કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દેશમાં સામાજિક સમાનતા અને પ્રતિનિધિત્વ અંગે એક મોટો વિવાદ અને ચર્ચા જગાવી છે. તેમણે દલિતો, પછાત વર્ગો (OBC) અને લઘુમતીઓ માટે અનામતની મર્યાદા વધારીને 75% કરવાની સ્પષ્ટ માંગ કરી છે. બેંગલુરુમાં યોજાયેલા કર્ણાટક રાજ્ય પછાત વર્ગ મહાસંઘના રજત જયંતી સમારોહમાં બોલતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજમાં વસ્તીના પ્રમાણમાં દરેક વર્ગને સમાન તક અને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યા વિના એક સમાન અને ન્યાયી સમાજની રચના કરવી અશક્ય છે.
વસ્તીના ધોરણે અનામત મળવી જોઈએઃ સિદ્ધારમૈયા
ઐતિહાસિક રીતે દલિત, આદિવાસી અને પછાત વર્ગોને સદીઓથી શિક્ષણ અને રોજગારીની તકોથી વંચિત રાખવામાં આવ્યા છે. સિદ્ધારમૈયાએ આ મુદ્દાને નોંધતા કહ્યું કે, દરેક સમાજને તેની વસ્તીના કદ અને ટકાવારી મુજબ જ અનામત મળવી જોઈએ. વર્તમાન સમયમાં માત્ર નોકરીઓ કે શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ રાજકીય સમાનતા મેળવવા માટે લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભા બેઠકોમાં પણ વસ્તીના આધારે SC, ST અને OBC સમાજને અનામત આપવી અત્યંત જરૂરી છે. જો આ નીતિ અમલમાં મૂકવામાં આવે તો જ દેશની સાચી બહુમતી વસ્તીને સત્તા અને નિર્ણયો લેવાની પ્રક્રિયામાં ભાગીદારી મળી શકશે.

આ પણ વાંચો: તમે જે પેકેઝ્ડ ફૂડ ખાઓ છો તે કેટલું સુરક્ષિત છે?
જાતિ ગણતરી અને પછાત વર્ગ આયોગના રિપોર્ટનો અમલ કરો
પોતાના મુખ્યમંત્રી તરીકેના અગાઉના કાર્યકાળને યાદ કરતાં સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, પછાત વર્ગોની સાચી વસ્તી અંગે કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ ન હોવાથી તેમણે 2013 માં સરકાર રચાયા બાદ તુરંત જ જાતિ આધારિત સર્વે કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હતો. તેમણે મધુસૂદન નાઈકના અધ્યક્ષપદ હેઠળના પછાત વર્ગ આયોગની રિપોર્ટનો ખાસ ઉલ્લેખ કર્યો અને ઉમેર્યું કે, મુખ્યમંત્રી પદ છોડતાં પહેલાં જ તેમણે આ રિપોર્ટનો સ્વીકાર કરી લીધો હતો.
જોકે, વર્તમાન સમયમાં કોર્ટના આદેશો અને કાનૂની અડચણોના કારણે આ સર્વે રિપોર્ટને સાર્વજનિક કરવા કે અમલમાં મૂકવા પર રોક લગાવવામાં આવી છે. સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું કે સાચો ડેટા બહાર આવશે તો જ નીતિ નિર્માણમાં પછાત સમાજનો વાસ્તવિક હક તેમને મળી શકશે.
આ પણ વાંચો: AAP નેતાએ દલિત કાર્યકરનું મકાન-પ્લોટ પચાવી પાડ્યું

જાતિ વ્યવસ્થા સામે સતત સંઘર્ષની હાકલ
સમાજમાંથી જાતિગત ભેદભાવ અને અન્યાય દૂર કરવા અંગે વાત કરતાં પૂર્વ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, “જ્યાં સુધી સમાજમાં કુરિવાજો અને સત્તા પર અમુક વર્ગોનો એકાધિકાર છે, ત્યાં સુધી સમાનતા લાવવા માટેનો આ સંઘર્ષ સતત જારી રાખવો પડશે.” તેમણે પોતાના જીવનના અનુભવો શેર કરતાં કહ્યું કે શિક્ષણ અને સરકારી ક્ષેત્રમાં મળેલા અનામતના કારણે જ આજે લાખો પછાત અને શોષિત પરિવારના યુવાનો આગળ આવી શક્યા છે.
SC, ST અને OBC સમાજનું પ્રતિનિધિત્વ માત્ર કાગળ પર રહેવાને બદલે તેને 75% સુધી વધારીને વાસ્તવિક સત્તા સોંપવાની આ માંગથી દેશભરમાં સામાજિક ન્યાયની ચળવળને નવું બળ મળ્યું છે.
આ પણ વાંચો: દેશની જિલ્લા અદાલતોમાં SC-ST-OBCની સેંકડો અનામત બેઠકો ખાલી











