પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાંથી ભાજપના ધારાસભ્યોના કોમવાદી અને ભેદભાવપૂર્ણ વલણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી ‘અન્નપૂર્ણા યોજના’ હેઠળ વચન મુજબ મળવાપાત્ર 3,000 રૂપિયાની માસિક સહાય ન મળતાં રજૂઆત કરવા પહોંચેલી મજૂર મુસ્લિમ મહિલાઓને સ્થાનિક ભાજપ MLA નીલાદ્રી શેખર દાનાએ ભારે અનાદરનો સામનો કરાવ્યો હતો. ભાજપના ધારાસભ્યએ મદદ કરવાને બદલે મુસ્લિમ મહિલાઓ સામે હિન્દુત્વનો ‘જય શ્રી રામ’નો નારો લગાવીને શરત મૂકી હતી કે યોજનાનો લાભ પહેલાં હિન્દુ મહિલાઓને મળશે અને ત્યાર બાદ જ મુસ્લિમ મહિલાઓ વિશે વિચારવામાં આવશે. જેનાથી મુસ્લિમ મહિલાઓ આઘાતમાં સરી પડી હતી.
મામલો શું હતો
બાંકુરા નગરપાલિકાના વોર્ડ નંબર 19 ના ખેથરડાંગા વિસ્તારમાં રહેતી મોટાભાગની મુસ્લિમ મહિલાઓ અત્યંત ગરીબ છે અને તેમના પરિવારો દૈનિક મજૂરી પર નભે છે. સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં તેમણે અન્નપૂર્ણા યોજનાના બાકી નાણાં સંદર્ભે SDO કચેરીએ રજૂઆત કરી હતી, જ્યાંથી તેમને 2 ઓક્ટોબરના રોજ ગોધૂલી લોજ ખાતે આયોજિત ‘સેવા સેતુ અભિયાન’ કેમ્પમાં જવાની સલાહ અપાઈ હતી.

આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા પદ્મશ્રી દર્શન મોગુલૈયાને જમીન નથી મળી
પરંતુ 2 ઓક્ટોબરના રોજ સરકારી કેમ્પમાં પહોંચેલી મહિલાઓને ત્યાં હાજર અધિકારીઓએ સમસ્યા ઉકેલવાને બદલે ભાજપ ધારાસભ્ય નીલાદ્રી શેખર દાના પાસે મોકલી આપી હતી. લગભગ 30 જેટલી મહિલાઓ ભારે આશા સાથે ઈ-રિક્ષા કરીને ધારાસભ્યના ભૈરવસ્થાન ખાતેના કાર્યાલયે પહોંચી હતી. પરંતુ કાર્યાલયમાં પ્રવેશતાં જ ધારાસભ્ય અને તેમના સમર્થકોએ તેમને જોઈને ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
“મુસ્લિમોના વોટથી નથી જીત્યા, પહેલાં હિન્દુઓને નાણાં મળશે”
પીડિત મહિલાઓ પૈકી રેશમા બીબી, શરીફી બીબી અને નૂરજહાન બીબીએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પોતાના હકના અન્નપૂર્ણા યોજનાના પૈસા વિશે પૂછ્યું ત્યારે MLA નીલાદ્રી શેખર દાનાએ સાફ શબ્દોમાં કહી દીધું કે, “અમે મુસ્લિમોના વોટથી જીત્યા નથી. યોજનાના નાણાં પહેલાં હિન્દુ મહિલાઓને મળશે, મુસ્લિમોની સમસ્યાઓ પર પછીથી વિચાર કરાશે.”
આટલેથી ન અટકતાં ધારાસભ્યના સમર્થકોએ મહિલાઓ સામે અશ્લીલ ઈશારા કર્યા હતા અને યોજનાનો લાભ મેળવવો હોય તો ફરજિયાત ‘જય શ્રી રામ’ બોલવાનું દબાણ કર્યું હતું. સરકારી યોજનામાં ધર્મના આધારે કરવામાં આવેલા આ ખુલ્લા ભેદભાવ અને અપમાનથી વ્યથિત થઈને મુસ્લિમ મહિલાઓ રડતી આંખે પરત ફરી હતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા
ભૂખ્યા પેટે વિરોધ અને SDO ને ઘેરવાની તૈયારી
આ ઘટનાના આઘાતમાં ખેથરડાંગા વિસ્તારના મુસ્લિમ મહોલ્લામાં તે દિવસે કોઈના ઘરમાં ચૂલો સળગ્યો નહોતો અને લોકોએ અન્નનો દાણો પણ મોંમાં મૂક્યો નહોતો. પ્રોફેસર પ્રતીપ મુખર્જીના જણાવ્યા મુજબ, આ વિસ્તારના લોકો રેલ્વે ગુડ્ઝ શેડ કે સ્થાનિક બજારોમાં અનિયમિત મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવે છે, જેના કારણે તેઓ સરકારી સહાય પર નિર્ભર છે.
આ પણ વાંચો: PM મોદીની હાજરીમાં IIT દિલ્હીમાં વૈદિક મંત્રો વાગતા વિવાદ!
આ અપમાન સામે ઝૂકવાને બદલે સબેના મંડળ, ઝરીના બીબી, હસીના બીબી અને આયશા બીબી સહિતની મહિલાઓએ એકઠા થઈને લડત આપવાનું નક્કી કર્યું છે. તમામ મહિલાઓએ નિર્ણય લીધો છે કે તેઓ 6 ઓક્ટોબરના રોજ બાંકુરા SDO કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરશે અને સવાલ પૂછશે કે શું મુસ્લિમ હોવાના નાતે તેમને સરકારી યોજનાઓથી વંચિત રાખવામાં આવશે?
ભાજપ MLA નો લૂલો બચાવ
બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ ધારાસભ્ય નીલાદ્રી શેખર દાનાએ સ્વીકાર્યું હતું કે તેમણે ‘જય શ્રી રામ’ નો નારો લગાવ્યો હતો. જોકે તેમણે કોઈ અપમાનજનક નિવેદન કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની સાથે હાજર લોકોમાંથી કોણે શું કહ્યું તેની જવાબદારી તેમની નથી. પરંતુ જનપ્રતિનિધિ દ્વારા સરકારી આયોજન દરમિયાન આચરવામાં આવેલો આ કોમવાદી વ્યવહાર પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: કોણ છે દીપિકા આનંદ? જેને માયાવતી BSP ની કમાન સોંપશે!











