Contempt of Court: ભારતના બંધારણે દેશની ન્યાયતંત્ર વ્યવસ્થાને સ્વતંત્ર અને સશક્ત બનાવી છે. આ વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને કોર્ટની અવમાનના કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સત્તા મળેલી છે. જોકે, લાંબા સમયથી એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે કોઈ ન્યાયાધીશ અથવા તેમના ચુકાદાની ટીકાને પણ કોર્ટની અવમાનના ગણવી જોઈએ કે નહીં.
તાજેતરમાં એક લેખમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ આ મુદ્દે વિગતવાર ચર્ચા કરીને અવમાનના કાયદામાં સુધારો કરવાની હિમાયત કરી છે. તેમના મતે અદાલતો પ્રત્યેનો આદર સજાના ડરથી નહીં પરંતુ ઉત્તમ કામગીરી અને નિષ્પક્ષ ચુકાદાઓ દ્વારા મળવો જોઈએ.

અવમાનના કાયદાનો ઇતિહાસ અને લોકશાહી
જસ્ટિસ કાત્જુએ રજૂઆત કરી છે કે ભારતમાં અમલી અવમાનના કાયદો 18 મી સદીના ઇંગ્લેન્ડની જૂની માનસિકતા સાથે જોડાયેલો છે. તે સમયે રાજાને સર્વોચ્ચ સત્તા માનવામાં આવતી હતી અને ન્યાયાધીશો રાજાના પ્રતિનિધિ તરીકે ન્યાય આપતા હતા, જેથી ન્યાયાધીશોની સત્તા કે પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવવો એ રાજાની સત્તાને પડકારવા સમાન ગણાતું હતું. પૂર્વ ન્યાયાધીશના જણાવ્યા અનુસાર, આજનું ભારત રાજશાહી નહીં પરંતુ લોકશાહી ગણતંત્ર છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ ચૂકાદાઓમાં દલિતોને ‘જાનવર’ ગણાવ્યા!
બંધારણની આમુખના ‘અમે ભારતના લોકો’ થી શરૂ થાય છે, જે દર્શાવે છે કે દરેક બંધારણીય સંસ્થા જનતા પ્રત્યે જવાબદાર છે. ન્યાયાધીશો પણ જનતાના સેવક હોવાથી નાગરિકોને તેમના કામકાજ અને ચુકાદાઓ પર સવાલ ઉઠાવવાનો અધિકાર મળવો જોઈએ.
બંધારણીય જોગવાઈઓ અને અભિવ્યક્તિની આઝાદી
ભારતીય બંધારણના Article 19(1)(a) મુજબ દરેક નાગરિકને બોલવાની અને વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળેલી છે. જોકે, Article 19(2) હેઠળ કોર્ટની અવમાનના સહિતના કેટલાક વાજબી નિયંત્રણો મૂકી શકાય છે. બીજી તરફ, Article 129 સુપ્રીમ કોર્ટને અને Article 215 હાઈકોર્ટને પોતાની અવમાનના બદલ સજા આપવાની સત્તા આપે છે.

જસ્ટિસ કાત્જુના મત મુજબ આ જોગવાઈઓનું અર્થઘટન એવી રીતે થવું જોઈએ કે નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રાધાન્ય મળે અને અવમાનનાની સત્તાનો ઉપયોગ મર્યાદિત અને અપવાદરૂપ સંજોગોમાં જ થાય.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
ટીકા અંગે અસ્પષ્ટતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા
અવમાનના કાયદામાં અસ્પષ્ટતાને કારણે લોકોમાં ડર રહે છે તેવો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. જસ્ટિસ કાત્જુએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ફલી એસ. નરીમનના વિચારો ટાંકીને જણાવ્યું કે કઈ ટિપ્પણી કાયદાની મર્યાદા ઓળંગીને અવમાનના બને છે તે સ્પષ્ટ ન હોવાથી લોકો ન્યાયતંત્રની વાજબી ટીકા કરવાથી પણ ખચકાય છે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર કરે છે.
આ પણ વાંચો: ઓડિશામાં કોર્ટે દલિતો-આદિવાસીઓને પોલીસ સ્ટેશન સાફ કરવાની સજા કરી!
આ મુદ્દે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓમાં જુદો જુદો દૃષ્ટિકોણ જોવા મળે છે. વર્ષ 1970 ના ઇ.એમ.એસ. નંબુદ્રીપાદ વિરુદ્ધ ટી. નારાયણન નાંબિયા૨ કેસમાં સુપ્રીમ કોર્ટે કેરળના તત્કાલીન મુખ્યમંત્રીની ન્યાયતંત્ર અંગેની ટિપ્પણીઓને અવમાનના ઠેરવી હતી. તેનાથી વિપરીત, વર્ષ 1988 ના પી.એન. દુદા વિરુદ્ધ વી.પી. શિવ શંકર કેસમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે લોકશાહીમાં ન્યાયતંત્રની નિષ્પક્ષ અને રચનાત્મક ટીકા જરૂરી છે અને ન્યાયાધીશો કે તેમના ચુકાદાઓને ટીકાથી સંપૂર્ણપણે અલગ રાખી શકાય નહીં.
ન્યાયિક ગરિમા અને સ્વતંત્રતા વચ્ચે સંતુલન
અવમાનના કાયદામાં સુધારાની માંગનો હેતુ ન્યાયતંત્રને નબળું પાડવાનો નથી. ન્યાયિક કામગીરીમાં અવરોધ ઊભો કરવો, પ્રક્રિયાને પ્રભાવિત કરવી અથવા અદાલતની ગરિમાને ઇરાદાપૂર્વક ગંભીર નુકસાન પહોંચાડવું ચોક્કસપણે શિક્ષાપાત્ર હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં અદાલતની પ્રતિષ્ઠા અને નાગરિકોની બોલવાની આઝાદી વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત અંગે ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો











