ચંદુ મહેરિયા
દિલ્હીના જંતર-મંતર પર તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટેની પરીક્ષાના પેપર લીક થવાના વિરોધમાં શિક્ષણમાં સુધારાની માગ સાથે યુવા આક્રોશ જાગ્યો હતો. તેને શાંત કરવા કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરીને નંદન નિલેકણીના અધ્યક્ષસ્થાને છ સભ્યોના હાઈ-
પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. દેશની પરીક્ષા પ્રણાલીને વિશ્વસનીય, પારદર્શી, સંપૂર્ણ સુરક્ષિત અને લીકમુક્ત બનાવવા આ સમિતિ ભલામણો કરશે. ટાસ્ક ફોર્સ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મેડિકલ, એન્જિનિયરિંગ અને બીજી વિદ્યાશાખાઓની પ્રવેશ પરીક્ષાઓ તથા જાહેર પરીક્ષાઓમાં થતી ગડબડો કે અનિયમિતતાઓને રોકવા અને પરીક્ષાઓના સંચાલન તંત્રને મજબૂત બનાવવા વિચારણા કરશે.

વર્તમાન પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે તે માટે સમિતિએ લોકો પાસેથી સૂચનો પણ માગ્યા હતા. પરીક્ષા વ્યવસ્થાને વધુ સમાવેશી, ગોપનીય, ન્યાયસંગત, પારદર્શી અને ભવિષ્ય ઉન્મુખ બનાવવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા સમિતિ કાર્ય કરશે. વિદ્યાર્થીઓમાં રહેલા ટીકાત્મક અને રચનાત્મક વિચારોમાં વૃદ્ધિ થાય તથા તેમની જિજ્ઞાસા વિકસે તેવી શિક્ષણ અને પરીક્ષણ વ્યવસ્થા માટે નંદન નિલેકણી કમિટી રાષ્ટ્રીય વિમર્શ પણ યોજશે.
આ પણ વાંચો: મહિલાના શરીર પર માત્ર તેનો જ હક કેમ નહીં?
મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ નીટ (NEET) માં ૨૨ લાખ અને એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ જેઈઈ (JEE) માં ૧૬ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. કેન્દ્ર અને રાજ્યોના સરકારી નોકરીઓ માટેના પબ્લિક સર્વિસ કમિશનોની પરીક્ષાઓમાં પણ હજારો વિદ્યાર્થીઓ ઉમેદવાર હોય છે. હવે જો આ બધી પરીક્ષાઓના પેપર લીક થાય તો તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર માઠી અસર પડે છે. એટલે પરીક્ષાઓના પેપર્સ ફૂટવાના કારણો શોધી તમામ પરીક્ષાઓ કઈ રીતે લીકમુક્ત, પવિત્ર અને વિશ્વસનીય બને તે માટે સરકાર અને સમાજ બંનેએ પ્રયત્નો કરવાના છે.
ઈજનેરી વિદ્યાશાખાઓની પ્રવેશ પરીક્ષાઓ ઓનલાઈન કે કમ્પ્યુટર બેઝ્ડ હોય છે. તે જ રીતે મેડિકલની પ્રવેશ પરીક્ષા કેમ ઓનલાઈન નથી લેવાતી તેવો સવાલ છે. પરીક્ષા પદ્ધતિમાં સૌથી પહેલો અને મહત્વનો સુધારો તો એન્જિનિયરિંગની જેમ મેડિકલની પ્રવેશ પરીક્ષા પણ ઓનલાઈન કે કમ્પ્યુટર બેઝ્ડ હોવી જોઈએ. તેના કારણે તેમાં માનવ હસ્તક્ષેપનું પ્રમાણ ઘટશે, જેથી પેપર લીક કે ગડબડોની શક્યતાઓ ખૂબ જ ઓછી થશે.

નીટની એક્ઝામ વર્ષમાં એક જ વખત લેવામાં આવે છે. ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના થાક અને ભારમાંથી વિદ્યાર્થી જરાય મુક્ત થયો ન હોય ત્યાં જ તેના માથે નીટની પરીક્ષાનો બોજ આવી ગયો હોય છે. દક્ષિણ ભારતના રાજ્યો લાંબા સમયથી નીટની એક્ઝામ રદ કરવાની માગણી કરી રહ્યા છે. અગાઉની જેમ બારમા ધોરણના મેરિટના આધારે પ્રવેશ આપવો જોઈએ, જેથી વિદ્યાર્થી, વાલી અને પરીક્ષા તંત્ર વધુ એક પરીક્ષાથી બચી શકે.
આ પણ વાંચો: તમે જે પેકેઝ્ડ ફૂડ ખાઓ છો તે કેટલું સુરક્ષિત છે?
જો એમ ન થઈ શકે તો નીટની પરીક્ષા વર્ષમાં એક કરતાં વધુ વખત લેવી જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું છે. જો દક્ષિણ ભારતનું દબાણ વધે તો કદાચ નીટ નાબૂદીની દિશામાં સરકારે વિચારવું પડે. નીટની પરીક્ષા એક કરતાં વધુ વખત લેવામાં જોખમ એ છે કે આપણું પરીક્ષા તંત્ર વર્ષમાં એક વખત પણ સરખી રીતે નીટની પરીક્ષા લઈ શકતું નથી, તો તે બે કે ચાર વખત લેવા જેટલું સક્ષમ છે તેમ માની શકાતું નથી. વળી, તેના કારણે પ્રવેશની પ્રક્રિયા લગભગ આખું વર્ષ ચાલુ રહે. પહેલી નીટથી ચોથી નીટ સુધીમાં કેટલી બેઠકો માટે પરીક્ષા છે તે સ્પષ્ટ કરી શકાય નહીં. તેથી એકથી વધુ નીટ એક્ઝામનું સૂચન વ્યવહારુ પણ નથી અને અમલ થઈ શકે તેમ પણ નથી.
