સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ફ્રાન્સમાં એફિલ ટાવર જોવા જતી વખતે ત્યાં કામ કરતી મહિલાઓનું મોં ન જોવું પડે તે માટે તેમને ત્યાંથી હટાવી દેતા દુનિયાભરમાં ભારતની ફજેતી થઈ છે. આ સંપ્રદાયના કથિત સંતોને કારણે આજે ભારત દેશને દુનિયા આખીમાં નીચાજોણું થયું છે. આ સંપ્રદાયના સંતો પોતાને હિંદુ ગણાવીને કરોડો રૂપિયાનું ફંડ મેળવી વિદેશોમાં જલસા કરે છે પરંતુ એક સમયે આ જ સંપ્રદાયે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેઓ હિંદુ ધર્મનો ભાગ નથી અને અલગ છે. પોતાના મંદિરોમાં દાન અને ચડાવો એકત્ર કરવા માટે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મૂકનાર અને સામાન્ય હિન્દુ આસ્થાળુઓનો આર્થિક ઉપયોગ કરનાર આ સંપ્રદાયે જ્યારે દલિત સમાજને સમાન અધિકાર આપવાની વાત આવી, ત્યારે કાનૂની ચોપડે જઈને પોતાને હિન્દુ ધર્મથી અલગ ગણાવી દીધા હતા. સંસ્થાગત જાતિવાદ, ભેદભાવ અને અસ્પૃશ્યતાને વળગી રહેવા માટે આ સંપ્રદાયના વડાઓ દ્વારા આચરવામાં આવેલી આ છેતરપિંડીનો ઇતિહાસ દરેક બહુજન અને જાગરૂક નાગરિકે સમજવો જરૂરી છે.
મામલો શું હતો
આ સમગ્ર વિવાદ જાન્યુઆરી 1948માં શરૂ થયો હતો. અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દલિત સમાજના લોકોએ બંધારણીય અને સામાજિક સમાનતા સાથે પૂજા અધિકાર મેળવવા ઐતિહાસિક સત્યાગ્રહ શરૂ કર્યો હતો. સામાજિક ન્યાય અને સમાનતાના આ અહિંસક આંદોલનથી ગભરાઈ ગયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ દલિતોને મંદિરના પરિસરમાં પ્રવેશતા રોકવા મંદિરના તમામ મુખ્ય દરવાજાઓને તાળાં મારી દીધા હતા.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી ભગાવો ઉતારી ફરી સંસારી બન્યા!
ત્યારબાદ 12 જાન્યુઆરી 1948 ના રોજ જોઈન્ટ સિવિલ જજ (સિનિયર ડિવિઝન), અમદાવાદની કોર્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ બૃહરદાસ સામે કાનૂની દાવો ઠોકી દીધો હતો. સંપ્રદાયના સાધુઓએ અદાલતમાં એવી દલીલ કરી હતી કે Bombay Harijan Temple Entry Act 1947 (જે પાછળથી Bombay Hindu Places of Public Worship Act 1956 બન્યો) માત્ર હિન્દુ ધર્મના મંદિરોને જ લાગુ પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મથી સંપૂર્ણપણે અલગ, સ્વતંત્ર અને વિશિષ્ટ પંથ હોવાથી આ કાયદો અમદાવાદના નરનારાયણ દેવ મંદિર કે તેના તાબા હેઠળના કોઈપણ સ્વામિનારાયણ મંદિરને લાગુ પડી શકે નહીં. તેથી દલિતો અમારા મંદિરોમાં પગ ન મૂકે તે માટે અદાલતે કાયદેસરનો મનાઈહુકમ (Interim Injunction) આપવો જોઈએ.
સિવિલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનો પરાજય
સ્વામિનારાયણ સંપ્રદાયની ધાક અને દબાણ હેઠળ નીચલી અદાલતે 24 સપ્ટેમ્બર 1951 ના રોજ સ્વામિનારાયણ પંથની તરફેણમાં ચુકાદો આપીને દલિતોના મંદિર પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. પરંતુ મૂળદાસ બૃહરદાસ અને દલિત હક્ક ચળવળે આ જાતિવાદી ચુકાદા સામે હિંમતભેર બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે નીચલી અદાલતના આ ભેદભાવપૂર્ણ મનાઈહુકમને રદબાતલ કરીને દલિતોના અધિકારને બહાલ કર્યો હતો.
