શંકરસિંહ વાઘેલાએ સવર્ણ ગુજરાતીઓનું દોગલાપણું છતું કરી દીધું!

શંકરસિંહ વાઘેલાના નિવેદન માત્રથી ચચરી જતા લોકોને વિદેશમાં જઈને ટોઈલેટ સાફ કરવામાં શરમ કેમ નથી આવતી, ત્યાં તેમની જાતિનું અભિમાન ક્યાં ઓગળી જાય છે?
shankersinh-vaghela-remark-caste-mindset

શંકરસિંહ વાઘેલા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ એક નિવેદન આપ્યું કે, ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે તો હું મહિને 50 હજાર રૂપિયા આપીશ’: આ નિવેદન સામે પાટીદાર, બ્રાહ્મણ અને જૈન સમાજે માફીની માગ કરી. સામે શંકરસિંહે પણ કહ્યું, ‘માફીનો સવાલ જ નથી.’
શંકરસિંહ વાઘેલાના આ એક નિવેદને ગુજરાતના કથિત સવર્ણોના બેવડા ધોરણોને છતાં કરી દીધાં છે. આ સમગ્ર વિવાદમાં સૌથી

મહત્વનો સવાલ એ છે કે, જો માત્ર “સવર્ણો માથે મેલું ઉપાડે..” તેવા એક નિવેદન માત્રથી જેમનું સ્વમાન અને લાગણી દુભાઈ જતી હોય, તો વિચારો સદીઓથી આ અમાનવીય, ગંદુ અને અપમાનજનક કામ કરવા મજબૂર કરાયેલા દલિત સમાજને કેવી લાગણી થતી હશે? દલિતોની પેઢીઓની પેઢીઓ આ અમાનવીય વર્ણવ્યવસ્થાની બલિ ચડી ગઈ છે. છતાં પણ, સવર્ણો આજે પણ જાતિવાદી મનુવાદી વ્યવસ્થાને વળગી રહીને દલિતોના બંધારણીય અધિકારો, સામાજિક ન્યાય અને અનામત પર પ્રહારો કરી રહ્યાં છે.

કાયદાકીય પ્રતિબંધ છતાં સદીઓ જૂની પ્રથા જીવંત

આજે દેશમાં કાયદાકીય રીતે માથે મેલું ઉપાડવાની અને ગટરમાં ઉતરીને સફાઈકામ કરવાની પ્રથા પર કડક પ્રતિબંધ છે. પરંતુ કાગળ પર રહેલા કાયદાઓ અને જમીની હકીકત વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે. આજે પણ ગુજરાતના અને દેશના મોટાભાગના ગામડાઓમાં તેમજ આધુનિક ગણાતા શહેરોમાં આ પ્રથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસ્તિત્વ ધરાવે છે. શહેરોમાં આવેલા આલીશાન ફ્લેટોમાં સવારે સફાઈ કરવા આવતો કર્મચારી કઈ જાતિનો હોય છે? કચરો ઉપાડવા આવતી ડોર-ટુ-ડોર ગાડીઓમાં નાના બાળકને ડ્રાઈવર પાસે બેસાડીને તમારા ઘરનું ગંદકીથી ભરેલું ડસ્ટબીન ગાડીમાં ઠાલવનાર એ લાચાર મહિલા કઈ જાતિની હોય છે? આ કોઈ આકસ્મિક સંજોગ નથી, પરંતુ મનુસ્મૃતિ આધારિત સામાજિક માળખાનું કડવું પરિણામ છે, જેણે ચોક્કસ જાતિના લોકોને ગંદકી અને સફાઈકામ કરવા માટે જ બાંધી રાખ્યા છે.

આ પણ વાંચોઃ દેશમાં 3 મહિનામાં મેન્યુઅલ સ્કેવેજિંગમાં 36 સફાઈકર્મીઓના મોત!

