સુરેન્દ્રનગરના પઢારોની ઓળખ ‘મંજીરા નૃત્ય’ લુપ્ત થવાના આરે!

સુરેન્દ્રનગરના આદિવાસી અને પઢાર સમાજની ઓળખ સમાન મંજીરા નૃત્ય લુપ્ત થઈ રહ્યું છે. માત્ર 2 મંડળીઓ આ અનોખી લોકકળાને જીવંત રાખવા ઝઝૂમી રહી છે.
surendranagar-padhar-tribal-manjira-dance-dying-art

સુરેન્દ્રનગરના નળકાંઠાના આદિવાસી અને પઢાર સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ સમાન મંજીરા નૃત્ય આજે લુપ્ત થવાના આરે છે. એક સમયે સમાજના ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શોભા ગણાતી આ પરંપરાગત લોકકળાને હવે નવી પેઢીમાંથી પૂરતા કલાકારો મળી રહ્યા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠા વિસ્તારનાં રાણાગઢ, રળોલ, નાની કઠેચી, મોટી કઠેચી અને ગળથલ સહિતનાં ગામોમાં વસતા પઢાર અને આદિવાસી સમાજના કલાકારો આ કળાને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, સમગ્ર જિલ્લામાં આ નૃત્યની પરંપરાને જીવંત રાખતી માત્ર 2 જેટલી મંડળીઓ જ સક્રિય હોવાનું સામે આવ્યું છે.

એક તરફ આ કળાના કલાકારોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સન્માન તથા એવોર્ડ મળી ચૂક્યા છે, તો બીજી તરફ આર્થિક ઉપાર્જનની પૂરતી તકો ન હોવાથી યુવા પેઢી આ પરંપરાથી દૂર થઈ રહી છે. પરિણામે પેઢી દર પેઢી ચાલી આવતી આ લોકકળાનું ભવિષ્ય ચિંતાનો વિષય બન્યું છે.

શું છે મંજીરા નૃત્ય?

મંજીરા નૃત્ય સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠાના પઢાર અને આદિવાસી સમાજની પરંપરાગત સાંસ્કૃતિક ઓળખ છે. આ નૃત્યમાં કલાકારો તાલબદ્ધ રીતે મંજીરા અને ઝાંઝર વગાડીને નૃત્યની રજૂઆત કરે છે. તેની સાથે તબલાં, શરણાઈ અને અન્ય વાદ્યસાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સંગીતના તાલ, કલાકારોની લયબદ્ધ હિલચાલ અને સમૂહમાં થતી રજૂઆત આ નૃત્યને વિશિષ્ટ બનાવે છે.

આ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ સમાજની પરંપરા, સંસ્કૃતિ અને સામૂહિક ઓળખ સાથે જોડાયેલી કળા છે. વર્ષોથી આદિવાસી અને પઢાર સમાજના લોકો વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગોએ આ નૃત્ય રજૂ કરતા આવ્યા છે. જોકે, બદલાતા સમયની સાથે આ કળાની રજૂઆત અને તેને શીખનારા લોકોની સંખ્યામાં ઘટાડો થતો હોવાની ચિંતા કલાકારો વ્યક્ત કરી રહ્યા છે.

8 ગામોમાં માત્ર 2 મંડળીઓ, નવી પેઢીનો રસ ઘટ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં પઢાર અને આદિવાસી સમાજની વસ્તી ધરાવતાં આશરે 8 ગામોમાં આ નૃત્યની પરંપરા જોવા મળે છે. રાણાગઢ, રળોલ, નાની કઠેચી, મોટી કઠેચી અને ગળથલ સહિતનાં ગામોમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. જિલ્લામાં આદિવાસી સમાજની વસ્તી અંદાજે 2.30 લાખથી વધુ હોવાનું જણાવવામાં આવે છે.

surendranagar-padhar-tribal-manjira-dance-dying-art

આટલી મોટી વસ્તી અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો હોવા છતાં મંજીરા નૃત્યમાં નિપુણતા ધરાવતી મંડળીઓની સંખ્યા માત્ર 2 જેટલી છે. આ મંડળીઓના કલાકારો માત્ર પોતાની કળા રજૂ કરતા નથી, પરંતુ નવી પેઢીને પણ તેની તાલીમ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મંડળીઓ દ્વારા સાંજના સમયે બાળકો અને યુવાનોને મંજીરા નૃત્ય શીખવવામાં આવે છે. રાણાગઢ, નાની કઠેચી, મોટી કઠેચી, ગળથલ અને રળોલ સહિતનાં ગામોના યુવાનોને આ પરંપરા સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, યુવાનોમાં આ કળા શીખવા માટે પૂરતો ઉત્સાહ જોવા મળતો નથી.