હાઈકોર્ટના ચુકાદાથી અસ્વસ્થ થયેલા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી અને સંપ્રદાયના સાધુઓ દલિતોને રોકવાના પોતાના કટ્ટર વલણને કારણે આ કેસને દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં ખેંચી ગયા. દરમિયાન 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, જેમના આર્ટિકલ 17 હેઠળ અસ્પૃશ્યતાના કોઈપણ સ્વરૂપના આચરણને ગેરકાનૂની અને ગંભીર શિક્ષાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેંચ સમક્ષ બે મુખ્ય પ્રશ્નો ઉપસ્થિત થયા હતા: પ્રથમ, શું સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ હિન્દુ ધર્મથી અલગ છે? અને બીજું, દલિતોને મંદિરમાં પ્રવેશતા રોકનારાઓ સામે આ કાયદા હેઠળ પગલાં લઈ શકાય કે નહીં?
આ પણ વાંચોઃ બધાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છેઃ નિત્યસ્વરૂપદાસજી
14 જાન્યુઆરી 1966 ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્વામિનારાયણ સંપ્રદાયની અપીલને દંડનીય ખર્ચ સાથે ડિસમિસ કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું હતું કે સામાજિક ન્યાય એ લોકશાહીનો મુખ્ય પાયો છે અને દેશના બંધારણે દરેક દલિત અને શોષિત વર્ગને તમામ સામાજિક તથા ધાર્મિક સ્થાનો પર સમાન અધિકાર આપેલો છે. અદાલતે સખત શબ્દોમાં ટાંક્યું કે દલિતોને મંદિરમાં આવતા રોકવાના મલિન ઈરાદાથી જ સંપ્રદાયે ‘અમે હિન્દુ નથી’ તેવી પાયાવિહોણી દલીલ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ હિન્દુ ધર્મમાંથી જ ઉદ્ભવ્યો છે, તેમના શાસ્ત્રોમાં કૃષ્ણ ભક્તિ અને વિધિઓમાં વૈષ્ણવ પરંપરા છે, તેથી હિન્દુ ધર્મથી અલગ હોવાનો તેમનો દાવો માત્ર અને માત્ર અસ્પૃશ્યતા જાળવી રાખવાનું એક કાવતરું હતું.
બેવડા ધોરણો અને મહિલા-દલિત વિરોધી નીતિઓ પર આકરા પ્રહારો
સુપ્રીમ કોર્ટના મંચ પર જઈને પોતાને હિન્દુ ધર્મથી અલગ ગણાવનાર આ સંપ્રદાયના બેવડા ધોરણો ત્યાં છતા થઈ ગયા હતા. જો તેઓ હિન્દુ ધર્મનો ભાગ નથી, તો પછી પોતાના આલીશાન મંદિરોમાં કરોડો રૂપિયાનો ચડાવો મેળવવા માટે રામ, કૃષ્ણ, હનુમાન કે શિવ જેવા પૌરાણિક દેવ-દેવીઓની મૂર્તિઓ કેમ રાખવામાં આવે છે? એટલું જ નહીં, મૂર્તિઓની ગોઠવણમાં પોતાના સંપ્રદાયના સ્થાપકની મૂર્તિ મધ્યમાં વિશાળ કદની રાખવી અને મૂળ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને ખૂણામાં કે નાના કદની રાખીને શ્રદ્ધાળુઓનું અપમાન કરવું એ તેમની કાયમી વેપારી માનસિકતા દર્શાવે છે.
આ સંપ્રદાયનો ઇતિહાસ માત્ર દલિત વિરોધી જ નથી, પરંતુ અત્યંત વિષમકારી અને ગંભીર મહિલા વિરોધી પણ રહ્યો છે. સંપ્રદાયના સાધુઓ દ્વારા મંચ પરથી મહિલાઓને તુચ્છ ગણાવવી, સ્ત્રીઓની હાજરીને અપવિત્ર ગણવી અને બીજી તરફ ગાદી, મિલકત અને કરોડોના સામ્રાજ્ય માટે અંદરોઅંદર જૂથબંધી અને કોર્ટ-કચેરીઓ કરવી એ આ પંથની ખરી વાસ્તવિકતા છે. જે સંપ્રદાય પોતાના સંકુચિત અને જાતિવાદી હિતો સાચવવા માટે અદાલતમાં પોતાના જ ધર્મનો અસ્વીકાર કરી શકે અને બંધારણીય સામાજિક ન્યાયનો ખુલ્લેઆમ વિરોધ કરે, તે સંપ્રદાય સમાજને નૈતિકતા, સાધુતા કે માનવતાનો કોઈ પાઠ ભણાવવાનો અધિકાર ધરાવતો નથી.
આ પણ વાંચોઃ ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’











