દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!

ભારતમાં શિક્ષિક બેરોજગારોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. અઝીમ પ્રેમજી યુનિ.ના રિપોર્ટ મુજબ બેરોજગાર યુવાનોમાં 67% ગ્રેજ્યુએટ છે. જાણો ચોંકાવનારો રિપોર્ટ.
Azim Premji Universitys unemployed report

ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાનો દાવો કરે છે, પરંતુ હકીકત તેનાથી તદ્દન જુદી છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો તાજેતરનો ‘સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા 2026’ રિપોર્ટ દેશના શિક્ષિત વર્ગમાં ફેલાયેલી બેરોજગારીની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે.

રિપોર્ટના સૌથી ચોંકાવનારા અને ચિંતાજનક આંકડા મુજબ, 20 થી 29 વર્ષના વયજૂથના કુલ બેરોજગાર યુવાનોમાંથી 67 ટકા યુવાનો ગ્રેજ્યુએટ છે. આ સ્થિતિ છેલ્લા બે દાયકામાં અત્યંત વણસી છે. વર્ષ 2004માં ગ્રેજ્યુએટ બેરોજગારોનું પ્રમાણ માત્ર 32 ટકા હતું, જે આશરે 30 લાખની આસપાસ હતું. પરંતુ 2023 સુધીમાં આ આંકડો વધીને 67 ટકા પર પહોંચી ગયો છે, જેનો અર્થ એ છે કે અત્યારે દેશમાં આશરે 1.1 કરોડ (11 મિલિયન) ગ્રેજ્યુએટ યુવાનો એવા છે જેમની પાસે કોઈ કામ નથી.

આ આંકડા દર્શાવે છે કે જેમ જેમ યુવાનો વધુ ભણી રહ્યા છે, તેમ તેમ તેમના માટે નોકરી મેળવવી વધુ મુશ્કેલ બની રહી છે. જે યુવાનોએ વર્ષો સુધી મહેનત કરી, પરીક્ષાઓ પાસ કરી અને મોંઘી ફી ભરીને ડિગ્રી મેળવી, તેઓ આજે નોકરીના બજારમાં લાયક ઠરતા નથી અથવા તેમના માટે પૂરતી તકો જ સર્જાઈ નથી.

આ પણ વાંચો: વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!

ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધ્યો પણ રોજગારી ઘટી

છેલ્લા બે દાયકામાં ભારતમાં ઉચ્ચ શિક્ષણની પહોંચ અભૂતપૂર્વ રીતે વધી છે. 2004માં યુવાનોમાં ગ્રેજ્યુએટ્સનો હિસ્સો માત્ર 10 ટકા (1.9 કરોડ) હતો, જે 2023માં વધીને 28 ટકા (6.3 કરોડ) થયો છે. આજે દર વર્ષે સરેરાશ 50 લાખ નવા ગ્રેજ્યુએટ્સ બજારમાં આવે છે. પરંતુ તેની સામે અર્થતંત્રમાં નોકરીઓનું સર્જન કાચબાની ગતિએ થઈ રહ્યું છે.

રિપોર્ટ મુજબ, દર વર્ષે માત્ર 28 લાખ ગ્રેજ્યુએટ્સને જ નોકરી મળી શકે છે. તેમાં પણ ચિંતાજનક પાસું એ છે કે આ 28 લાખમાંથી માત્ર 17 લાખ યુવાનોને જ ‘પગારદાર કાયમી નોકરી’ (Regular Salaried Job) મળી રહી છે. બાકીનાએ કાં તો ફ્રીલાન્સિંગ, કેઝ્યુઅલ લેબર અથવા વણજોઈતા નાના કામો કરવા પડે છે. આ અંતર સાબિત કરે છે કે આપણું શિક્ષણ તંત્ર જે ગતિએ ‘ગ્રેજ્યુએટ્સ’ પેદા કરી રહ્યું છે, આપણું બજાર તે ગતિએ ‘રોજગાર’ પેદા કરવામાં નિષ્ફળ ગયું છે.

ઉચ્ચ શિક્ષણ પાછળ કરેલો ખર્ચ શું પાણી જઈ રહ્યો છે?

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ઉચ્ચ શિક્ષણ એ ગરીબીમાંથી બહાર આવવાનો માર્ગ છે. 2004 થી 2011 વચ્ચે ગ્રેજ્યુએટ્સ અને નોન-ગ્રેજ્યુએટ્સની આવક વચ્ચે મોટો તફાવત જોવા મળતો હતો, જેના કારણે શિક્ષણ પાછળનો ખર્ચ વ્યાજબી લાગતો હતો. પરંતુ 2017 પછીના આંકડા દર્શાવે છે કે ગ્રેજ્યુએટ યુવાનોની કમાણીમાં વૃદ્ધિ અટકી ગઈ છે. ખાસ કરીને પુરુષ ગ્રેજ્યુએટ્સની આવકની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉચ્ચ શિક્ષણ હવે વધુ પગારની ગેરંટી આપતું નથી.

