ગુજરાતમાં હવે યુવાનો ભાગીને આંતરજ્ઞાતિય લગ્નો નહીં કરી શકે?

Amendment to Gujarat Marriage Registration Act

ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવેલા લગ્ન નોંધણીના નવા સુધારાઓએ રાજ્યના પ્રગતિશીલ વર્ગમાં ચિંતા જગાવી છે. સરકાર આ સુધારાને ‘દીકરીઓની સુરક્ષા’ અને ‘પારદર્શિતા’ના મહોરા હેઠળ રજૂ કરી રહી છે, પરંતુ તેની ભીતરમાં છુપાયેલો એજન્ડા સ્પષ્ટપણે બંધારણ વિરોધી અને સ્ત્રી વિરોધી જણાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા, હિંમતનગર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જે પ્રકારે જ્ઞાતિવાદી સંગઠનોએ ‘ભાગેડુ લગ્ન’ વિરુદ્ધ રેલીઓ કાઢી હતી, આ સુધારો તે જ પછાત માનસિકતાનું સરકારી સ્વરૂપ છે.

બંધારણીય હકોનું સરેઆમ હનન

ભારતીય બંધારણની કલમ 21 દરેક નાગરિકને ‘જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા’નો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વ્યક્તિઓ પોતાની મરજીથી લગ્ન કરી શકે છે અને તેમાં રાજ્ય કે પરિવાર દખલ ન કરી શકે. જોકે, નવા નિયમ મુજબ માતા-પિતાને 10 દિવસમાં જાણ કરવી અને 40 દિવસ સુધી સર્ટિફિકેટ ન આપવું એ યુવતીના ‘રાઈટ ટુ પ્રાઈવસી’ (ગોપનીયતાનો અધિકાર) પર તરાપ છે. જો 18 વર્ષની યુવતી દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે મત આપી શકતી હોય, તો તે પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે અક્ષમ કેવી રીતે હોઈ શકે? આ સુધારો યુવતીને સ્વતંત્ર નાગરિકને બદલે પરિવારની ‘મિલકત’ તરીકે જોવાની સામંતશાહી વિચારધારાને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રનું સૌંદળા ગામ બન્યું દેશનું પ્રથમ ‘જાતિમુક્ત ગામ’

સવર્ણ લોબીનું દબાણ અને જ્ઞાતિવાદનો ખેલ

આ આખી કવાયત પાછળનું એક મોટું કારણ જ્ઞાતિગત સમીકરણો છે. ગુજરાતના રાજકીય રીતે વગદાર એવા સવર્ણ સમાજોમાં સ્ત્રી-પુરુષના દરમાં મોટી અસમાનતા છે. આ સમાજોમાં દીકરીઓની અછત હોવાને કારણે, જ્યારે કોઈ યુવતી જ્ઞાતિના બંધનો તોડીને દલિત, આદિવાસી, ઓબીસી, લઘુમતી યુવક સાથે પ્રેમ લગ્ન કરે છે, ત્યારે તેને ‘સમાજનું નાક કપાયું’ હોવાનું માનવામાં આવે છે. 2019માં કડી અને મહેસાણામાં થયેલા વિરોધ પ્રદર્શનો આ જ જ્ઞાતિવાદી અહમનું પરિણામ હતા. સરકાર હવે કાયદો લાવીને આ સવર્ણ લોબીને ખુશ કરવા માંગે છે, જેથી યુવતીઓ પર પરિવારનો કંટ્રોલ ફરી સ્થાપિત કરી શકાય. આનાથી આંતરજ્ઞાતિય લગ્નોમાં ઘટાડો થશે અને સમાજમાં જ્ઞાતિવાદની ખાઈ વધુ ઊંડી થશે.

Amendment to Gujarat Marriage Registration

40 દિવસનો ‘ટોર્ચર પિરિયડ’

નવા નિયમ હેઠળ મેરેજ સર્ટિફિકેટ માટે 40 દિવસની રાહ જોવી પડશે. આ સમયગાળો વાસ્તવમાં વહીવટી પ્રક્રિયા માટે નથી, પરંતુ યુગલ પર માનસિક અને સામાજિક દબાણ લાવવા માટેની વિન્ડો છે. એકવાર માતા-પિતાને જાણ થાય એટલે જ્ઞાતિના આગેવાનો, રાજકીય માથાઓ અને પરિવારના સભ્યો યુવતીને ડરાવવાનું, ધમકાવવાનું કે તેને નજરકેદ કરવાનું શરૂ કરી દેશે. ભૂતકાળમાં ‘ઓનર કિલિંગ’ના કિસ્સાઓ આવા જ સામાજિક હસ્તક્ષેપને કારણે બન્યા છે. સરકાર પારદર્શિતાના નામે યુગલોને મરવા માટે મજબૂર કરી રહી હોય તેવું જણાય છે.

