઆત અને નિવૃત્તિ વચ્ચેના 39 વર્ષની દીર્ઘ સફરને આત્મકથા સ્વરૂપે આલેખતા લેખકે સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારને સુપેરે આલેખીને ત્યાં વ્યાપેલા સામંતવાદી, જાતિવાદી અને વર્ણવાદી વાતાવરણની ભયાનક ઝાંખી કરાવી છે.

આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?
શારદાગ્રામમાં શિક્ષણ મેળવતી વખતે અનુભવેલા વાતાવરણથી આગળ જતાં દૈનિક વ્યવહારિક જીવનમાં કંઈક સાવ અલગ પ્રકારનો ભેદભાવપૂર્ણ અનુભવ લેખકને થાય છે, ત્યારે તેઓ આ આત્મકથા લખવા માટે પ્રેરાય છે. પોતાના જન્મસ્થળ દડવા ગામથી શરૂ થયેલી જીવનયાત્રામાં દૈનિક ધોરણે સાંભળવા મળતા ‘તમે કેવા?’ ના પ્રશ્નથી આરંભાઈને છેક ગામડાના સ્મશાન સુધી અનુભવાતી આભડછેટ કઈ હદ સુધી માનસિક પીડા આપે છે તેનો વાસ્તવિક ચિતાર આ પુસ્તકમાં જોવા મળે છે.
આભડછેટ અને જાતિવાદના ભયાનક અનુભવો
સમીક્ષકે પુસ્તકમાંથી એક અત્યંત કરુણ અને આંખ ઉઘાડનારો પ્રસંગ ટાંક્યો હતો. ઘેડ વિસ્તારમાં આહિર સમાજની યુવતીઓના નામ સામાન્ય રીતે લીરી, ઝાંઝી કે લીલી જેવા હોય છે. લેખક તેમના પત્ની વિજયાબહેનની એક આહિર બહેનપણી લીરીના ઘરે જાય છે, ત્યારે તેમની સાથે આભડછેટનો વ્યવહાર કરવામાં આવે છે. તેમને તૂટેલા કપરકાબી (રામપાત્ર) માં ચા આપવામાં આવે છે. પોતાના આત્મસન્માન સાથે કરાર ન કરતા લેખક તે તૂટેલા વાસણમાં ચા પીવાને બદલે માત્ર પાન ખાઈને ત્યાંથી વિદાય લે છે. આ એક જ ઘટના વાચકને જાતિવાદી માનસિકતાના એક અલગ અનુભવ વિશ્વમાં લઈ જાય છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરના 5 સૌથી ચર્ચિત પુસ્તકો

લેખકે આત્મકથામાં ઉન્નત મસ્તકે પોતાના આત્મસન્માન અને સામાજિક અસ્મિતા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કર્યા વગર તમામ ભયાનક અનુભવોનું બેબાક વર્ણન કર્યું છે. એક અધિકારી હોવા છતાં ડગલે ને પગલે અનુભવાતી આભડછેટ અને ભેદભાવને છુપાવવાને બદલે ખુલ્લેઆમ રજૂ કરવામાં તેમણે સહેજ પણ છોછ અનુભવ્યો નથી.
ગરીબી, ભૂતકાળની સ્મૃતિઓ અને આત્મસંઘર્ષ
સમીક્ષા દરમિયાન લેખકના માતા-પિતાના કઠિન સંઘર્ષની વાત પણ વાચકોના હૃદયને સ્પર્શી જાય તેવી રીતે રજૂ કરવામાં આવી હતી. સમીક્ષકે ખાસ ધ્યાન દોર્યું હતું કે લેખકના માતા-પિતા બંને તેમના શિક્ષણ પ્રત્યે અત્યંત સજાગ હતા. પિતા કડિયાકામમાં નિપુણ હતા અને માતા તેમને દરેક કામમાં સહાયરૂપ બનતી હતી. આત્મકથાનો એક પ્રસંગ ટાંકતા તેમણે જણાવ્યું કે, જે સ્ટેટ બેંકમાં લેખક ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, ભૂતકાળમાં એ જ બેંકના ઓટલા પર બેસીને મા અને દીકરો લાકડાનો ભારો વેચતા હતા. આ ભૂતકાળની સ્મૃતિ વાચકની આંખને ભીંજવી દે તેવી કરુણ છે.