આ પણ વાંચો: ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું

યુવા શક્તિનો યોગ્ય ઉપયોગમાં કરવામાં નિષ્ફળતા મળી રહી છે

ભારત અત્યારે એવી સ્થિતિમાં છે જ્યાં તેની 15 થી 29 વર્ષની યુવા વસ્તી 36.7 કરોડ છે, જે કુલ કાર્યકારી વસ્તીનો ત્રીજો ભાગ છે. આ વસ્તી દેશને આર્થિક મહાસત્તા બનાવી શકે છે, પરંતુ રિપોર્ટ ચેતવણી આપે છે કે આ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ 2030 પછી ઘટવાનું શરૂ થશે અને આ વસ્તી વૃદ્ધત્વ તરફ આગળ વધશે. જો આગામી 4-5 વર્ષમાં આ 1.1 કરોડ બેરોજગાર ગ્રેજ્યુએટ્સને અર્થતંત્રમાં સામેલ કરવામાં નહીં આવે, તો આ યુવા શક્તિ દેશ માટે આર્થિક બોજ અને સામાજિક અસ્થિરતાનું કારણ બની શકે છે.

ખેતી તરફ ‘રિવર્સ ગિયર’: પ્રગતિ કે પતન?

રિપોર્ટમાં એક અત્યંત ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે. 2021-22 થી 2023-24 દરમિયાન દેશમાં 8.3 કરોડ નવી નોકરીઓ સર્જાઈ હોવાનો દાવો થયો છે, પરંતુ સત્ય એ છે કે તેમાંથી 4 કરોડ (લગભગ 50%) નોકરીઓ ખેતી ક્ષેત્રમાં આવી છે. સામાન્ય રીતે અર્થતંત્ર જ્યારે પ્રગતિ કરે ત્યારે લોકો ખેતી છોડીને ફેક્ટરી કે સર્વિસ સેક્ટરમાં જાય છે, પરંતુ અહીં ‘રિવર્સ માઈગ્રેશન’ જોવા મળી રહ્યું છે. શિક્ષિત યુવાનો શહેરોમાં સારી નોકરી ન મળવાને કારણે મજબૂરીમાં ગામડાઓમાં ખેતી તરફ વળ્યા છે, જ્યાં આવક અત્યંત ઓછી અને અનિશ્ચિત છે.

આર્થિક દબાણને કારણે યુવાનો ભણવાનું છોડી રહ્યાં છે

શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે અને નોકરીની કોઈ ખાતરી નથી, જેના કારણે યુવાનો હવે શિક્ષણ છોડી રહ્યા છે. 2017માં 15 થી 24 વર્ષના 38 ટકા યુવાનો ભણતા હતા, જે 2024ના અંત સુધીમાં ઘટીને 34 ટકા થઈ ગયા છે. આ યુવાનો શા માટે ભણવાનું છોડી રહ્યા છે? રિપોર્ટ મુજબ, 72 ટકા યુવાનો પરિવારને આર્થિક મદદ કરવા માટે ભણતર છોડવા મજબૂર બન્યા છે. 2017માં આ આંકડો 58 ટકા હતો. આ બતાવે છે કે દેશમાં આર્થિક કટોકટી કેટલી ઊંડી છે.

આ પણ વાંચો: જોષી સાહેબ, કેમ મને પીરસવા નહોતા દેતા એ હવે સમજાય છે’

સરકારી આંકડાઓ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો આ રિપોર્ટ છેલ્લા 40 વર્ષના સરકારી ડેટા (NSSO અને PLFS) પર આધારિત છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે એન્જિનિયરિંગ અને મેડિસિન જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહ્યા છે. ગરીબ પરિવારોના યુવાનો માટે પ્રોફેશનલ ડિગ્રી મેળવવી એ આર્થિક રીતે આત્મહત્યા કરવા સમાન બની રહી છે, કારણ કે વર્ષોના રોકાણ બાદ પણ વળતર શૂન્ય છે.

રિપોર્ટ અંતમાં સરકાર અને ઉદ્યોગ જગતને કડક ચેતવણી આપે છે. જો આપણે યુવા શક્તિનો લાભ લેવો હોય તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી લાવવી પડશે. માત્ર સર્વિસ સેક્ટરથી દેશના લાખો યુવાનોને રોજગાર નહીં મળે. સ્કિલ ડેવલપમેન્ટ: યુનિવર્સિટીઓની ડિગ્રી અને ઉદ્યોગોની જરૂરિયાત વચ્ચેનો ખાડો પૂરવો પડશે. રોકાણ: એમએસએમઈ (MSME) ક્ષેત્રમાં મોટું રોકાણ કરવું પડશે કારણ કે તે જ સૌથી વધુ રોજગાર પેદા કરે છે. જો સમય રહેતા પગલાં લેવામાં નહીં આવે, તો ડિગ્રીધારી યુવાનોનો આ આક્રોશ દેશના આર્થિક અને સામાજિક માળખાને હચમચાવી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડો રૂપિયા પાણીમાં ગયા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
8 hours ago

67% બેરોજગાર યુવાઓએ પોતાના વ્યક્તિગત દુ:ખ અને અકળાવનારી પરિસ્થિતિ પેદા થાય ત્યારે ઈમાનદારી સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પ્રજ્ઞાસૂર્ય અને સ્વ-મહેનતે અગણિત ડીગ્રીઓ હાંસલ કરનાર રાષ્ટ્રપ્રેમી અને જેની રગેરગમાં દેશભક્તિની
અજોડ ઊર્જાનો સંચાર હોય, એવાં *પરમ પૂજ્ય બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકર જીને વાંચશો તો તમારા દુઃખમાં અવશ્ય સહભાગી થશે, એમાં કોઈ બેમત નથી. જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન! ધન્યવાદ સાધુવાદ!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x