ધોળકાના સરોડામાં દલિતોએ મંત્રી, MLA ને એક કલાક સુધી ઘેર્યા

ધોળકાના સરોડામાં પોતાની જમીન અને હકના ન્યાય માટે દલિત ખેડૂતોએ મંત્રી અર્જુન મોઢવાડિયા અને MLA કિરીટસિંહ ડાભીને 1 કલાક સુધી ઘેરી લેતા ચકચાર મચી.
dholka-saroda-dalit-farmers-protest-modhwadia
dholka-saroda-dalit-farmers-protest-modhwadia

ધોળકાના સરોડામાં દલિત સમાજ તેમના હકની જમીન માટે લડત લડી રહ્યો છે. પરંતુ ભાજપ સરકારના મંત્રીઓ દ્વારા દલિતોના પ્રશ્નો પ્રત્યે દાખવવામાં આવતી ઘોર ઉપેક્ષા અને આત્મસન્માન પરના પ્રહારો સામે હવે અહીંનો દલિત ખેડૂત સમાજ આરપારની લડાઈના મૂડમાં આવી ગયો છે. સરોડા ગામે યાત્રા દરમિયાન આવેલા ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક ભાજપ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીનો દલિત ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતો માત્ર પોતાની કાયદેસરની જમીન અને હકની રજૂઆત કરવા માગતા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવતા જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થિતિ વણસતા દલિતોએ એક કલાક સુધી મંત્રી અને ધારાસભ્યને ઘેરી રાખ્યા હતા. એ દરમિયાન પણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ કારમાંથી નીચે ઉતરવાની પણ તસ્દી લીધી નહોતી.

દલિત ખેડૂતોનો આક્રોશ: 1 કલાક સુધી રસ્તો રોક્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, સરોડા ગામે મંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની યાત્રા અને સભા યોજાઈ હતી. સભા પૂર્ણ કરીને જ્યારે બંને નેતાઓ બહાર આવ્યા ત્યારે લાંબા સમયથી જમીન અને મહેસૂલી હકોથી વંચિત દલિત ખેડૂતોએ તેમનો રસ્તો રોકીને કાળો વિરોધ નોંધાવ્યો હતો.

દલિત ખેડૂતો પોતાની હકની રજૂઆત કરવા માટે મંત્રીશ્રી પાસે પહોંચવા માગતા હતા, પરંતુ ભાજપ સરકારની શાસન વ્યવસ્થામાં દલિતોનો અવાજ સાંભળવાને બદલે પોલીસે તેમને બળજબરીથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રી મોઢવાડિયા અને સ્થાનિક ધારાસભ્યએ 1 કલાકથી વધુ સમય સુધી દલિત ખેડૂતોના ભારે વિરોધ અને આક્રોશનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ ધોળકાના કોઠમાં દલિતો 25 વર્ષથી પીવાના પાણીથી વંચિત!

મંત્રીએ ગાડીમાંથી નીચે ઉતરવાની પણ તસ્દી ન લીધી

આ સમગ્ર ઘટનામાં ભાજપ સરકારના નેતાઓની દલિત વિરોધી માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. દલિત ખેડૂતોની માંગણીઓ કોઈ મોટી કે અશક્ય નહોતી, તેઓ માત્ર પોતાના કાયદેસરના હક અને ન્યાય માટે શાંતિપૂર્ણ રજૂઆત કરવા આવ્યા હતા. તેમ છતાં, મંત્રી અર્જુન મોઢવાડિયા દલિત ખેડૂતોની વચ્ચે નીચે આવીને તેમની વાત સાંભળવા સુદ્ધાં તૈયાર ન થયા.

આ પણ વાંચોઃ ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે

અંતે વહીવટી તંત્ર અને પોલીસે બળપ્રયોગ કરીને દલિત ખેડૂતોને રસ્તાની સાઈડમાં ખસેડી દેતા નેતાઓને રવાના કર્યા હતા. ગાડીના કાચ બંધ કરીને દલિતોના પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરવાની મંત્રીઓની આ નીતિ સામે સ્થાનિક બહુજન સમુદાયમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

દલિત ખેડૂતોની 4 મુખ્ય માંગણીઓ

સરોડા ગામના દલિત ખેડૂતો પોતાની ખેતીની જમીન અને બંધારણીય અધિકારો માટે લાંબા સમયથી સંગઠિત થઈને લડી રહ્યા છે. તેમણે સરકાર સામે 4 સ્પષ્ટ માંગણીઓ મૂકી છે. જેમાં 17 દલિત ખેડૂતોને તેમની કાયદેસરની ખેતીલાયક સારી જમીન ત્વરિત પરત આપવામાં આવે. 5 વગદાર વ્યક્તિઓએ જે ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે, તે કબજો તાત્કાલિક દૂર કરાવી તપાસ થાય. 3 દલિત ખેડૂતોની જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં અટકાવી રાખવામાં આવેલી સનદ તાત્કાલિક આપવામાં આવે. પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવનારા દલિત ખેડૂતો પર સરકાર દ્વારા કરવામાં આવેલા ખોટા કેસો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે.

વિકાસના દાવા વચ્ચે દલિતો પર અન્યાય: ઉગ્ર આંદોલનના એંધાણ

ભાજપ સરકાર એક તરફ વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારે છે, પરંતુ બીજી તરફ રસ્તા પર પોતાના હક માટે લડતા દલિત ખેડૂતોની વાત સાંભળવાની પણ હિંમત દાખવતી નથી. પોતાની જમીન પર માથાભારે તત્વોના કબજા અને મહેસૂલી અન્યાય સામે લડી રહેલા ખેડૂતોને ન્યાય આપવાને બદલે તેમની પર જ ખોટા કેસો ઠોકી બેસાડવામાં આવ્યા છે.

દલિત નેતાઓ અને સ્થાનિક ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 17 ખેડૂતોની જમીન, સનદ અને કાયદેસરના હકો અંગે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરીને ન્યાય આપવામાં નહીં આવે, તો સરોડાથી શરૂ થયેલી આ ચિનગારી સમગ્ર ગુજરાતમાં મોટા દલિત આંદોલનનું રૂપ ધારણ કરશે.

આ પણ વાંચોઃ ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x