શું આપણું સરકારી તંત્ર કશું જ ગોપનીય રાખી શકે તેમ છે જ નહીં? જો એમ હોય તો જ પરીક્ષાઓના પેપર્સ ફૂટે છે. જો તંત્ર ગોપનીય રાખી શકે તેમ હોય તો પેપર્સ ફૂટવા અશક્ય છે. કેન્દ્ર અને રાજ્યોના બજેટ દર વર્ષે તૈયાર થાય છે અને આઝાદીના ૭૫ વર્ષોમાં તે ફૂટ્યા હોવાની ફરિયાદો ભાગ્યે જ સાચી સાબિત થઈ છે. જે તંત્ર બજેટ લીકને રોકી શકતું હોય તે પેપર્સ લીકને પણ રોકી જ શકે. પેપર્સ લીકમાંથી મુક્તિનું ઉદાહરણ નજર સામે જ છે. એટલે પરીક્ષાઓના પેપર્સ ફૂટતા રોકવા માટે બજેટ જેવી જ ચુસ્ત વ્યવસ્થા વિચારવામાં આવે તો તે લીક થવાની શક્યતા ઘટી જાય છે.
હાલની પરીક્ષા પદ્ધતિમાં જે ગડબડો જોવા મળે છે અને તેના કારણે સમગ્ર રાષ્ટ્ર શરમમાં મુકાય છે, તેનું કારણ પરીક્ષા પ્રબંધન જેટલું જ પૂંજી (મૂડી)માં રહેલું છે. અમીરો પોતાના સંતાનોને ખાસ કશી મહેનત વિના ડોક્ટર બનાવવા માગે છે, તેથી તેઓ પૈસાના જોરે પેપરો ફોડે છે અને પોતાના સંતાનો માટે મેડિકલમાં પ્રવેશનો માર્ગ મોકળો કરે છે. કહેવાય છે કે ૧૯૯૦માં જે નવી અર્થનીતિ અમલી બની અને આર્થિક ઉદારીકરણ આવ્યું, તેણે ખાનગી ક્ષેત્રો માટે બધા જ દરવાજા ખુલ્લા મૂક્યા છે.
આ પણ વાંચો: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?
શિક્ષણના ખાનગીકરણને કારણે પૈસાદારોના સંતાનો ખાનગી મેડિકલ કોલેજોમાં અઢળક રૂપિયા ખર્ચીને પ્રવેશ મેળવે છે. તેમાં નીટ અવરોધરૂપ છે, એટલે તેઓ નીટના પેપર ફૂટે અને તેમના બાળકો ખાસ મહેનત કે આવડત વિના સામાન્ય તેજસ્વિતા છતાં ડોક્ટર બની જાય તે માટે પેપર લીકના માર્ગો અપનાવે છે. તેથી પરીક્ષા તંત્રને ચુસ્ત-દુરસ્ત કરવાની જરૂર છે.
પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયાર કરવા, તેના એકથી વધુ સેટ પરથી ફાઈનલ પ્રશ્નપત્ર બનાવવું, તેની છપામણી અને તેને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવા જેવા તબક્કા હોય છે. આ બધા જ તબક્કાઓમાં સંપૂર્ણ ઈમાનદાર માણસો અને એકદમ ચુસ્ત વ્યવસ્થા જ હોય તેમ માની શકાતું નથી. વળી, પૈસાના બળે તો ગમે તે ખરીદી શકાય છે, તો પરીક્ષાના પેપર્સ ખરીદવા થોડા અઘરા છે?
આ પણ વાંચો: ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો
આ દ્રષ્ટિએ વિચારતાં અમીરો પરીક્ષા વ્યવસ્થાની કોઈ પણ નબળી કડીનો લાભ લે છે અથવા તો નાણાં ખર્ચીને ગમે તેવી મજબૂત વ્યવસ્થાને પણ નબળી કરે છે. એટલે પરીક્ષાના પ્રબંધનની સાથે જ અતિ સક્રિય મૂડીની ભૂમિકાને અવગણી શકાય નહીં. વળી, બધા જ સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ ઈમાનદાર હોતા નથી, તેથી નબળી કડીનો લાભ લઈને પેપર લીક કરી શકાય છે.
અગાઉ ઈસરો (ISRO) ના પૂર્વ ચેરપર્સન ડૉ. કે. રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને સરકારે આ જ હેતુસર સમિતિની રચના કરી હતી. રાધાકૃષ્ણનની સમિતિએ ૨૦૨૪માં પરીક્ષા પ્રણાલી અને શિક્ષણ સુધારણા માટે ૧૦૧ ભલામણો સાથેનો અહેવાલ સરકારને આપ્યો હતો. પરંતુ તેમાંથી અડધોઅડધ ભલામણો સરકારે લાગુ જ કરી નથી. એટલે નિલેકણી કમિટીની રચના વર્તમાન આક્રોશને શાંત કરવા પૂરતી જ સરકારે કરી હશે, તો તેના હાલ પણ તેની પુરોગામી કમિટી જેવા થઈ શકે છે અને પરીક્ષા પ્રણાલીના દૂષણો ચાલુ જ રહી શકે છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)
આ પણ વાંચો: જેણે ચોમાસા બે જોડી ભીનાં કપડાંમાં કાઢ્યાં હોય તેને પલળવું કેમ ગમે?











