ભારત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને આપણે વિશ્વગુરુ હોવાના દાવાઓ થઈ રહ્યાં છે, ત્યારે ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લામાંથી સામે આવેલી એક હૃદયદ્રાવક ઘટનાએ આ તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. અહીં એક લાચાર આદિવાસી પિતાએ પોતાના નવજાત શિશૂના મૃતદેહને પ્લાસ્ટિક કે કાપડમાં નહીં, પરંતુ સામાન પેક કરવાના એક બોક્સમાં મૂકીને ઘરે લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાએ માત્ર ઝારખંડ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સરકારી તંત્રની સંવેદનહીનતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મામલો શું હતો?
ઘટનાની વિગતો મુજબ, કરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના બંગરાસાઈ ગામના રહેવાસી રામકૃષ્ણ હેમ્બ્રોમે પોતાની ગર્ભવતી પત્ની રીતા તિરિયાને ગત 5 માર્ચે પ્રસૂતિ માટે ચક્રધરપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. શનિવારે રીતાએ એક બાળકને જન્મ આપ્યો, પરંતુ કમનસીબે જન્મના થોડા જ સમય બાદ નવજાત શિશુનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: પ્રાંતિજના મેમદપુરમાં દલિત ઉપસરપંચ પર 8 લોકોનો જીવલેણ હુમલો
પોતાના વહાલસોયા સંતાનને ગુમાવવાના આઘાતમાં ડૂબેલા પિતાને હોસ્પિટલ પ્રશાસન તરફથી સાંત્વના મળવી તો દૂરની વાત રહી, પણ તેને મૃતદેહ લઈ જવા માટે જરૂરી એમ્બ્યુલન્સ કે શવ વાહિની વિશે પણ કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. રામકૃષ્ણ હેમ્બ્રોમે મીડિયાને જણાવ્યું કે બાળકના મૃત્યુ બાદ હોસ્પિટલના કર્મચારીઓએ તેમને એમ્બ્યુલન્સની સુવિધા વિશે કશું જ કહ્યું નહોતું, જેના કારણે તેઓ લાચાર બનીને બાળકને કાર્ડબોર્ડના ખોખામાં પેક કરી ગામ જવા રવાના થયા હતા.
વીડિયો વાયરલ થતા અધિકારીઓ ગેંગેફેંફે થઈ ગયા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) અજય સિંઘે આ બાબતે પ્રતિક્રિયા આપતા સ્વીકાર્યું હતું કે તેમને ચક્રધરપુર હોસ્પિટલની આ ગંભીર બેદરકારીની જાણકારી મળી છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી છે કે આ ઘટનામાં જે પણ કર્મચારી કે અધિકારી જવાબદાર જણાશે તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. અંશુમાન શર્માએ બચાવ કરતા એવો દાવો કર્યો હતો કે પરિવારે પોતે જ કોઈ મદદ માંગી નહોતી. તેમના મતે, જો પરિવારે એમ્બ્યુલન્સ માટે વિનંતી કરી હોત તો ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી હોત. તેમણે એમ પણ ઉમેર્યું કે તે સમયે હોસ્પિટલમાં ‘મમતા વાહન’ ના ઓપરેટરો હાજર હતા, છતાં પરિવારે સંપર્ક સાધ્યો નહોતો.
હોસ્પિટલ સ્ટાફે એમ્બ્યુલન્સની સુવિધા ન કરી
હોસ્પિટલ તંત્રનો આ તર્ક ગળે ઉતરે તેમ નથી, કારણ કે ગરીબ અને અભણ આદિવાસી પરિવારો ઘણીવાર સરકારી પ્રક્રિયાઓથી અજાણ હોય છે. શું હોસ્પિટલના સ્ટાફની એ નૈતિક જવાબદારી નથી કે તેઓ સ્વૈચ્છિક રીતે આવા દર્દીઓને ઉપલબ્ધ સરકારી યોજનાઓ અને વાહન સુવિધા વિશે માહિતગાર કરે? ડો. શર્માએ વધુમાં જણાવ્યું કે મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેની સ્થિતિ ગંભીર હતી અને અગાઉ કોઈ અયોગ્ય વ્યક્તિ પાસે તેની સારવાર ચાલી રહી હતી. આ પ્રકારના નિવેદનો ઘણીવાર તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આપતું હોય છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે પિતા બાળકને ખોખામાં લઈને હોસ્પિટલની બહાર નીકળ્યા, ત્યારે ત્યાં હાજર સ્ટાફમાંથી કોઈએ પણ તેમને રોકીને વાહન વિશે પૂછવાની તસ્દી લીધી નહોતી.

આ પણ વાંચો: ડાંગના આદિવાસી યુવકે ‘હાલરડાં’ પર PhD કર્યું, ગામનો પહેલો ડોક્ટરેટ બન્યો
આદિવાસીઓ મુખ્યધારાથી બહાર કેમ?
આ ઘટના એવા સમયે બની છે જ્યારે દેશ ડિજિટલ ક્રાંતિ અને મેડિકલ ટુરિઝમના નારા લગાવી રહ્યો છે. એક બાજુ અત્યાધુનિક હોસ્પિટલોમાં રોબોટિક સર્જરી થઈ રહી છે, તો બીજી તરફ ઝારખંડ જેવા આદિવાસી બહુમતી ધરાવતા રાજ્યોમાં ગરીબોને શવ વાહિની માટે વલખાં મારવા પડે છે. દલિતો અને આદિવાસીઓ પ્રત્યેની આ વ્યવસ્થિત સંવેદનહીનતા દર્શાવે છે કે આઝાદીના દાયકાઓ પછી પણ સમાજનો આ છેવાડાનો વર્ગ મુખ્ય પ્રવાહની સુવિધાઓથી વંચિત છે.
હોસ્પિટલ દ્વારા હવે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે અને એવી ખાતરી આપવામાં આવી છે કે ભવિષ્યમાં દર્દીઓને સામેથી પૂછવામાં આવશે કે તેમને વાહનની જરૂર છે કે નહીં. જોકે, આ આશ્વાસન રામકૃષ્ણ હેમ્બ્રોમ જેવા લાચાર પિતાની પીડા ઓછી કરી શકશે નહીં. જ્યાં સુધી સરકારી હોસ્પિટલોમાં માનવીય અભિગમનો અભાવ રહેશે, ત્યાં સુધી આવી શરમજનક ઘટનાઓ બનતી રહેશે અને ‘વિશ્વગુરુ’ બનવાનું સપનું અધૂરું જ રહેશે.
આ પણ વાંચો: ‘મંગળવારે જો મટનની દુકાન ખોલી તો તારી દુકાન સળગાવી દઈશ…’











