થાનગઢમાં ‘સામે કેમ જુએ છે?’ કહી દલિત યુવક પર હુમલો

થાનગઢમાં રસ્તામાં નજર મળવા જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ દલિત યુવક પર બે ભાઈઓએ હુમલો કર્યો. એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો.
દલિત સમાચાર

સુરેન્દ્રનગરના થાનગઢમાં દલિત યુવક પર વાહન ચલાવતી વખતે સામસામે નજર મળવા જેવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં બે ભાઈઓએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, યુવકને જાતિ અંગે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેના ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આરોપી બંને ભાઈઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), એટ્રોસિટી એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

જોગ આશ્રમ પાસે નજર મળતાં બોલાચાલી

ફરિયાદ મુજબ, થાનગઢના આંબેડકરનગર-2માં રહેતા 31 વર્ષીય અમિત ચાવડા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ છોટા હાથી વાહન નંબર GJ-13-AX-3007 લઈને સર્વોદય સોસાયટી તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ગઈકાલે બપોરે જોગ આશ્રમ પાસે આવેલા વળાંક પર સામેથી એક સફેદ રંગની ક્રેટા કાર આવી રહી હતી. આ કારનો નંબર GJ-13-CF-8918 હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. કારચાલક અને અમિત ચાવડા વચ્ચે નજર મળવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કારચાલક ભરત બોરીચા પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતા અને ‘કેમ સામું જોવે છે?’ તેમ કહી અમિતભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

સેફ્ટી ટ્રાયએંગલથી યુવકના ખભા પર ઘા માર્યા

અમિત ચાવડાની ફરિયાદ પ્રમાણે, ભરત બોરીચાએ તેમના મોઢા પર મુક્કા માર્યા હતા. ત્યારબાદ કારમાંથી સેફ્ટી વોર્નિંગ ટ્રાયએંગલ કાઢીને તેમના જમણા ખભા પર 4થી 5 ઘા માર્યા હતા. આ દરમિયાન તેમને જાતિ અંગે અપમાનજનક શબ્દો પણ કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આટલેથી મામલો અટક્યો નહોતો. ભરત બોરીચાએ પોતાના સગા ભાઈ હરેશ બોરીચાને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. હરેશ બોરીચા ત્યાં પહોંચ્યા બાદ તેમણે લોખંડના સળિયા વડે અમિત ચાવડા પર હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચોઃ થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

લોખંડના સળિયાથી હુમલો, ડાબા હાથમાં ગંભીર ઈજા

ફરિયાદ મુજબ, હરેશ બોરીચાએ લોખંડના સળિયા વડે અમિત ચાવડાના ડાબા પગ, ડાબા હાથ અને પીઠના ભાગે ઘા માર્યા હતા. આ હુમલામાં અમિતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાસ કરીને તેમના ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાનું જણાવાયું છે.
આ દરમિયાન બંને ભાઈઓએ પોલીસ ફરિયાદ કરશે તો જીવતા નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં 112 નંબરની પોલીસ ટીમ અને અમિત ચાવડાના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

થાનગઢથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

હુમલામાં ઈજાગ્રસ્ત અમિત ચાવડાને તાત્કાલિક સારવાર માટે થાનગઢની સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો. આ બનાવ અંગે અમિત ચાવડાની ફરિયાદના આધારે પોલીસે ભરત બોરીચા અને હરેશ બોરીચા સામે ગુનો નોંધ્યો છે. બંને સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 117(2), 352, 351(3) અને 54 ઉપરાંત એટ્રોસિટી એક્ટ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા જાતિ અપમાન, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપોની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ થાનગઢ ફાયરિંગના પિડીત પિતાએ ન્યાય ન મળતા આપઘાત કર્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x