દલિત યુવકને સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખે ઢોર માર માર્યો!

દલિત યુવકને અરજી કરવાની અદાવતમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખે હુમલો કરી જાતિવાદી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી!
દલિત સમાચાર - AI Image

દલિત સમાજના યુવાનો જો થોડી પણ જાગૃતિ બતાવે તો જાતિવાદી તત્વો સત્તા પક્ષના જોરે લુખ્ખાઈ પર ઉતરી આવતા શરમાતા નથી. આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં ભાજપના એક નેતાએ એક દલિત યુવકને ઢોર માર માર્યો હતો.
હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે પંચાયત અને સરકારી તંત્રમાં કરાયેલી અરજીઓની અદાવત રાખીને સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ સહિત 3 શખ્સોએ એક દલિત યુવકને રસ્તામાં રોકીને ઢોર માર માર્યો હતો. પીડિતને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ગાંભોઈ પોલીસે એટ્રોસિટી એક્ટ (SC ST Act) અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અરજીઓની અદાવતમાં રસ્તામાં રોકીને માર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે રહેતા 42 વર્ષીય હરેશભાઈ નાનજીભાઈ વાલ્મીકિ 18 ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે 9.30 વાગ્યાના સમયે પોતાનું મોટરસાયકલ લઈને ગામમાંથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન ગામમાં આવેલા જૂના પશુ દવાખાના પાસે અગાઉથી જ મોકો જોઈને ઊભેલા ગામના જ સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ કમલેશ ચંદુભાઈ બારોટ, ભાવિક અંબાલાલ બારોટ અને સંજય અમરતસિંહ મકવાણાએ તેમને રસ્તા વચ્ચે જ આંતરીને ઊભા રાખી લીધા હતા.

જાતિવાદી અપશબ્દો કહીને ઢોર માર માર્યો

મોટરસાયકલ રોકતા જ આરોપી કમલેશ બારોટે ઉશ્કેરાઈને હરેશભાઈ સાથે તકરાર શરૂ કરી દીધી હતી. કમલેશ બારોટે ધમકાવતા કહ્યું હતું કે, “તું અમારા વિરુદ્ધમાં તંત્ર અને પંચાયતમાં કેમ અરજીઓ કરે છે?” તેમ કહીને જાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દો કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ ભાજપ ધારાસભ્યે તેની જ પાર્ટીના દલિત નેતાને ઢોર માર માર્યો!

મામલો વધુ બિચકતાં જ ત્રણેય શખ્સોએ હરેશભાઈ પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ભાવિક બારોટે ફરિયાદી હરેશભાઈનો હાથ પકડી રાખ્યો હતો, જેથી તેઓ પોતાનો બચાવ ન કરી શકે. ત્યારબાદ સંજય મકવાણા અને કમલેશ બારોટ સહિત ત્રણેય જણાએ ભેગા મળીને હરેશભાઈ સાથે ખેંચતાણ કરી ગડદાપાટુનો માર માર્યો હતો.

ડાબા હાથે અને ખભાના ભાગે ગંભીર ઈજા થઈ

આ અચાનક થયેલા ઘાતક હુમલામાં હરેશભાઈ વાલ્મીકિને ડાબા હાથના ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માર માર્યા બાદ પણ આરોપીઓનો ગુસ્સો શાંત થયો નહોતો. આરોપી કમલેશ બારોટે હરેશભાઈને જાહેરમાં ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત હરેશભાઈએ તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં પહોંચીને પ્રાથમિક સારવાર મેળવી હતી. તબીબી સારવાર લીધા બાદ અને ઘટનાના આઘાતમાંથી બહાર આવ્યા પછી, તેઓ હિંમત ભેગી કરીને ગાંભોઈ પોલીસ મથકે પહોંચ્યા હતા.

એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

હરેશભાઈ વાલ્મીકિએ 19 ઓક્ટોબરના રોજ મોડી સાંજે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાના પર થયેલા અત્યાચાર અને હુમલા અંગે આપવીતી વર્ણવી હતી. તેમની લેખિત ફરિયાદના આધારે ગાંભોઈ પોલીસે ભાજપ જિલ્લા ઉપપ્રમુખ કમલેશભાઈ ચંદુભાઈ બારોટ, ભાવિક અંબાલાલ બારોટ અને સંજય અમરતસિંહ મકવાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત ધારામાઓ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

સત્તાધારી પક્ષના જિલ્લા કક્ષાના હોદ્દેદાર સામે એટ્રોસિટીનો ગુનો નોંધાતાં જ સ્થાનિક રાજકારણમાં અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગાંભોઈ પોલીસે ગુનો નોંધીને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે અને આરોપીઓની અટકાયત માટે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x