ડૉક્ટરે ફોન પર સૂચના આપી ડિલિવરી કરાવતા માતા-બાળકનું મોત

ડૉક્ટરની ગેરહાજરીમાં અણઘડ સ્ટાફ દ્વારા ફોન પર સૂચના મેળવી ડિલિવરી કરાવાતા માતા અને નવજાત બાળકે જીવ ગુમાવ્યો.
Mother newborn die while delivering baby over phone
Ai Image

રામની નગરી અયોધ્યામાં તબીબી બેદરકારીની એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર દેશના મેડિકલ જગતને હચમચાવી દીધું છે. બેનીગંજ વિસ્તારના રહેવાસી સુરેશ યાદવે પોતાની ગર્ભવતી પત્ની સોની યાદવને પ્રસૂતિની પીડા ઉપડતા ભારે આશા સાથે ‘મા પરમેશ્વરી દેવી મેમોરિયલ હોસ્પિટલ’માં દાખલ કરી હતી. સુરેશ અને સોનીના લગ્ન ગયા વર્ષે જ થયા હતા અને આ તેમનું પ્રથમ સંતાન હતું. પરિવારમાં નવા મહેમાનના આગમનને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ ચાલતી હતી અને ઉત્સાહનો માહોલ હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે હોસ્પિટલના અંધેર વહીવટના કારણે તેમનું હસતું-રમતું વિશ્વ વિખેરી નાખશે.

પરિવારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની મુખ્ય ડોક્ટર અંજલી શ્રીવાસ્તવે શરૂઆતમાં સોનીની તપાસ કરીને પરિસ્થિતિ એકદમ સામાન્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે પરિવારને આશ્વાસન આપ્યું હતું કે બધું બરાબર છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે, મંગળવારે મોડી રાત્રે જ્યારે સોનીને લેબર પેઈન વધ્યું અને તેને લેબર રૂમમાં લઈ જવાની જરૂર પડી, ત્યારે હોસ્પિટલમાં કોઈ જવાબદાર કે યોગ્ય લાયકાત ધરાવતા ડોક્ટર હાજર નહોતા. સ્ટાફે ડોક્ટર વગર જ પરિસ્થિતિ સંભાળવાનો ખોટો પ્રયાસ કર્યો હતો.

તબીબી બેદરકારીની પરાકાષ્ઠા: ફોન પર અપાઈ સૂચના

આ કેસમાં સૌથી ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ એ છે કે, જ્યારે પ્રસૂતાને લેબર રૂમમાં લઈ જવામાં આવી, ત્યારે ત્યાં માત્ર તાલીમ વગરનો સ્ટાફ અને વોર્ડ બોય જેવા કર્મચારીઓ હાજર હતા. પરિજનોનો આરોપ છે કે હોસ્પિટલના એક કર્મચારીએ ડોક્ટર અંજલી સાથે મોબાઈલ ફોન પર વાત કરી હતી અને ત્યાંથી મળતી સૂચનાઓ મુજબ સોનીની ડિલિવરી કરાવવાની જોખમી પ્રક્રિયા શરૂ કરી હતી. તબીબી વિજ્ઞાનના નિયમ મુજબ પ્રસૂતિ એક જટિલ અને સંવેદનશીલ પ્રક્રિયા છે, જેમાં ગમે ત્યારે કટોકટી સર્જાઈ શકે છે. આવા સમયે નિષ્ણાત ડોક્ટરની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય હોય છે, તેમ છતાં અહીં માત્ર ફોન કોલના આધારે માનવ જીવન સાથે ક્રૂર રમત રમાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતની ફાઈનલ મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદારો કપાયા

બાળક બાદ માતાનું પણ મોત

થોડી વાર પછી હોસ્પિટલના સ્ટાફે ધ્રૂજતા હાથે નવજાત બાળકને પરિવારને સોંપતા કહ્યું કે બાળક શ્વાસ લઈ રહ્યું નથી. ગભરાયેલા પરિજનો બાળકને તાત્કાલિક અન્ય નજીકની હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે શોકાતુર પરિવાર આઘાત સાથે પરત હોસ્પિટલ આવ્યો ત્યારે તેમને જાણ થઈ કે સોનીની હાલત પણ અત્યંત નાજુક છે અને તેને વધુ પડતું બ્લીડિંગ થઈ રહ્યું છે. તેને પણ અન્ય મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ સોનીને પણ મૃત જાહેર કરી હતી, જેનાથી એક હસતા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.

