ગાંધીનગર બાર એસોસિએશનમાં જંગી મતોથી ચૂંટાયેલા દલિત મહિલા પ્રતિનિધિ વકીલે સત્તાધારી મહામંત્રી સામે જાતિ વિષયક અપમાન, ધાકધમકી અને હોદ્દાનો દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ મૂકીને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિત સમાજ અને કોર્ટમાં આજે પણ દલિતો સાથે જાતિવાદી તત્વો કેવો દાદાગીરીભર્યો વ્યવહાર કરે છે તેનો વરવો ચહેરો આ ઘટનાથી ખુલ્લો પડ્યો છે. સેક્ટર-7 પોલીસે બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ સી. ગોહિલ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
વિકાસ કામની રજૂઆત કરવા જતા દાદાગીરી કરી
ગાંધીનગરના સેક્ટર 13 માં રહેતા અને વર્ષ 2001 થી ગાંધીનગર કોર્ટમાં નોટરી તરીકે સેવા આપતા દલિત મહિલા એડવોકેટ રેખાબેન તપોધને નોંધાવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, 19 ડિસેમ્બર 2025 ના રોજ યોજાયેલી ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં તેઓ મહિલા પ્રતિનિધિ (LR) તરીકે વિજેતા બન્યા હતા. આ જ ચૂંટણીમાં પ્રમુખ તરીકે શંકરસિંહ ગોહિલ, ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચાવડા અને મહામંત્રી તરીકે રાંદેસણના દિલીપસિંહ સી. ગોહિલ ચૂંટાયા હતા.

હોદ્દાની રૂહે મહિલા વકીલે લેડીઝ બાર રૂમને મોટો કરવા, સોફા સેટ, RO પ્યુરિફાયર, વોટર કુલર, બંધ પડેલું TV ચાલુ કરાવવા, મહિલા વકીલોના નાના બાળકો માટે ઘોડિયું અને ખુલ્લા તડકામાં બેસતા વકીલો માટે શેડ બનાવવા જેવી વ્યાજબી માંગણીઓ લેખિતમાં મહામંત્રી સમક્ષ રજૂ કરી હતી. પરંતુ અહંકાર અને સામાજિક દ્વેષથી પીડાતા મહામંત્રીએ મહિલા એડવોકેટ સાથે અસભ્ય વર્તન કરી અરજી સ્વીકારવાનો જ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર
‘તારા જેવા નીચી જાતિના અમારી સાથે બેસવાને લાયક નથી’
દરબાર જાતિના મહામંત્રીની માનસિકતા કેટલી હલકી હતી તેનો પુરાવો 13 એપ્રિલ ના રોજ સામે આવ્યો હતો. જ્યારે દલિત મહિલા વકીલ ફરીથી વકીલોના હિત માટે રજૂઆત કરવા ગયા ત્યારે મહામંત્રી દિલીપસિંહે કોર્ટ કમ્પાઉન્ડમાં તમામની હાજરીમાં જાહેરમાં અપમાનજનક શબ્દો કહ્યા હતા કે, “તારા જેવા નીચી જાતિના લોકો અમારી સાથે બેસવાને લાયક નથી.”
આટલેથી ન અટકતા જાહેરમાં હડધૂત કરીને અને સભામાં પણ ‘લેડિઝ રિપ્રેઝન્ટેટિવની કોઈ જરૂર નથી’ તેમ કહીને અન્ય વકીલો વચ્ચે દલિત મહિલા પ્રતિનિધિ વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવીને તેમને સામાજિક અને વ્યાવસાયિક રીતે બદનામ કરવાનો કૂટિલ પ્રયાસ કરાયો હતો.

સત્તાનો દુરુપયોગ કરીને ડિજિટલ અને બંધારણીય અધિકારો છીનવ્યા
દલિત મહિલા વકીલના અવાજને દબાવવા માટે મહામંત્રી દિલીપસિંહ ગોહિલે પોતાની સત્તાનો બેફામ દુરુપયોગ કર્યો હતો. તેમણે ‘GBA WOMEN’ નામના મહિલા વકીલોના વોટ્સએપ ગ્રૂપમાં પોતે ગેરકાયદેસર રીતે એડમિન બની મહિલાઓની પ્રાઈવસીમાં ખલેલ પહોંચાડી હતી. ત્યારબાદ ફરિયાદી દલિત મહિલા વકીલને આ મહિલા ગ્રૂપમાંથી તેમજ વર્ષોથી ચાલતા ‘GBA’ ના આજીવન સભ્યોના મેઈન ગ્રૂપમાંથી પણ કાઢી મૂક્યા હતા.
આ પણ વાંચોઃ UGC નો આદેશ છતાં ગાંધીનગર IITE ની ભરતીમાં SC, ST, OBCની બાદબાકી
આ ઉપરાંત લેડીઝ બાર રૂમના નોટિસ બોર્ડ અને બાર એસોસિએશનના ઓફિશિયલ લેટરપેડમાંથી ચૂંટાયેલા દલિત મહિલા પ્રતિનિધિનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બંધારણનો અનાદર કરીને અન્ય મહિલાને તેમની કામગીરી સોંપી દેવામાં આવી હતી.
“હું દરબાર છું, મારો દબદબો છે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી
જ્યારે દલિત મહિલા પ્રતિનિધિએ આ ગેરબંધારણીય અને જાતિવાદી વર્તન સામે આકરો વિરોધ નોંધાવ્યો, ત્યારે મહામંત્રીએ પોતાની જ્ઞાતિનું રોફ જમાવતા કહ્યું હતું કે, “હું દરબાર છું, ગાંધીનગર કોર્ટમાં મારો દબદબો છે અને હું ઊંચી વગ ધરાવું છું.” આમ કહીને અત્યંત ગંદી ગાળો આપી હતી અને મહિલા વકીલ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી.
કોર્ટમાં જ દલિત સમાજના પ્રતિનિધિ સાથે થયેલા આ અત્યાચાર બાદ પીડિત મહિલા વકીલે હિંમત દાખવી સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહામંત્રી દિલીપસિંહ સી. ગોહિલ વિરુદ્ધ BNS કલમ 352, 351(3), 356(2), 79 તથા SC/ST એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r) અને 3(2)(va) હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધાકબેસાડ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર સચિવાલયમાં એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને બ્લેકલિસ્ટ કરાયા!












