જય વસાવડાની ડૉ.આંબેડકર પરની વિવાદાસ્પદ કોમેન્ટથી હોબાળો

જય વસાવડાની આંબેડકર અંગેની કોમેન્ટ 'અલગ દલિત દેશ લેવો હતો એમને!' થી દલિત સમાજમાં રોષ, બૌદ્ધિકોએ જાહેર ચર્ચાનો પડકાર ફેંક્યો.
jay-vasavada-ambedkar-controversial-comment

ગુજરાતના જાણીતા લેખક અને વક્તા જય વસાવડા ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગેની એક ફેસબુક કોમેન્ટને કારણે વિવાદમાં સપડાયા છે. તેમના વેરિફાઇડ ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવેલા એક જવાબમાં ડૉ. આંબેડકરની રાજકીય માંગણીને ‘અલગ દલિત દેશ’ સાથે જોડવામાં આવતાં દલિત સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. આંબેડકરવાદી અને દલિત બૌદ્ધિકોએ આ કોમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ જય વસાવડાની આકરી ટીકા કરી છે અને તેમને ગાંધીજી તથા ડૉ. આંબેડકર વચ્ચેના ઐતિહાસિક મતભેદો અંગે જાહેર મંચ પર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.

વિવાદનું કેન્દ્ર બનેલી ફેસબુક પોસ્ટના સ્ક્રીનશૉટમાં જય વસાવડાના એકાઉન્ટ પરથી મહેલ યુઝરના સવાલના જવાબમાં લખવામાં આવ્યું છે: ‘અલગ દલિત દેશ લેવો હતો એમને થોડા, એની આડે આવનાર ગાંધી ગમે.’ આ કોમેન્ટમાં ડૉ. આંબેડકરની અલગ મતદાર મંડળની માંગને અલગ દલિત દેશની માંગ તરીકે રજૂ કરવામાં આવી છે. આ જ બાબતને લઈને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અલગ મતદાર મંડળ અને અલગ દેશ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી

આ વિવાદમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ડૉ. આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળની માંગણી કરી હતી, અલગ દેશની નહીં. બંને બાબતોને એકબીજા સાથે સરખાવવી ઐતિહાસિક રીતે યોગ્ય નથી. 1932માં બ્રિટિશ સરકારના કોમ્યુનલ એવોર્ડમાં દલિતો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી હતી. ડૉ. આંબેડકરનું માનવું હતું કે દલિત સમાજના પ્રતિનિધિઓની પસંદગીમાં દલિત મતદારોને સ્વતંત્ર અધિકાર મળવો જોઈએ, જેથી તેઓ પોતાના સમાજના હિતોનું પ્રતિનિધિત્વ કરી શકે. બીજી તરફ, ગાંધી આ જોગવાઈના વિરોધમાં હતા અને તેમણે યરવડા જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યો હતો.

આ સ્થિતિમાં 24 સપ્ટેમ્બર, 1932ના રોજ ડૉ. આંબેડકર અને અન્ય નેતાઓ વચ્ચે પૂના કરાર થયો હતો. આ કરાર હેઠળ અલગ મતદાર મંડળને બદલે સંયુક્ત મતદાર મંડળમાં દલિતો માટે અનામત બેઠકોની વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. એટલે કે આ સમગ્ર ઐતિહાસિક વિવાદ દલિતોના રાજકીય પ્રતિનિધિત્વ અને મતાધિકારની પદ્ધતિ અંગે હતો, દેશના વિભાજન કે અલગ દલિત રાષ્ટ્રની માંગ અંગે નહીં. આથી અલગ મતદાર મંડળની માંગને અલગ દલિત દેશની માંગ તરીકે રજૂ કરવી એ ઐતિહાસિક મુદ્દાને ગેરમાર્ગે દોરે તેવી રજૂઆત છે. આ જ બાબત અંગે જય વસાવડા સામે સવાલો ઊઠી રહ્યા છે.

દલિત બૌદ્ધિકોએ જાહેર ચર્ચાનો પડકાર ફેંક્યો

આ કોમેન્ટ સામે ફેસબુક પર દલિત અને આંબેડકરવાદી વિચારધારા સાથે જોડાયેલા અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો છે. કુસુમ ડાભી, કૌશિક પરમાર, મયૂર વાઢેર, નીતિન શીંગરખિયા અને આર.કે. આરજ સહિતના લોકોએ જય વસાવડાની ટિપ્પણીની આકરી ટીકા કરી હોવાનું જણાવાયું છે.

