ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળી ચૂકી છે તેનો ખ્યાલ આ આંકડાઓ પરથી આવે છે. દિવાળીના તહેવારના 5 દિવસમાં 15 હત્યાઓ થઈ છે. 19થી 23 ઓક્ટોબર એટલે કે ફક્ત 5 દિવસમાં રાજ્યમાં 12 હત્યાની ઘટનાઓ સામે આવી છે, જેમાં કુલ 15 લોકોના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, અંકલેશ્વર, દહેગામ, જામનગર, છોટાઉદેપુર અને વાંકાનેરમાં પારિવારિક ઝઘડા, ફટાકડા ફોડવા અને અનૈતિક સંબંધોની શંકા જેવી બાબતોમાં ખૂની ખેલ ખેલાયા હતા.
આ હત્યાઓ સ્પષ્ટ કરે છે કે તહેવારમાં ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવામાં નિષ્ફળ નીવડી છે. અસામાજિક તત્વો કે લુખ્ખાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય એમ ગમે ત્યારે ઘાતક હથિયારો લઈને કોઈની પણ હત્યા કરી નાખે છે.
રાજકોટમાં 18 કલાકમાં 4 લોકોની હત્યા
રાજકોટ શહેરમાં માત્ર 18 કલાકના ગાળામાં જ શહેરમાં ચાર હત્યાના બનાવો સામે આવ્યા હતા. કાળીચૌદશની રાતે શહેરમાં ત્રિપલ મર્ડર થયા બાદ દિવાળીના દિવસે મિત્રએ પોતાના જ મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. રાજકોટના સણોસરામાં માનસિક રીતે બીમાર પિતાની તેની જ દીકરી અને સગીર દીકરાએ મળીને હત્યા કરી. પિતાને પહેલા વૃક્ષ સાથે બાંધીને બાદમાં લાકડી વડે ઢોરમાર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ પણ વાંચો: મહીસાગરના ભરોડીમાં દલિત દીકરીને સવર્ણ મહિલાઓએ ગરબામાંથી કાઢી મૂકી!
મોરબીમાં સમાધાન કરાવવા ગયેલા 20 વર્ષના યુવકની હત્યા
મોરબીના વાંકાનેરમાં દિવાળીના પર્વ પર પડોશીઓ વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા 20 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હતી. પ્રકાશના પર્વની રાત્રે થયેલી આ હત્યાએ તહેવારની ઉજવણીને માતમમાં ફેરવી દીધી હતી.
જામનગરમાં યુવકની તિક્ષ્ણ હથિયારથી હત્યા
જામનગર શહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંધ આશ્રમ પાસે આવેલા 1404 આવાસ પાસે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલો પાડોશી સાથેનો ઝઘડો રક્તરંજિત બની ગયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ 37 વર્ષીય મુકેશ કાપડી પર પાડોશીએ આડેધડ છરીના ઘા મારવામાં આવતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
જૂનાગઢમાં માતાએ એકમાત્ર પુત્ર ગુમાવ્યો
જૂનાગઢમાં દિવાળીની ઉજવણીની રાત્રિ કાળરાત્રિમાં ફેરવાઈ ગઈ હતી. મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે નિવૃત PSIના પુત્ર અને એક મહિલા સહિત 5 લોકોએ પાઈપ, ધોકા અને લાકડી વડે તૂટી પડી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પુત્ર ગુમાવતા એકલવાયી માતા પર આભ તૂટી પડ્યું.
વડોદરામાં બોલાચાલીમાં ખંજર મારી હત્યા
વડોદરાના આજવા રોડ વિસ્તારના નારાયણધામ સોસાયટીમાં નવા વર્ષની ઉજવણીની રાત્રે આરોપીના ઘર પાસે ચા-નાસ્તો કરતી વખતે બોલાચાલીમાં 28 વર્ષીય અક્ષયે આરોપીને લાફો મારી દેતા ઉશ્કેરાયેલા શખસે ખંજરના ઘા ઝીંકી પતાવી દીધો.
