દલિત સગીરાએ છેડતીથી કંટાળી ડીઝલ છાંટી આત્મદહન કર્યું

Dalit News: દલિત સગીરાની ટપોરીઓ છેડતી કરતા હતા, સગીરાએ પોલીસને જાણ કરતા ટપોરીઓ ઘેર આવીને ધમકી આપતા હતા. ડરી ગયેલી સગીરાએ ડીઝલ છાંટી આત્મદાહનું પગલું ભર્યું.
ambulance fire in Modasa

Dalit News: ગુજરાત સહિત દેશભરમાં હાલ રાજકીય પક્ષો ડો.આંબેડકરના નામે દલિત મતોને પોતાની તરફ ખેંચવા માટે મથી રહ્યાં છે, પરંતુ વાત જ્યારે દલિતોને ન્યાય અપાવવાની આવે ત્યારે આમાંથી એકેય રાજકીય પક્ષ આગળ આવતો નથી. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક દલિત સગીરાએ ટપોરી યુવકોના ત્રાસથી કંટાળી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મદાહ કરતા હોબાળો મચી ગયો છે.

મામલો મધ્યપ્રદેશના સાગર જિલ્લાના માલથૌન વિસ્તારનો છે. ઘટનાની મળતી વિગતો મુજબ, અહીંના સેમરા લોધી ગામમાં રહેતી દલિત સગીરાને ગામનો જ એક યુવક છેલ્લા ઘણા સમયથી ફોન કરીને માનસિક રીતે પરેશાન કરતો હતો. સગીરાએ અનેકવાર તેને ફોન ન કરવા વિનંતી કરી અને ચેતવણી પણ આપી હતી, પરંતુ આરોપીની વિકૃત માનસિકતા અને દબંગાઈ વધતી ગઈ. અંતે, છેડતી અને પજવણીથી કંટાળીને સગીરાએ પોતાના પરિવારજનોને વાત કરી હતી. હિંમત ભેગી કરીને પરિવાર તેને પોલીસ સ્ટેશન લઈ ગયો અને આરોપી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી. પીડિત પરિવારને આશા હતી કે પોલીસ ફરિયાદ બાદ આરોપી કાયદાના ડરથી પજવણી બંધ કરશે, પરંતુ વાસ્તવિકતા અત્યંત ભયાનક સાબિત થઈ.

પોલીસ ફરિયાદ બાદ ટપોરીઓનો આતંક વધ્યો

જેવી પોલીસમાં ફરિયાદ થઈ, આરોપી અને તેના સાથીદારો કાયદાનો ડર રાખવાને બદલે વધુ હિંસક બની ગયા. ‘પોલીસ અમારું શું કરી લેશે’ તેવા અહંકાર સાથે આરોપીએ પોતાના ત્રણ-ચાર સાથીદારો સાથે સગીરાના ઘરે પહોંચી ગયા હતા અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પિતા સાથે પણ અત્યંત અભદ્ર વર્તન કરી મારામારી કરી હતી. ધોળા દિવસે દલિત પરિવારના આંગણે આવીને ગુંડાઓએ જે રીતે આતંક મચાવ્યો, તેનાથી સગીરા અંદરથી ફફડી ઉઠી હતી. તેને લાગ્યું કે હવે તેની અને તેના પરિવારની સુરક્ષા કરનાર કોઈ નથી.

ડરી ગયેલી સગીરાએ ડીઝલ છાંટી આત્મદાહ કર્યું

આરોપીઓના આતંક અને પિતાની લાચારી જોઈને સગીરાએ ફફડી ઉઠી હતી. જ્યારે લુખ્ખા તત્વો ધમકી આપીને ગયા, ત્યારે આઘાતમાં સરેલી સગીરાએ ઘરમાં પડેલું ડીઝલ પોતાના શરીર પર રેડ્યું અને દીવાસળી ચાંપી દીધી. સગીરાની મરણતોલ ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને માંડ-માંડ આગ ઓલવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેને તાત્કાલિક માલથૌન સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેને સાગરની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ સગીરાનું શરીર મોટાભાગે દાઝી ગયું છે અને તેની હાલત અત્યંત ચિંતાજનક છે.

તંત્ર ઉંઘતું ઝડપાયું, આરોપીઓ ફરાર

આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. એડિશનલ એસપી લોકેશ સિન્હાએ જણાવ્યું હતું કે પીડિતાના નિવેદનના આધારે સેમરા લોધી ગામના ચાર યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે: શું પોલીસ ફરિયાદ કર્યા પછી પીડિત પરિવારને સુરક્ષા આપવાની જવાબદારી તંત્રની નહોતી? દલિત દીકરીને આત્મદહન સુધી મજબૂર કરનારા આ ગુંડાઓને કોનું રક્ષણ છે? હાલ તો આખો વિસ્તાર આ માસૂમ દીકરી માટે પ્રાર્થના કરી રહ્યો છે અને આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ બિહારમાં 5 દલિત સગીરાઓ ઝેર ગટગટાવ્યું, 4 ના મોત, એક ગુમ

આ પણ વાંચોઃ દલિત સગીરાને બગીચામાં ખેંચી જઈ ધોળા દિવસે 5 લોકોએ ગેંગરેપ કર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x