ચંદુ મહેરિયાએ મરાઠી લેખક દયા પવારની આત્મકથાનો સંદર્ભ ટાંકતા જણાવ્યું કે, એકવાર દયા પવારને પૂછાયું હતું કે ‘તમને મૃત ઢોરના માંસનો સ્વાદ કેવો લાગ્યો હતો?’, ત્યારે દયા પવારે ઉત્તર આપ્યો હતો કે ‘મારું ધ્યાન માંસના સ્વાદ કરતાં ભૂખ સંતોષવામાં વધુ હતું!’. તેવી જ રીતે જો લેખકે ભાલચંદ્ર મૂંગેરકરની આત્મકથાની જેમ ‘હું કેવી રીતે ઘડાયો’ એ મુદ્દાને કેન્દ્રમાં રાખી જીવન સંઘર્ષની વિગતો વધુ આપી હોત તો પુસ્તક વિશેષ રસપ્રદ બન્યું હોત.
આ પણ વાંચો: માંગરોળની દીકરીએ પાલી ભાષામાં ‘ધમ્મલિપિ પરિચય’ પુસ્તક લખ્યું
સર્જનાત્મક ભાષા અને દલિત અસ્મિતાનું પ્રતીક
‘વલોરી’માં લેખકે તળપદા શબ્દો થકી ઘેડ વિસ્તારની બોલીનો લયાત્મક પરિચય કરાવ્યો છે. સાથે જ ઘેડના પ્રાકૃતિક સૌંદર્ય અને ભાદર નદીના પાણીના વર્ણનમાં તેમની સર્જનાત્મક ભાષા શૈલી ઉપસી આવે છે. પુસ્તકમાં ‘ઊનાથી ઊના’ જેવા પ્રકરણો સ્વતંત્ર છાપ ઊભી કરવામાં અને કથારસ જાળવવામાં સફળ રહ્યા છે. સરકાર તરફથી પરિવારને મળેલી સાથણીની જમીન અંતે ડેમમાં સંપાદિત થઈ જાય છે તે અસહ્ય આઘાત, ખખડધજ ખટારામાં બેસી લગ્નમાં જવાની મજા, પિતાની સાયકલની યાદો અને દલિતોમાં રોમાંચક રોમાન્સનું આલેખન આત્મકથાને સાર્થક બનાવે છે.
દલિત સાહિત્યકારોની અત્યાર સુધી પ્રગટ થયેલી 20 જેટલી આત્મકથાઓમાં ‘વલોરી’ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય ઉમેરણ છે. આ એક એવા દલિત વ્યક્તિની કથા છે જેણે આપબળે ઉચ્ચ હોદ્દો મેળવ્યો હોવા છતાં પોતાની જમીની હકીકત અને સામાજિક આક્રોશને ભૂલ્યા નથી.
આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા
અરુંધતી રોયના પુસ્તક સાથે પીડાની સામ્યતા
કાર્યક્રમના અધ્યક્ષ અને જાણીતા કર્મશીલ રાજુ સોલંકીએ ‘વલોરી’ના વિવિધ પ્રકરણોની ચર્ચા કરી નીલેશ કાથડને અભિનંદન પાઠવ્યા હતા. સંગીતા પટેલે અરુંધતી રોયની નવલકથા ‘Mother Mary comes to Me’ અંગે અભ્યાસપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યું હતું. અધ્યક્ષ રાજુ સોલંકીએ અરુંધતી રોયના પુસ્તક વિશે વાત કરતા એક ખાસ આશ્ચર્યજનક બાબત નોંધાવી હતી કે, ‘વલોરી’ અને ‘Mother Mary comes to Me’ ના એક-એક પ્રકરણ વચ્ચે અદ્ભુત સામ્યતા છે. બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિના લેખકો હોવા છતાં તેમના પ્રકરણોમાં આલેખાયેલી સામાજિક પીડા, શ શોષણનો અનુભવ અને ભાષાશૈલીની તીવ્રતા એકસરખી જોવા મળે છે.
આ પણ વાંચો: કર્ણનું આરોપનામુંઃ જયેશ વરિયાનું આ પુસ્તક કેમ ચર્ચામાં છે?













