બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામના દલિત યુવક લખીરામભાઈ પરમારના શંકાસ્પદ મોત અને હત્યા કેસમાં આખરે તંત્રને નમતું જોખવું પડ્યું છે. દલિત સમાજ, પીડિત પરિવાર અને વિવિધ બહુજન સંગઠનોના સતત 5 દિવસના સઘન ધરણાં અને અવિરત લડત સામે ઝૂકીને પોલીસે તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. ઘટનાના 84 દિવસ બાદ મૃતદેહને સ્મશાનમાંથી બહાર કાઢીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત કેસમાં ગંભીર બેદરકારી દાખવનાર પોલીસ તંત્રએ આખરે એફઆઈઆરમાં હત્યાની કલમ ઉમેરવાની ફરજ પડી છે, જેને સમાજે બંધારણ અને એકતાની ઐતિહાસિક જીત ગણાવી છે.
શંકાસ્પદ મોતથી શરૂ થયેલી ન્યાયની કઠિન લડાઈ
વાવ તાલુકાના મોરીખા ગામના રહેવાસી લખીરામભાઈ નરભેરામભાઈ પરમાર સાથે 1 જૂન 2026 ના રોજ શંકાસ્પદ ઘટના બની હતી. ત્યારબાદ 4 જૂન ના રોજ તેમનો મૃતદેહ ગામના જ વારિયું તળાવમાંથી મળી આવ્યો હતો. પરિવારજનો અને દલિત સમાજે પ્રથમ દિવસથી જ આક્ષેપ કર્યો હતો કે યુવકની હત્યા કરીને તેના પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને તળાવમાં ફેંકી દેવામાં આવી હતી.

જોકે, શરૂઆતી તબક્કે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી અને હત્યાની કલમ ઉમેરવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી હતી. આ અન્યાય સામે સત્ય બહાર લાવવા પરિવાર અને ગ્રામજનોએ થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત 5 દિવસ સુધી અડગ રહીને ધરણાં પ્રદર્શન કર્યા હતા.
રેન્જ આઈ.જી.ની મધ્યસ્થી બાદ 84 દિવસે રી-પોસ્ટમોર્ટમ
ધરણાં અને વ્યાપક વિરોધ પ્રદર્શનને પગલે મામલો ગરમ થતાં રેન્જ આઈ.જી. દ્વારા આ કેસની તપાસ સિદ્ધપુર ડીવાયએસપી (DySP) કે. કે. પંડ્યાને સોંપવામાં આવી હતી. કોર્ટના કડક વલણ અને વહીવટી મંજૂરી બાદ, ઘટનાના 84 દિવસ પછી ગુરુવારે વડાલી મામલતદારશ્રી અને એસપી (SP) કક્ષાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદેસર પંચનામું કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ વાવના મોરીખાના દલિત યુવકનું મોત કેમ રહસ્યમય બનતું જાય છે?
દફન કરાયેલા મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢીને ફોરેન્સિક તપાસ અર્થે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ (1200 બેડ હોસ્પિટલ સામે આવેલા પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ) ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં રી-પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

સિવિલમાં 3 દિવસના ધરણાં બાદ 302 ની કલમ ઉમેરાઈ
મૃતદેહના રી-પોસ્ટમોર્ટમ ઉપરાંત, હત્યાની કલમ ઉમેરવા માટે પીડિત પરિવાર અને સંગઠનો છેલ્લા 3 દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ધરણાં પર બેઠા હતા. પરિવાર દ્વારા પારદર્શિતા માટે સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તંત્ર દ્વારા રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સંગઠિત અવાજ સામે તંત્રની એક ન ચાલી.
આખરે પોલીસ તંત્રને નમવું પડ્યું અને FIR માં IPC 302 / BNS ની હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આ સફળતા બાદ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ, આઝાદ સમાજ પાર્ટી અને બહુજન સંગઠનોએ આ વિજયને સમસ્ત સમાજની એકતાનો વિજય ગણાવ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી કાનૂની લડાઈ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ મોરીખા દલિત યુવક હત્યા કેસમાં 7 દિવસ બાદ મોટો વળાંક