સુરતમાં ભાઈબીજે બનેવીએ સાળાની હત્યા કરી
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં ભાઈબીજના પર્વ પર બનેવીએ સાળાની હત્યા કરી. બનેવી અવારનવાર પોતાની ભાણી સાથે મારઝૂડ કરતો હતો, જેના કારણે સાળા સુરેશ રાઠોડે તેને આ બાબતે ટકોર કરી હતી. આ ટકોરથી ગુસ્સે ભરાયેલા લાલા વસાવાએ વેરભાવ રાખી મોડી રાતે સાળાને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતાર્યો.
આ પણ વાંચો: માબાપ લોન ન ચૂકવી શકતા કોન્ટ્રાક્ટરે 6 વર્ષના બાળક પાસે મજૂરી કરાવી
અમદાવાદમાં દિવાળીમાં એકથી વધુ હત્યા
દિવાળીના તહેવારની વચ્ચે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અનૈતિક સંબંધની શંકાને કારણે ખૂની ખેલ રમાયો છે. કાળીચૌદશની રાત્રે પતિએ પોતાની પત્નીને પરપુરુષ સાથે જોઈ લેતાં આવેશમાં આવી છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં મૃતકના લગ્ન માત્ર એક મહિના પછી થવાના હતા.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં દિવાળીના દિવસે જ પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી હતી. બેરોજગાર પુત્ર અવારનવાર ઝઘડા કરી પિતાને હેરાન કરતો હતો, જેના કારણે ત્રાસેલા પિતાએ અંતે આવેશમાં આવી પુત્રને ધારિયા વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
દહેગામમાં દિવાળીની રાત્રે ભરબજારમાં અજાણ્યા શખસો દ્વારા 18 વર્ષીય યુવક પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એસ.ટી. ચોકી વિસ્તારની વચ્ચે બનેલી આ ઘટનામાં યુવકને 9થી વધુ છરીના ઘા ઝિંકવામાં આવ્યા હતા, જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
છોટાઉદેપુરમાં પૌત્રે દાદાની હત્યા કરી
આ તરફ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામમાં દાદા-પૌત્રના સંબંધને કલંકિત કરનાર ઘટના સામે આવી. કાળી ચૌદશની સાંજે કાકાના ઘરે આવેલા ભત્રીજાએ ગાડીની ચાવી માગી પણ કાકાએ ન આપતા ભત્રીજાએ લાકડીથી માર માર્યો. આ ઝઘડાને શાંત પાડવા જ્યારે દાદા વચ્ચે પડ્યા તો ગુસ્સે ભરાયેલા પૌત્ર કાનજી ભીલે પોતાના જ દાદા પર બેરહેમીથી લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ‘સમ્યક સમાજ’ દ્વારા ‘સમ્યક સન્માન કાર્યક્રમ’ યોજાશે
અંકલેશ્વરમાં નવા વર્ષે બનેવીએ સાળાની હત્યા કરી
અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની ઉજવણી વચ્ચે પારિવારિક ઝઘડામાં બનેવીએ પોતાના સાળાને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તાપી જિલ્લાના સુનિલ ગામીત પોતાની પત્નીને લેવા અંકલેશ્વર આવેલા ત્યારે સાસરીયાઓ સાથે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સામાં બનેવીએ સાળા ભાવિન ગામીતની કરુણ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાઓ એ વાતની સાબિતી છે કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જઈ રહી છે. માથાભારે અને લુખ્ખા તત્વોને કાયદાની કોઈ બીક નથી. હથિયારો રાખનારા અને જાહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઉડાવનારાં તત્વો સામે સરકાર પાંગળી પુરવાર થઈ રહી છે. અગાઉ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં સતત નિષ્ફળ નીવડી રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ભાજપના મોવડી મંડળે મંત્રીમંડળમાંથી બહાર કરવાને બદલે તેમને પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે તે આશ્ચર્યજનક છે.
આ પણ વાંચો: કડીમાં ઠાકોર યુવકે 13 વર્ષની દલિત દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું











Users Today : 802