સુરતની યુટ્યુબર ક્રિષ્ના રાખોલિયાનો બફાટઃ ‘સફાઈ ફ્રીમાં નથી કરતા’

સુરતની યુટ્યુબર ક્રિષ્ના રાખોલિયાના અનામતના મુદ્દે દલિત સમાજને નિશાન બનાવતી નિવેદનથી દલિતોમાં ભારે રોષ, પોલીસ ફરિયાદની માગ ઉઠી.
સુરતની યુટ્યુબર ક્રિષ્ના રાખોલિયાનો બફાટઃ 'સફાઈ ફ્રીમાં નથી કરતા'

સુરતની ક્રિષ્ના રાખોલિયા(krishna-rakholiya) નામની કથિત યુટ્યુબરના એક વીડિયોને લઈને હાલ સમગ્ર ગુજરાતના દલિતોમાં ભારે રોષ ફેલાયેલો છે. વીડિયોમાં તેણે અનામત અને સફાઈ કામદારોના મુદ્દે કરેલા અપમાનજનક નિવેદનને લઈને દલિત સમાજ રોષે ભરાયો છે. ક્રિષ્નાએ વીડિયોમાં ‘સાફ-સફાઈ કરો છો તો ફ્રીમાં નથી કરતા’ અને ‘અનામત લઈને પૈસાવાળો બનેલો સમાજ છો’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ મામલે જૂનાગઢના અનુસૂચિત જાતિના આગેવાનો અને સફાઈ કામદારોએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરીને ગુનો નોંધવાની માગ કરી છે.

મામલો શું છે

આ આખો મામલો સુરતમાં માતાવાડી સોસાયટીમાં લુહાર સમાજની એક વ્યક્તિનું મકાન વાલ્મિકી સમાજને ભાડે આપવા માટે પટેલો દ્વારા વિરોધ નોંધાવવા બાબતે ઉભો થયો હતો. આ મામલે સુરતની યુટ્યુબર ક્રિષ્ના રાખોલિયાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે આ મુદ્દે દલિત સમાજ અને તેને મળતી અનામત વગેરેનો ઉલ્લેખ કરીને વાંધાજનક નિવેદનો કર્યા હતા. જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો.

વીડિયોમાં એક ફેસબુક પોસ્ટ અને તેના પર આવેલી કમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેના જણાવ્યા પ્રમાણે, માતાવાડી સોસાયટીમાં એક લુહારનું મકાન વાલ્મિકી સમાજની એક મહિલા કે દીકરીને ભાડે આપવામાં આવ્યું હતું. આ બાબતે આસપાસ રહેતા પટેલોએ વિરોધ કરીને મકાન ખાલી કરાવવાની વાત કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પોસ્ટ પર આવેલી કમેન્ટમાં પટેલ લોકોને સફાઈ કામ માટે જવાનું બંધ કરવાની વાત કહેવામાં આવી હતી. આ કમેન્ટના જવાબમાં ક્રિષ્નાએ વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, “સફાઈ કામદારો કામ કરવા આવે છે તો મફતમાં નથી આવતા. સમાજ પાસે સમય ન હોવાથી પૈસા આપીને સફાઈનું કામ કરાવવામાં આવે છે.”

ક્રિષ્નાનો મૂરખ જેવો બફાટઃ ‘આ અનામત લઈને બેઠેલો સમાજ નથી’

વીડિયોમાં ક્રિષ્નાએ કહ્યું હતું કે, ‘તમે સાફ-સફાઈ કરવા આવો તો ફ્રીમાં નથી આવતા. સમાજ પાસે એવો ટાઈમ નથી એટલે પૈસા આપીને કામ કરાવી રહ્યો છે. કારણ કે આ સતત રળવા વાળો સમાજ છે, અહીંયા અનામત લઈને બેઠેલો સમાજ નથી આ? પોતાની જાત-મહેનતથી અહીંયા પહોંચેલો આ સમાજ છે.’

આગળ તેમણે કહ્યું હતું કે, કોઈ બેન-દીકરીથી ભૂલથી કોઈ શબ્દ બોલાઈ ગયો હોય અને તેનો મોટો મુદ્દો બનાવીને એટ્રોસિટી કરવામાં આવતી હોય તો પછી તેમની સાથે શા માટે રહેવું?

આ પણ વાંચોઃ GPSC કે  પટેલ સેવા આયોગ ? હસમુખ પટેલે ફરી SC-OBCના હકો છીનવ્યા?

‘અલગથી સોસાયટી બનાવો અને અમને ના દેતા’

ક્રિષ્ના રાખોલિયાએ વીડિયોમાં વધુમાં કહ્યું હતું કે, ‘બહુ ભણેલા-ગણેલા અને સધ્ધર અનામત લઈને પૈસાવાળા બનેલો સમાજ છો, તો તમારી સોસાયટીઓ કરો ને અલગથી! અલગથી સોસાયટી પાડો અને પછી અમને ના દેતા.’

તેના આ નિવેદનને લઈને સમગ્ર દલિત સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. દલિત આગેવાનોનો આક્ષેપ છે કે, વીડિયોમાં માત્ર કોઈ વ્યક્તિને નહીં, પરંતુ સમગ્ર દલિત સમાજને નિશાન બનાવીને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

‘આખા દલિત સમાજને હડધૂત કર્યો’

આ મામલે બહુજન વિકાસ ફોર્સના અધ્યક્ષ નિખિલ ચૌહાણ સહિતના આગેવાનો જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે ક્રિષ્ના રાખોલિયા સામે ગુનો નોંધવાની માગ સાથે લેખિત રજૂઆત કરી હતી.

નિખિલ ચૌહાણે જણાવ્યું હતું કે, ક્રિષ્ના રાખોલિયા નામની યુટ્યુબર દ્વારા જાહેરમાં દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એક વ્યક્તિએ આખા દલિત સમાજને હડધૂત કર્યો છે. વીડિયો સ્વરૂપે પુરાવા હોવા છતાં પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ મહેસાણામાં 5 પટેલોએ દલિત યુવકની ચામડી ઉતરડી નાખી!

SC-ST એક્ટ હેઠળ કાર્યવાહીની માગ

આગેવાનોએ પોલીસને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, વાલ્મિકી સમાજ અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધ અભદ્ર અને કથિત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં ભારતીય બંધારણની વિવિધ જોગવાઈઓ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-1989ની કલમ 3(1)(યુ) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

નિખિલ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, જો પોલીસ ફરિયાદ નહીં નોંધે અને યોગ્ય કાર્યવાહી નહીં કરે તો સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે જીવનું જોખમ ખેડીને પણ ગુનો દાખલ કરાવીને જ પરત ફરીશું તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

સમગ્ર વિવાદ અંગે જૂનાગઢના DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર બાબતની સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ આગળની કામગીરી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ક્રિષ્ના રાખોલિયાના ઇન્સ્ટાગ્રામ પર 3.88 લાખ ફોલોઅર્સ છે, જ્યારે યુટ્યુબ પર 2.54 લાખ સબસ્ક્રાઇબર્સ છે. હાલ આ મામલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને ક્રિષ્ના રાખોલિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અરવલ્લીના ભેંસાવાડામાં 6 પટેલોએ દલિત યુવક પર હુમલો કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x