મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક હોટલના વેસ્ટેજ ચેમ્બરની સફાઈ દરમિયાન થયેલા અકસ્માતમાં 4 મજૂરોએ જીવ ગુમાવ્યા છે. શનિવાર, 1 નવેમ્બરની મોડી રાત્રે ઉજ્જૈમ-દેવાસ રોડ પર આવેલી શ્રી ગંગા હોટલમાં કચરાની ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા મજૂરો કથિત રીતે ઝેરી ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તેમને બહાર કાઢીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,
પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, તેમને બચાવવા માટે ચેમ્બરમાં ઉતરેલા 3 લોકોની પણ તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ હોટલમાં સફાઈ માટે મજૂરોને જરૂરી સુરક્ષા સાધનો વિના જોખમી ચેમ્બરમાં ઉતારવામાં આવ્યા હતા કે કેમ તે અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ અને વહીવટીતંત્રે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

કચરાના ચેમ્બરમાં ફસાયા મજૂરો
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રી ગંગા હોટલના પાછળના ભાગમાં રસોડામાંથી નીકળતો કચરો એકત્ર કરવા માટે વેસ્ટેજ ચેમ્બર બનાવવામાં આવ્યો છે. તેમાં બચેલી મીઠાઈઓ, દૂધની બનાવટો, પાણી, ખાંડની ચાસણી, ઘી અને તેલ જેવી વસ્તુઓનો કચરો જમા થતો હતો. આ કચરો પછી નાળાના રસ્તે બહાર કાઢવામાં આવતો હતો.
આ પણ વાંચો: દલિતોના સ્મશાનમાં પાણી ભરાતા મૃતદેહ સાણંદ લઈ જવો પડ્યો!
ચેમ્બરમાં કચરો વધુ જમા થઈ જવાથી અને બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જવાથી તેની સફાઈ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કામ માટે મજૂરો ચેમ્બરમાં ઉતર્યા હતા. જોકે, અંદર ઝેરી ગેસ હોવાની આશંકા છે. તેના કારણે મજૂરોની હાલત ગંભીર બની હતી અને તેઓ ચેમ્બરમાં જ ફસાઈ ગયા હતા.
એક પછી એક 4 લોકો ચેમ્બરમાં ઉતર્યા
ઉજ્જૈમના જિલ્લા કલેક્ટર રોશન કુમાર સિંહે જણાવ્યું હતું કે શરૂઆતમાં 2 લોકો સફાઈ માટે ચેમ્બરની અંદર ઉતર્યા હતા. લાંબા સમય સુધી તેઓ બહાર ન આવતાં તેમને બચાવવા માટે અન્ય 2 લોકો પણ ચેમ્બરમાં ઉતર્યા હતા. જોકે, ચેમ્બરમાં રહેલી ગેસની અસર એટલી ગંભીર હતી કે અંદર ગયેલા લોકોની થોડી જ વારમાં તબિયત બગડવા લાગી હતી.

મજૂરોને બહાર કાઢ્યા બાદ પોલીસકર્મીઓએ તેમને CPR આપીને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા અને 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. બચાવ કામગીરી માટે ચેમ્બરમાં ઉતરેલા અન્ય 3 લોકો પણ ગેસની અસરથી બીમાર પડ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હોર્ન વગાડવા બાબતે બે દલિત દીકરીઓ પર હુમલો
પોલીસને ઝેરી ગેસની આશંકા, તપાસ શરૂ
ઉજ્જૈમના પોલીસ અધિક્ષક પ્રદીપ શર્માએ આશંકા વ્યક્ત કરી હતી કે ચેમ્બરમાં રહેલી ઝેરી ગેસની અસરથી મજૂરો બેભાન થઈને પડી ગયા હશે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
હોટલ મેનેજમેન્ટે મજૂરોને જરૂરી સુરક્ષા સાધનો વિના વેસ્ટેજ ચેમ્બરમાં સફાઈ માટે ઉતાર્યા હતા કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. જો આ ઘટનામાં કોઈની બેદરકારી સામે આવશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
દિવાળીના વધારાના કામે કમલેશનો જીવ લીધો
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર કમલેશ તાંબોલી ઉજ્જૈનનો રહેવાસી હતો. તેના પરિવાર માટે દિવાળીનો સમય વધારાની આવક મેળવવાની તક લઈને આવતો હતો. તહેવાર દરમિયાન તેને વધારાનું કામ મળતું હતું, જેના કારણે ઘરના ખર્ચમાં મદદ મળતી હતી. કમલેશ પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતો.
કમલેશના ભાઈ વિજેન્દ્રએ જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન મળતા વધારાના કામથી તેને થોડા વધારાના પૈસા મળી રહેતા હતા. કમલેશના લગ્નને 5 વર્ષ થયાં હતાં. તે પોતાની પાછળ પત્ની અને 4 વર્ષની દીકરીને છોડી ગયો છે. પરિવાર માટે કમલેશનું મોત મોટો આઘાત બનીને આવ્યું છે.
આ પણ વાંચો: અદાણીનો ધારાવી પ્રોજેક્ટ: હજારો વિસ્થાપિતો સાથે મોટો દગો?
હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વાહિદનું પણ મોત
અકસમાતમાં વાહિદ ખાન નામના વ્યક્તિનું પણ મોત થયું છે. વાહિદ એક હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા હતા. તેમને દર મહિને આશરે 12,000 રૂપિયા પગાર મળતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ હોસ્પિટલની ડ્યૂટી પૂરી થયા બાદ હોટલમાં પણ વધારાનું કામ કરતા હતા.
सफाई करने उतरे थे चैंबर में, लेकिन जहरीली गैस ने छीन ली 4 जिंदगियां!
मध्य प्रदेश के उज्जैन में देवास रोड स्थित होटल श्री गंगा में शनिवार रात बड़ा हादसा हो गया। अंडरग्राउंड वेस्ट चैंबर की सफाई के दौरान जहरीली गैस की चपेट में आने से 4 कर्मचारियों की मौत हो गई। उन्हें बचाने उतरे 2 अन्य लोग भी बीमार हो गए, जिन्हें अस्पताल में भर्ती कराया गया है।
#Ujjain #MadhyaPradesh #BreakingNews #HotelAccident #ToxicGas
— PRIYA RANA (@priyarana3101) November 1, 2026
આ અકસ્માતમાં રાજસ્થાનના મનોજ મીણાનું પણ મોત થયું છે. મનોજ હોટલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. તેઓ 29 ઓક્ટોબરે પોતાના પરિવારને મળવા ઝાલાવાડ જિલ્લામાં ગયા હતા અને 30 ઓક્ટોબરે ઉજ્જૈમ પરત ફર્યા હતા. તેના બીજા જ દિવસે આ દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. મનોજના પિતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો છેલ્લા 3 વર્ષથી હોટલમાં કામ કરતો હતો. તે ભાઈઓમાં સૌથી મોટો હતો. પરિવારને અંદાજ પણ નહોતો કે ઘરેથી કામ પર ગયેલો મનોજ હવે ક્યારેય પાછો નહીં ફરે.
મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય
આ દુર્ઘટના અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારે અકસ્માતમાં જીવ ગુમાવનારા ચારેય મજૂરોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. હાલ પોલીસ હોટલ મેનેજમેન્ટની ભૂમિકા, ચેમ્બરમાં ગેસની હાજરી અને સફાઈ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. તપાસમાં બેદરકારી કે અન્ય કોઈ જવાબદારી સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: ‘દૈનિક જાગરણ’ અને RSS ની વિચારધારા એક છેઃ સંજય ગુપ્તા