અનામતનો વિરોધ અને સવર્ણોનો ચચરાટ

સવર્ણ સમાજને જ્યારે પોતાના પર સફાઈકામ કે મેલું ઉપાડવાની વાત આવે છે ત્યારે તેમનું સ્વમાન અચાનક જાગી ઊઠે છે. પરંતુ આ જ સવર્ણો જ્યારે દલિતોના સામાજિક અને શૈક્ષણિક ઉદ્ધાર માટે આપવામાં આવતી અનામતનો વિરોધ કરવા રસ્તા પર ઉતરે છે, ત્યારે તેમને જરાય લાજ-શરમ કેમ નથી આવતી? કેમ એ વખતે તેમને દલિતોના આત્મસન્માનની પરવા નથી થતી? સદીઓથી સામાજિક, આર્થિક અને માનસિક રીતે વંચિત રખાયેલા દલિતો માટે અનામત એ કોઈ દયા કે ભીખ નથી, પરંતુ બંધારણે આપેલો ન્યાય અને સમાનતા તરફ જવાનું એકમાત્ર સાધન છે. જ્યાં સુધી ગુજરાતના કથિત સવર્ણોની આ માનસિકતા યથાવત છે કે સફાઈકામ એ માત્ર દલિતોની જ જવાબદારી છે, ત્યાં સુધી સામાજિક ભેદભાવ જીવંત છે. શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સવર્ણોએ નોંધાવેલો વિરોધ એ વાતની સ્પષ્ટ સાબિતી છે કે સામાજિક ભેદભાવ આજે પણ આપણી આસપાસ અસ્તિત્વ ધરાવે છે. જ્યાં સુધી આ ભેદભાવ અને મનુવાદી માનસિકતા જીવંત રહેશે, ત્યાં સુધી અનામત અત્યંત અનિવાર્ય છે.

વિદેશમાં ટોઇલેટ સફાઈ અને ભારતમાં જાતિનું ગૌરવ

સવર્ણ માનસિકતાનું સૌથી મોટું અને વરવું બેવડું ધોરણ ત્યારે છતું થાય છે જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરે છે કે ત્યાં સ્થાયી થાય છે. આ જ સવર્ણ ગુજરાતીઓ જ્યારે અમેરિકા, કેનેડા કે યુરોપ જેવા દેશોમાં જાય છે, ત્યારે ત્યાંની હોટેલોમાં, મોલમાં, ગેસ સ્ટેશનોમાં કે સ્ટોર્સમાં ટોઇલેટ સાફ કરવામાં કે કચરો ઉપાડવામાં તેમને કોઈ જાતિનું અભિમાન નડતું નથી. ત્યાં તેઓ પૈસા કમાવવા માટે કોઈપણ પ્રકારનું સફાઈકામ ખુશી-ખુશી કરી લે છે અને તેને ‘ડિગ્નિટી ઓફ લેબર’ એટલે કે શ્રમનું ગૌરવ ગણાવે છે.

આ પણ વાંચોઃ દેશમાં દર 45 કલાકે એક સફાઈકર્મીનું ગટરમાં મોત થાય છે

પરંતુ, જેવા તેઓ ભારતમાં પગ મૂકે છે કે તુરંત જ તેમનામાં જાતિનું ગૌરવ અને મનુવાદી વર્ણવ્યવસ્થાનો અહંકાર જાગી ઊઠે છે. ભારતમાં આવતા જ તેઓ સવર્ણ બનીને દલિતોનું સામાજિક શોષણ કરવા મચી પડે છે અને સફાઈકામને દલિતોના શિરે થોપી દે છે. આવા બેવડા ધોરણો હવે સ્વીકાર્ય ન હોઈ શકે. જે કામ વિદેશમાં સ્વમાનભેર થઈ શકે છે, તે જ કામ ભારતમાં જાતિ સાથે જોડીને બીજા પર થોપવું એ માનસિક ગુલામી અને સામાજિક અન્યાય સિવાય કશું જ નથી.

મનુવાદી માનસિકતા અને વર્ણવ્યવસ્થા

આજે પણ જે લોકો મનુસ્મૃતિ આધારિત વર્ણવ્યવસ્થાનું અપ્રત્યક્ષ રીતે સમર્થન કરે છે અને દલિતોને ઉચ્ચ હોદ્દાઓ પર કે સમાન સ્તરે પહોંચતા જોઈ શકતા નથી, તેમણે પોતાના મનની અંદર ભરાયેલું જાતિવાદી મેલું સાફ કરવાની જરૂર છે. સફાઈકામ એ કોઈ જાતિગત કે જન્મસિદ્ધ ડ્યુટી નથી. જો સવર્ણોને પોતાના પર આ કામ કરવાની કલ્પના માત્રથી આટલો મોટો આઘાત લાગતો હોય અને ચચરાટ થતો હોય, તો તેમણે સદીઓથી આ અમાનવીય યાતના અને અપમાન સહન કરનાર દલિત સમાજની આદર, સમવેદના અને નમ્રતા સાથે માફી માગવી જોઈએ. સાચો સુધાર ત્યારે જ આવશે જ્યારે સવર્ણ સમાજ પોતાના આ બેવડા ધોરણો છોડીને દલિતોના બંધારણીય હક્કો, અનામત અને માનવ અધિકારોનો ખુલ્લા મનથી સ્વીકાર કરશે.

આ પણ વાંચોઃ દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x