દલિત બૌદ્ધિકોનો સવાલ છે કે ડૉ. આંબેડકરના વિચારો, રાજકીય સંઘર્ષ અને ગાંધીજી સાથેના ઐતિહાસિક મતભેદોને સમજ્યા વિના આવી ટિપ્પણી કેવી રીતે કરી શકાય? તેમણે જય વસાવડાને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવાને બદલે જાહેર મંચ પર આવીને ગાંધીજી અને આંબેડકરના વિચારો અંગે ખુલ્લી ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે.

સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આંબેડકરના રાજકીય વિચારો અને દલિત સમાજના અધિકારો માટેના તેમના સંઘર્ષને સમજવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આ ચર્ચામાં એક તરફ ગાંધીજીની ભૂમિકા અને બીજી તરફ આંબેડકરની રાજકીય સ્વાયત્તતાની માંગ જેવા ઐતિહાસિક મુદ્દાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.

આંબેડકર-ગાંધીના મતભેદો પર ચર્ચા આવકાર્ય, પરંતુ ઇતિહાસનું વિકૃતિકરણ કેમ?

ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચે દલિતોના રાજકીય પ્રતિનિધિત્વ, અસ્પૃશ્યતા અને સામાજિક સમાનતા જેવા મુદ્દાઓ પર ગંભીર મતભેદો હતા. આ મતભેદો અંગે અભ્યાસપૂર્ણ ચર્ચા થવી જોઈએ અને કોઈપણ વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ ચર્ચા કરતી વખતે ઐતિહાસિક તથ્યોને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવાની જવાબદારી પણ એટલી જ મહત્વની છે.

ડૉ. આંબેડકરે દલિત સમાજને રાજકીય રીતે સશક્ત બનાવવા માટે અલગ મતદાર મંડળની માંગ કરી હતી. આ માંગ પાછળનો હેતુ દલિતોને પોતાની પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટવાનો અધિકાર મળે તેવો હતો. તેને અલગ દેશની માંગ સાથે જોડવાથી આંબેડકરના રાજકીય સંઘર્ષનો મૂળ આશય જ બદલાઈ જાય છે.

જય વસાવડા તરફથી હજુ સ્પષ્ટતા નહીં

આ સમગ્ર વિવાદને લઈને દલિત સમાજના લોકો સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જય વસાવડાને જાહેર ચર્ચા માટે પડકાર ફેંકવામાં આવ્યો છે. જોકે, ઉપલબ્ધ વિગતો અનુસાર, આ ટિપ્પણી અને જાહેર ચર્ચાના પડકાર અંગે જય વસાવડા તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી.

હવે સવાલ એ છે કે ગુજરાતના જાણીતા લેખક તરીકે ઓળખ ધરાવતા જય વસાવડા આ મુદ્દે ખુલ્લી ચર્ચાનો પડકાર સ્વીકારશે કે પછી મૌન જાળવશે? ડૉ. આંબેડકર જેવા ઐતિહાસિક વ્યક્તિત્વ અંગે ચર્ચા કરવી હોય તો તેમના મૂળ વિચારો અને દસ્તાવેજી ઇતિહાસના આધારે કરવી જરૂરી છે. માત્ર એક ટિપ્પણીથી દલિતોના રાજકીય અધિકારો માટેના લાંબા સંઘર્ષને અલગ દેશની માંગ તરીકે ખપાવવો યોગ્ય નથી. આંબેડકરના વિચારો અંગે સવાલો ઉઠાવનારા લોકોએ પણ તથ્યો સાથે ચર્ચા કરવી જોઈએ અને જય વસાવડાએ પણ આ ટિપ્પણી અંગે સ્પષ્ટતા આપવી જોઈએ.

આ પણ વાંચોઃ  ગાંધીનગર સમાચાર ના મનુવાદી લેખક કનૈયાલાલ ભટ્ટની કોલમ બંધ

આ પણ વાંચોઃ  ‘ગુજરાત દીપોત્સવી’ અંક માંથી અઝીઝ ટંકારવીની કવિતા કેમ હટાવાઈ?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x