આ પણ વાંચો: સવર્ણ ડૉક્ટરે લગ્નનો ઈનકાર કરતા દલિત સર્જન યુવતીએ આપઘાત કર્યો

અલગ પોર્ટલ: પ્રેમીઓનું ડિજિટલ લિસ્ટિંગ?

પ્રેમ લગ્ન માટે અલગ પોર્ટલ શરૂ કરવાની વાત અત્યંત જોખમી છે. શું સરકાર પ્રેમ કરનારા યુગલોનું લિસ્ટ જાહેર કરીને તેમને અસામાજિક તત્વોના નિશાને મૂકવા માંગે છે? સાક્ષીઓના ફોટા અને આધાર કાર્ડ ફરજિયાત બનાવવાથી એ ડર પેદા થશે કે કોઈ પણ વ્યક્તિ ભવિષ્યમાં આવા યુગલોની મદદ નહીં કરે. આ એક પ્રકારની ડિજિટલ દેખરેખ છે, જેનો ઉપયોગ યુગલોને ટાર્ગેટ કરવા માટે થઈ શકે છે.
કોમવાદી રંગ આપવાનો પ્રયાસ કરાયો

ગૃહરાજ્ય મંત્રીએ ‘સલીમ-સુરેશ’ના ઉદાહરણ આપીને આ મુદ્દાને કોમવાદી રંગ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હકીકતમાં આ નિયમો તમામ જ્ઞાતિની દીકરીઓ માટે બંધનકર્તા છે. ‘લવ જેહાદ’ કે સુરક્ષાના બહાને આખરે તો સ્ત્રીઓની હરવા-ફરવાની અને પસંદગી કરવાની આઝાદી જ છીનવવામાં આવી રહી છે. શું સરકાર એવું માનવા પ્રેરે છે કે દીકરીઓ એટલી નાદાન છે કે તેને પોતાના હિતની ખબર નથી? આ પ્રકારનું પિતૃસત્તાક વલણ સ્ત્રીઓના આત્મનિર્ભરતાના દાવાઓ પર પાણી ફેરવી દે છે.

આ પણ વાંચો: પ્રેમ લગ્ન કર્યા તો 1 લાખ દંડ અને સામાજિક બહિષ્કાર કરાશે

મુઠ્ઠીભર સવર્ણ લોબીને ખુશ કરવા માટેની કવાયત

જો આ સૂચિત સુધારા અમલી બનશે તો ગુજરાતમાં ‘પ્રેમ’ કરવો એ ગુનો બની જશે. શિક્ષણ અને આધુનિકતાના યુગમાં આપણે પાછળ તરફ ગતિ કરી રહ્યા છીએ. આ સુધારાઓ માત્ર યુવતીઓના જ નહીં, પણ ભારતના લોકતાંત્રિક માળખા અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના પાયાને હચમચાવી નાખનારા છે. સામાજિક સંગઠનો અને માનવાધિકાર કાર્યકર્તાઓએ આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે, નહીંતર સુરક્ષાના નામે લાદવામાં આવેલી આ બેડીઓ દીકરીઓના વિકાસને રૂંધી નાખશે.

સરકાર દ્વારા માંગવામાં આવેલા વાંધા-સૂચનોમાં જો પ્રબુદ્ધ નાગરિકો અવાજ નહીં ઉઠાવે, તો આવનારી પેઢીઓ માટે પ્રેમ કરવો એ કાયદાકીય જંગ બની જશે. શું આપણે ખરેખર એવા સમાજમાં રહેવા માંગીએ છીએ જ્યાં પુખ્ત વયના નિર્ણયો પણ જ્ઞાતિ પંચો અને સરકારી નોટિસો દ્વારા લેવાય?

આ પણ વાંચો: દલિત યુવકે ઈન્ટરકાસ્ટ મેરેજ કરતા યુવતીના પરિવારે ઘર સળગાવ્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x