સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીની યાદમાં શબ્દાંજલિ સભા યોજાઈ

Praveen Gadhvi: અમદાવાદના સાહિત્ય પરિષદ ભવન ખાતે સમર્થ સાહિત્યકાર પ્રવીણ ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શબ્દાંજલિ સભા અને ચાર પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
memory of writer Praveen Gadhvi

Praveen Gadhvi: ગત 20 મે 2025ના રોજ આપણી વચ્ચેથી વિદાય પામેલા સવાયા દલિત સાહિત્યકારની ઉપમા પામેલા સમર્થ સાહિત્યકાર શ્રી પ્રવીણ ગઢવી સાહેબની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે 20મી મે 2026ના રોજ ગુજરાત સાહિત્ય પરિષદ ભવન, અમદાવાદ ખાતે એક વિશેષ શબ્દાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવીણ ગઢવીની ચિરસ્મરણીય સ્મૃતિને તાજી કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સાહિત્ય જગતના અગ્રણીઓ, પરિવારજનો, ચાહકો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ સાહિત્યકાર પ્રવીણ ગઢવીની તસવીર પર પુષ્પાર્પણ કરીને કરવામાં આવી હતી. આ અવસરે તેમના અવસાન બાદ પ્રકાશિત થયેલા ચાર મહત્વપૂર્ણ પુસ્તકો (1) ‘શિલ્પોના મધુવનમાં’ (2) ‘વાજ્યા રૂપેરી ઢોલ’ (3) ‘ઘટ ઘટ દેખા સાંઈ’ અને (4) ‘સોમનાથ ધ્વંસ’નું ઉપસ્થિત અતિથિવિશેષોના વરદ હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પ્રવીણ ગઢવી સાહેબના આ સંસ્મરણો કાયમ યાદ રહેશે

આ શબ્દાંજલિ સભામાં ઉપસ્થિત વિદ્વાન વક્તાઓએ પ્રવીણ ગઢવીના બહુમૂલ્ય સાહિત્યિક પ્રદાન અને વંચિતો પ્રત્યેના તેમના અભિગમ પર અભ્યાસપૂર્ણ વક્તવ્યો રજૂ કર્યા હતા. સ્વર્ગસ્થના સ્નેહીજન ડૉ. અશ્વિન ગઢવીએ ‘વ્યક્તિવિશેષ: પ્રવીણ ગઢવી’ વિષય પર બોલતા તેમના બહુઆયામી જીવનના પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

memory of writer Praveen Gadhvi

જાણીતા સાહિત્યકાર શ્રી કલ્પેશભાઈ પટેલે ‘પ્રવીણ ગઢવીનું સાહિત્ય’ વિષય હેઠળ તેમના ગદ્ય અને પદ્ય સર્જનની વિશેષતાઓનું તટસ્થ વિશ્લેષણ કર્યું હતું. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ડૉ. રાજેશ મકવાણાએ ‘પ્રવીણ ગઢવીની કવિતા’ વિષય પર વાત કરતા તેમની કાવ્યરચનાઓની ગંભીરતા અને સામાજિક નિસબતને રેખાંકિત કરી હતી. તદુપરાંત, ‘ગુર્જર ભારતી-ગાંધીનગર’ના ઉપપ્રમુખ શ્રી ઈશ્વરસિંહ ચૌહાણે ‘પ્રવીણ ગઢવીના સાહિત્યમાં પ્રગતિશીલ વિચારધારા’ વિષય પર મનનીય વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે તેમનું સાહિત્ય સદાય શોષિતોના અધિકાર અને સમાનતાની વકીલાત કરતું રહ્યું છે.

memory of writer Praveen Gadhvi

આ પણ વાંચો: ગાંધીનગરમાં રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં બહુજનો ઉમટી પડ્યાં

આ પ્રસંગે પૂર્વ સનદી અધિકારી અને પ્રવીણ ગઢવીના પરમ મિત્ર વસંત ગઢવીએ સંવેદનશીલ સાહિત્યકાર પ્રવીણભાઈ સાથે વહીવટી અને સાહિત્યિક ક્ષેત્રે વિતાવેલી ક્ષણોના સંસ્મરણો વર્ણવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થિત સંચાલન શ્રી ઘનશ્યામ ગઢવીએ કર્યું હતું,

જ્યારે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પ્રવચન શ્રી પ્રવીણ શ્રીમાળીએ આપ્યું હતું. કાર્યક્રમના સમાપન પર શ્રીમતિ ગીતાબેન ગઢવીએ સજળ નયને ઉપસ્થિત તમામ સાહિત્યરસિકો, ભાવકો અને પ્રશંસકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીના વૈચારિક અને સાહિત્યિક વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવાનો એક સાર્થક પ્રયાસ બની રહ્યો હતો.

(વિશેષ માહિતીઃ નટુભાઈ પરમાર, ગાંધીનગર)

આ પણ વાંચો: કર્ણાટકમાં દલિત પોલીસકર્મીઓને સવર્ણ હિંદુઓ ભાડે ઘર નથી આપતા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x