દલિત યુવકને નગ્ન કરી માર માર્યો, બે દિવસ સુધી ફરિયાદ ન લીધી

દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઘરમાંથી બહાર ખેંચી નગ્ન કરી માર માર્યો. બચાવમાં પડેલી તેની માતા પર પણ હુમલો કર્યો. SP ના આદેશ બાદ 2દિવસ પછી FIR નોંધાઈ.
katni-dalit-youth-assaulted-naked-video-viral
katni-dalit-youth-assaulted-naked-video-viral

દલિત સમાજના યુવાનો પર અત્યાચારનો સિલસિલો જારી છે. એક દલિત યુવકથી ભૂલથી સ્કૂટર અડી જતા જાતિવાદી તત્વોએ તેને ઘરે જઈને નગ્ન કરી ઢોર માર માર્યો હતો. તેને બચાવવા પડેલી તેની માતાને પણ મારી. આ મામલે યુવક ફરિયાદ નોંધાવવા ગયો તો પણ પોલીસે બે દિવસ સુધી તેની ફરિયાદ નોંધી નહોતી.

મામલો મધ્યપ્રદેશના કટનીનો છે. અહીંના સ્લીમનાબાદના મટવારા સામાન્ય અકસ્માતના વિવાદમાં દલિત યુવક અરવિંદને અસામાજિક તત્વોએ રસ્તા પર ફટકાર્યા બાદ તેના ઘરમાં ઘૂસી, ઢસડીને નગ્ન કરી નિર્દયતાથી માર માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલી તેની માતા સાથે પણ અભદ્ર વર્તન કરી કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે શરૂઆતમાં આ ગુનો છુપાવવા અખાડા કર્યા હતા, પરંતુ SP કચેરી સુધી મામલો પહોંચતા 2 દિવસ બાદ અંતે BNS ની કલમો હેઠળ FIR નોંધાઈ છે.

મામૂલી અકસ્માતમાં દલિત યુવક પર હુમલો

ઘટનાની વિગત મુજબ, ગત 29 સપ્ટેમ્બરના રોજ પીડિત દલિત યુવક અરવિંદની સ્કૂટી સ્થાનિક બજારમાં એક વાહન સાથે મામૂલી રીતે અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માતના વિવાદમાં હુમલાખોરોએ પહેલા બજાર વચ્ચે અરવિંદ સાથે મારપીટ કરી હતી. ત્યાર બાદ આતંક મચાવતા આરોપીઓ અરવિંદના ઘરે પહોંચી ગયા હતા. તેઓ યુવકને ઘરની અંદરથી ઘસીને આંગણામાં ખેંચી લાવ્યા હતા અને તેના કપડાં ફાડી નાખી, નિર્વસ્ત્ર કરી લાત, મુક્કા અને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચોઃ દલિત હોસ્પિટલ સંચાલકને બ્રાહ્મણે નગ્ન કરી થૂંક ચાટવા મજબૂર કર્યો!

માતાના કપડાં ફાડ્યા, વસ્ત્રાહરણનો વીડિયો વાયરલ

જ્યારે અરવિંદની માતા તેને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓએ તેમની સાથે પણ માથાકૂટ અને મારપીટ કરી હતી. વૃદ્ધ માતાને જાહેરમાં અપમાનિત કરી તેમના પણ કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા.

સોમવાર રાત્રે આ ઘટનાનો કંપારી છૂટી જાય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભીડ દ્વારા દલિત યુવકને બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો છે અને ઘરની મહિલાઓ કરગરીને તેને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.

પોલીસે ફરિયાદ ન નોંધી, SP ના હસ્તક્ષેપથી FIR

બનાવ બાદ પીડિત પરિવાર લોહીલુહાણ હાલતમાં સ્લીમનાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરવાનો દાવો કરતી પોલીસે તાત્કાલિક FIR નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સ્થાનિક પોલીસના વલણથી નારાજ થઈને પીડિત પરિવારે 1 ઓક્ટોબરના રોજ કટનીના SP અભિનવ વિશ્વકર્મા સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. SP ની સૂચના બાદ અંતે સ્લીમનાબાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો 331(2), 296(B), 115(2), 351(3) અને 3(5) હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો કે, આશ્ચર્યજનક રીતે સમગ્ર મામલામાં એટ્રોસિટીની કલમ જોડવામાં આવી નહોતી.

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!

1 અઠવાડિયું વિત્યા છતાં આરોપીઓ મોજમાં!

ગુનો દાખલ થયાને 1 અઠવાડિયાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં પણ નામજોગ આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પીડિત દલિત પરિવારે આક્ષેપ કર્યો છે કે ખુલ્લેઆમ ફરી રહેલા આરોપીઓ તરફથી તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમનો પરિવાર ભયના ઓછાયા હેઠળ જીવવા મજબૂર બન્યો છે.

બીજી તરફ, સ્લીમનાબાદ પોલીસ સ્ટેશનના પ્રભારી વિજય વિશ્વકર્માએ દાવો કર્યો છે કે વાયરલ વિડિયો અને લેખિત ફરિયાદના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ તમામ નામજોગ આરોપીઓને જેલહવાલે કરવામાં આવશે.

દલિતોની સુરક્ષા સામે ફરી ઊભા થયા સવાલો

મધ્યપ્રદેશમાં દલિતો અને વંચિતો પર થતા દમનની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સામાન્ય બોલાચાલીમાં ઘરમાં ઘૂસીને નિર્વસ્ત્ર કરી માર મારવો અને મહિલાઓ પર અત્યાચાર ગુજારવો એ બાબત દર્શાવે છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ભય રહ્યો નથી. પીડિત પરિવારે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ દલિત યુવકને માથાભારે શખ્સે નગ્ન કરી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x