તપાસમાં અનેક ચોંકાવનારા ખૂલાસા થયા

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એડિશનલ ચીફ મેડિકલ ઓફિસર (ACMO) ડો. આશુતોષ શ્રીવાસ્તવની આગેવાનીમાં આરોગ્ય વિભાગની એક ઉચ્ચ સ્તરીય ટીમે હોસ્પિટલ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જે ભયાનક વાસ્તવિકતા સામે આવી તે વહીવટીતંત્ર માટે પણ આઘાતજનક હતી. નિરીક્ષણ સમયે હોસ્પિટલમાં એક પણ ક્વોલિફાઇડ ડોક્ટર કે રજિસ્ટર્ડ નર્સ હાજર નહોતી. હોસ્પિટલનું તમામ સંચાલન મહેશ સિંહ નામનો વ્યક્તિ કરી રહ્યો હતો, જે પોતાને મેનેજર ગણાવતો હતો પરંતુ તેની પાસે કોઈ તબીબી જ્ઞાન નહોતું.

હોસ્પિટલમાં ક્વોલિફાઈડ ડૉક્ટરો જ નહોતા

આરોગ્ય વિભાગની ટીમને તપાસમાં એ પણ જોવા મળ્યું કે હોસ્પિટલમાં અન્ય ત્રણ મહિલાઓ પણ દાખલ હતી, જેમના તાજેતરમાં જ સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ મહિલાઓને પણ કોઈપણ તબીબી દેખરેખ વગર માત્ર એક બિનઅનુભવી મેનેજરના ભરોસે મોતના મુખમાં છોડી દેવામાં આવી હતી. વધુમાં, હોસ્પિટલ પાસે દર્દીઓના રેકોર્ડ, ડોક્ટરોની લાયકાતના પ્રમાણપત્રો કે હોસ્પિટલ ચલાવવા માટેના જરૂરી કાયદેસરના દસ્તાવેજો પણ મળી આવ્યા નહોતા. જે દર્શાવે છે કે માનવ જીવનના ભોગે આ હોસ્પિટલ નફાખોરી કરતી હતી.

આ પણ વાંચો: જન્મ સમયે ‘પથ્થર’ કહી ધિક્કારી હતી, તે દલિત દીકરી પહેલી પેટ્રોકેમિકલ એન્જિનિયર બની

હોસ્પિટલ સીલ કરાઈ, ડૉક્ટર-સ્ટાફ ફરાર થઈ ગયો

આરોગ્ય વિભાગે વિલંબ કર્યા વગર ‘મા પરમેશ્વરી દેવી મેમોરિયલ હોસ્પિટલ’ને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. ત્યાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને તાત્કાલિક ધોરણે સરકારી જિલ્લા મહિલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેથી તેમનો જીવ બચાવી શકાય. મુખ્ય આરોપી તરીકે જોવામાં આવતા ડોક્ટર અંજલી શ્રીવાસ્તવ અને અન્ય જવાબદાર સ્ટાફ હાલ ધરપકડના ડરથી ફરાર થઈ ગયા છે. એસીએમઓએ ખાતરી આપી છે કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે પણ દોષિત જણાશે તેમની સામે હત્યા સમાન બેદરકારીનો ગુનો નોંધીને કડકમાં કડક જેલની સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. અયોધ્યાની આ ઘટનાએ દેશભરની ખાનગી હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: એમ્બ્યુલન્સ ન મળતા આદિવાસી પિતાએ પુત્રનો મૃતદેહ બોક્સમાં લઈ જવો પડ્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x