‘કળાને પ્રોત્સાહન મળે તે જરૂરી છે’

મંજીરા નૃત્યના યુવા કલાકારોએ જણાવ્યું હતું કે, આ કળાને ટકાવી રાખવા માટે તેને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે. હાલમાં સરકારી કાર્યક્રમો અને આદિવાસી સમાજના વિવિધ કાર્યક્રમોમાં રજૂઆત કરવાની તક મળે છે. સરકારની કેટલીક યોજનાઓનો લાભ પણ મળે છે, પરંતુ આ કળાના માધ્યમથી નિયમિત આર્થિક ઉપાર્જનની પૂરતી તકો ઉપલબ્ધ નથી. માત્ર સરકારી કાર્યક્રમો પૂરતા આ કલાકારોને મર્યાદિત ન રાખવા જોઈએ. ખાનગી કાર્યક્રમો, સામાજિક પ્રસંગો અને અન્ય સાંસ્કૃતિક આયોજનોમાં પણ મંજીરા નૃત્યને સ્થાન મળવું જોઈએ. જો કલાકારોને યોગ્ય મહેનતાણું અને રજૂઆતની વધુ તકો મળે તો યુવા પેઢી પણ આ કળા તરફ આકર્ષાઈ શકે છે.

રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા, છતાં કલાકારોની આર્થિક મુશ્કેલી

મંજીરા નૃત્યના જાણકાર એક કલાકારે જણાવ્યું હતું કે, આ નૃત્યમાં મંજીરા, ઝાંઝર અને તબલાં સહિતનાં વાદ્યસાધનોનો ઉપયોગ થાય છે. આ કળા રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે અને કલાકારોને સન્માન પણ મળ્યું છે. તેમ છતાં નવી પેઢી આ કળા શીખવા માટે આગળ આવતી નથી.

તેમના જણાવ્યા મુજબ, તેનું મુખ્ય કારણ આર્થિક છે. કલાકારોને પોતાની કળા રજૂ કરવા બદલ યોગ્ય મહેનતાણું અને રોજગારીની તકો મળતી નથી. પરિણામે યુવાનો અન્ય ક્ષેત્રોમાં રોજગારી મેળવવાનું પસંદ કરે છે. તેમણે સરકાર અને સંબંધિત સંસ્થાઓને આ કળાના સંરક્ષણ માટે વધુ ધ્યાન આપવા અપીલ કરી છે.

બિરસા મુંડાની જન્મજયંતીએ કળાને જીવંત રાખવાનો સંકલ્પ

બિરસા મુંડાની 151મી જન્મજયંતીના અવસરે આદિવાસી કલાકારોએ પોતાની પરંપરાગત મંજીરા નૃત્યની કળાને યાદ કરી છે. આ પ્રસંગે કલાકારોની આશા છે કે સરકાર આ કળાને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરતી સીમિત ન રાખે, પરંતુ તેના સંરક્ષણ અને કલાકારોના આર્થિક સશક્તિકરણ માટે પણ પ્રયાસ કરે.

હાલમાં બે મંડળીઓના કલાકારો પોતાની મહેનતથી આ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ માત્ર કલાકારોના વ્યક્તિગત પ્રયાસોથી આ પરંપરા લાંબા સમય સુધી ટકી રહે તે મુશ્કેલ છે. નવી પેઢીને તાલીમ, નિયમિત મંચ, યોગ્ય મહેનતાણું અને સરકારી પ્રોત્સાહન મળે તો મંજીરા નૃત્યને ફરીથી નવી ઓળખ મળી શકે છે.

પઢાર અને આદિવાસી સમાજની આ અનોખી લોકકળા માત્ર એક નૃત્ય નથી, પરંતુ પેઢીઓથી સચવાયેલો સાંસ્કૃતિક વારસો છે. હવે સવાલ એ છે કે આ વારસાને બચાવવા માટે સંસ્થાઓ અને સરકાર સમયસર કેટલા અસરકારક પગલાં ભરે છે.

આ પણ વાંચોઃ ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?

આ પણ વાંચોઃ લીંબડીના 8 ગામમાં બિરસા મુંડા જયંતિએ આદિવાસીઓ જ ગાયબ!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x