દલિત વ્યક્તિ માટે દેશમાં જીવવું દિન-પ્રતિદિન દુષ્કર બનતું જઈ રહ્યું છે. ગઈકાલે એકબાજુ દેશ બંધારણ દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે એક ગામમાં એક એવી શરમજનક ઘટના બની હતી જેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. ત્યાં એક દલિત યુવકને ચોરીની આશંકામાં હાથ-પગ બાંધીને ઢોર મારવામાં આવ્યો અને મહિલાનું બ્લાઉઝ પહેરાવી જાહેરમાં અપમાનિત કરાયો હતો. આ ઘટના કાયદો વ્યવસ્થાનું અસ્તિત્વ હોવા છતાં બની છે.
મામલો બિહારના જમુઈ જિલ્લાનો છે. જ્યાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે. મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કર્રા ગામમાં એક દલિત યુવક પર ચોરીનો ખોટો આરોપ લગાવીને તેના હાથ-પગ દોરડાથી બાંધીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા આરોપીઓએ યુવકના કપડાં ફાડી નાખ્યા હતા અને તેને બળજબરીથી મહિલાઓનું બ્લાઉઝ પહેરાવીને તેના ખિસ્સામાં ચેન મૂકી દીધી હતી. આ સમગ્ર બર્બરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે. પીડિત યુવકની ઓળખ વિકાસ કુમાર દાસ તરીકે થઈ છે.

આ પણ વાંચો: ચમાર સમાજનો 100 વર્ષ જૂનો ઇતિહાસ શું કહે છે?
દુકાનની હરીફાઈ અને જૂની અદાવત કારણ બની
આ મામલે પીડિતની પત્ની શોભા દેવીએ જમુઈના SC-ST પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, આ ઘટના 12 નવેમ્બર 2026ની રાત્રે આશરે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. શોભા દેવીએ જણાવ્યું કે તેઓ ગામમાં ચાઉમીન અને પકોડાની દુકાન ચલાવે છે. તેમની દુકાનની બાજુમાં જ ગામના દિનેશ યાદવ અને મુકેશ યાદવની પણ દુકાન આવેલી છે.
શોભા દેવીના આક્ષેપ મુજબ, તેમની દુકાન પર ગ્રાહકોની ભીડ વધુ રહેતી હતી અને વેચાણ સારું થતું હતું, જ્યારે આરોપી પક્ષની દુકાન પર ગ્રાહકો ઓછા આવતા હતા. ધંધાની આ જ હરીફાઈને કારણે દિનેશ યાદવ અને મુકેશ યાદવ તેમના પરિવારથી નારાજ હતા. ઘટનાના 2 દિવસ પહેલાં પણ દુકાનના વેચાણને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે સમયે આરોપીઓએ જાતિસૂચક અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: દલિત યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે મૂકી 6 કલાક સુધી ચક્કાજામ

જોકે, પીડિત પરિવારે શરૂઆતમાં આ વાતને મજાક સમજીને નજરઅંદાજ કરી દીધી હતી, પરંતુ 2 દિવસ બાદ જ આરોપીઓએ પોતાની અદાવતનો બદલો લેવા માટે આ હિંસક કાવતરું રચ્યું હતું.
રાત્રે 1:00 થી 3:00 વાગ્યા સુધી બંધક બનાવીને અત્યાચાર ગુજાર્યો
પીડિત વિકાસ કુમાર દાસના દાદા સહદેવ રવિદાસે આ ઘટનાની ભયાનકતા વર્ણવતા જણાવ્યું કે, 12 નવેમ્બરની રાત્રે વિકાસને ફરવા જવાનું બહાનું બતાવીને ઘરેથી બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બંધક બનાવીને રાત્રે આશરે 1:00 વાગ્યાથી સવારે 3:00 વાગ્યા સુધી સતત 2 કલાક સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ તેને અપમાનિત કરવા માટે તેના કપડાં ફાડી નાખ્યા, બ્લાઉઝ પહેરાવ્યું અને ચોરીનો ખોટો આરોપ લગાવીને ટોળા દ્વારા તેને મારવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને જાતિસૂચક ગાળો આપીને અપમાનિત પણ કરવામાં આવ્યો હતો.
સારવાર માટે ગામલોકોએ ફાળો એકત્ર કર્યો
મારને કારણે વિકાસ કુમાર દાસને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાથી તેની સારવાર કરાવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આખરે ગામના લોકો અને સમાજના આગેવાનોએ એકઠા થઈને ફાળો ઉઘરાવીને પરિવારને આર્થિક મદદ કરી હતી. ત્યારબાદ વિકાસને એક ખાનગી ક્લિનિકમાં દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, વિકાસની હાલત હજુ પણ નાજુક બનેલી છે.
આ પણ વાંચો: આનંદના અવસરોને આપણે ઘોંઘાટિયા કેમ બનાવી દીધા છે!
ઘટનાના 8 દિવસ બાદ FIR, આરોપીઓ ફરાર
પીડિતની પત્ની શોભા દેવીએ ઘટનાના આશરે 7 થી 8 દિવસ બાદ 20 નવેમ્બરે SC-ST પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં થયેલા વિલંબ અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ પતિની ગંભીર હાલતને કારણે તેની સારવારમાં વ્યસ્ત હોવાથી સમયસર પોલીસ સ્ટેશન જઈ શક્યા નહોતા. SC-ST પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જ્યોતિ કુમારીએ જણાવ્યું કે આ મામલે કેસ નંબર 38/26 દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ થઈ શકી નથી અને તમામ આરોપીઓ ફરાર હોવાનું કહેવાય છે.
પોલીસની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી થશે: SP
આ સમગ્ર મામલે જમુઈના SP વિશ્વજીત દયાલે જણાવ્યું હતું કે છઠ પર્વની આસપાસ આ ઘટના તેમના ધ્યાન પર આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાના દિવસે પીડિત વિકાસ કુમાર દાસ સ્થાનિક પોલીસ સ્ટેશન પણ ગયા હતા. તેમને ગંભીર ઈજાઓ હોવાથી પોલીસે તેમને સારવાર માટે સદર હોસ્પિટલ મોકલ્યા હતા. હાલમાં SC-ST પોલીસ સ્ટેશનમાં FIR નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
SP એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસની કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે, તો જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: જય વસાવડા માફી ન માંગે તો મોં કાળું કરવા ચીમકી!











